યશાયા 47 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)બાબિલ સામે ચુકાદો 1 “હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ! હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વગર ભોંય પર બેસ! કેમ કે હવે પછી તું સુકુમાર તથા કોમળ કહેવાશે નહિ. 2 ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો કાઢ, તારો ઘાઘરો ઊંચો ખોસ, જાંઘ ઉઘાડી કર, નદીઓ ઊતરીને જા. 3 તારું શરીર ઉઘાડું થશે, તારી લાજ પણ જોવાશે; હું વેર લઈશ, ને કોઈ માણસ બચી જશે નહિ.” 4 અમારો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે, અને જે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર છે તે એવું કહે છે]. 5 “હે ખાલદીઓની દીકરી, તું છાનીમાની બેસ, ને અંધકારમાં પેસી જા; કેમ કે હવે પછી તું રાજ્યોની માલિક કહેવાઈશ નહિ. 6 હું પોતાના લોકો ઉપર કોપાયમાન થયો, મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો ને તેમને તારા હાથમાં સોંપ્યા; તેં તેમના પર દયા રાખી નહિ; તેં ઘરડા ઉપર તારી ઝૂંસરી અતિ ભારે કરી. 7 વળી તેં કહ્યું, ‘હું સર્વકાળ સુધી રાણી રહીશ.’ માટે તેં એ વાત ધ્યાનમાં ન લીધી, અને તેનું પરિણામ શું આવશે તે લક્ષમાં લીધું નહિ. 8 હવે, હે વિલાસિની, નિશ્ચિંત બેસી રહેનારી, હું જ છું, ને બીજું કોઈ નથી, હું વિધવા થઈને બેસીશ નહિ, હું પુત્રહાનિ જાણીશ નહિ, એમ પોતાના મનમાં કહેનારી, તું આ સાંભળ: 9 આ બન્ને વિપત્તિઓ, [એટલે] વૈધવ્ય તથા પુત્રહાનિ, એક દિવસે એક ક્ષણમાં તારા પર આવી પડશે; તારાં પુષ્કળ જાદુ છતાં, તથા તારા ઘણા ધંતરમંતર છતાં, તેઓ સંપૂર્ણપણે તારા પર આવશે. 10 તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું છે, ‘મને કોઈ જોતો નથી.’ તારા જ્ઞાને તથા તારી વિદ્યાએ તને કુમતિ આપી છે; તારા મનમાં તેં માન્યું છે, ‘હું જ છું, ને મારા સિવાય બિજું કોઈ નથી.’ 11 માટે તારા પર આફત આવશે; તેને દૂર કરવાનો મંત્ર તું જાણીશ નહિ; અને તું તેને નિવારણ કરી શકીશ નહિ, એવી વિપત્તિ તારા પર આવી પડશે; અને જેની તને ખબર નથી એવો વિનાશ તારા પર અકસ્માત આવશે. 12 જેની પાછળ તું નાનપણથી શ્રમ કરતી આવી છે, તે તારા ધંતરમંતર તથા તારાં પુષ્કળ જાદુ લઈને ઊભી રહેજે; તું કદાચિત લાભ પ્રાપ્ત કરી શકે, કદાચિ ભય ઉત્પન્ન કરે. 13 અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તારા પર જે આવનાર છે તેથી નક્ષત્રો ઠરાવનાર, જ્યોતિષીઓ, અમાવાસ્યાસૂચકો ઊભા થઈને તારો બચાવ ભલે કરે. 14 જુઓ, તેઓ ખૂંપરા જેવા થશે. અગ્નિ તેઓને બાળી નાખશે; તેઓ અગ્નિની જ્વાળાના જોરથી પોતાને બચાવી શકશે નહિ; તે તાપવા લાયક અંગારો, પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ. 15 જેઓને માટે તું શ્રમ કરતી આવી છે, તેઓ તારે માટે તેવાં જ થશે; નાનપણતી તારી સાથે વેપાર કરનારાઓ ભટકતા ભટકતા પોતપોતાને સ્થાને જશે; તને બચાવનાર કોઈ મળશે નહિ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India