યશાયા 50 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહોવા એવું પૂછે છે, “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે? અથવા મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા છે? જુઓ, તમારા અન્યાયને લીધે તમે વેચાયા હતા, ને તમારા અપરાધોને લીધે તમારી માને તજી દીધી હતી. 2 હું આવ્યો, તો કોઈ માણસ નહોતું; મેં પોકાર્યું, તો કોઈ ઉત્તર આપનાર નહોતો, એનું કારણ શું? શું, મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે, તે તમને છોડાવી શકે નહિ? અને તમને બચાવવાને મારામાં કોઈ શક્તિ નથી? જુઓ, મારી ધમકીથી હું સમુદ્રને સૂકવી નાખું છું, નદીઓને રણ કરી નાખું છું; પાણીની અછતને લીધે તેઓમાંનાં માછલાં ગંધાઈ ઊઠે છે, ને તરસે મરી જાય છે. 3 હું આકાશોને અંધકારથી વેષ્ટિત કરું છું, ને ટાટથી તેઓનું આચ્છાદન કરું છું.” પ્રભુનો આજ્ઞાધીન સેવક 4 હું થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપતાં જાણું, માટે પ્રભુ યહોવાએ મને ભણેલાની જીભ આપી છે. તે દર સવારે [મને] જાગૃત કરે છે, તે મારા કાનને જાગૃત કરે છે કે હું ભણેલાની જેમ સાંભળું. 5 પ્રભુ યહોવાએ મારા કાન ઉઘાડયા છે, તેથી મેં બંડ કર્યું નહિ, ને હું પાછો હઠયો. 6 મેં મારનારની આગળ મારી પીઠ, તથા વાળ ખેંચી કાઢનારાની આગળ મારા ગાલ ધર્યા; અપમાન તથા થૂ કરતા છતાં મેં મારું મુખ ઢાંકી દીધું નહિ. 7 પણ પ્રભુ યહોવા મને મદદ કરશે; તેથી હું ઝંખવાયો નથી; તેથી મેં તો મારું મુખ ચકમકના પથ્થર જેવું [કઠણ] કર્યું છે, હું જાણું છું કે મારી બદનામી થવાની નથી. 8 મને ન્યાયી ઠરાવનાર પાસે છે; કોણ મારી સાથે તકરાર કરશે? આપણે એકઠા ઊભા રહીએ; મારો પ્રતિવાદી કોણ છે? તે મારી પાસે આવે. 9 જુઓ, પ્રભુ યહોવા મને મદદ કરશે; મેન અપરાધી ઠરાવનાર કોણ છે? તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; કીટ તેઓને ખાઈ જશે. 10 તમારામાં યહોવાથી બીનાર કોણ છે? તે તેના સેવકનો શબ્દ સાંભળે; જે અંધકારમાં ચાલે છે, ને જેને કંઈ પ્રકાશ નથી, તેણે યહોવાના નામ પર ભરોસો રાખવો, અને પોતાના ઈશ્વર પર આધાર રાખવો. 11 જુઓ, સર્વ અગ્નિ સળગાવનારા, કમરે બળતાં ખોયણાં બાંધનારા, તમે તમારા [સળગાવેલા] અગ્નિની જ્વાળામાં તથા તમે પોતે સળગાવેલાં ખોયણાંમાં ચાલો. મારા હાથથી તમારે માટે એ જ નિર્ણિત થયેલું છે; તમે વિપત્તિ સ્થાનમાં પડી રહેશો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India