યશાયા 35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પવિત્રતાનો માર્ગ 1 અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની જેમ ખીલશે. 2 તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે; તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાનું ગૌરવ, આપણા ઈશ્વરનો વૈભવ જોશે. 3 ઢીલા હાથોને દઢ કરો, અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો. 4 જેઓ સ્વભાવે ઉતાવળા છે, તેઓને કહો, દઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર! વૈર લેવાશે, ઈશ્વર તેમને યોગ્ય બદલો આપશે; તે પોતે આવીને તમને તારશે. 5 ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે, ને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવશે. 6 લંગડો હરણની જેમ કૂદશે, જે મૂંગાની જીભ ગાયન કરશે; કારણ કે અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે. 7 મૃગજળ તે તલાવડી, ને તરસી ભૂમિ તે પાણીના ઝરા થઈ જશે; શિયાળોના રહેઠાણમાં [તેમને સૂવાને સ્થાને] , ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે. 8 ત્યાં રાજમાર્ગ થશે, અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેમાં થઈને [કોઈ પણ] અશુદ્ધ જશે નહિ. તે માર્ગ પ્રભુના લોકોને માટે થશે; અને મૂર્ખો પણ [તેમાં] ભૂલા પડશે નહિ. 9 ત્યાં સિંહ દેખાશે નહિ, ને કોઈ પણ હિંસક પ્રાણી ત્યાં આવી ચઢશે નહિ, ત્યાં તેઓ જોવામાં આવશે નહિ; પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે. 10 યહોવાના છોડાયેલા પાછા આવીને હર્ષનાદ કરતા કરતા સિયોન પહોંચશે; અને તેઓને માથે હમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેમના શોક તથા નિશ્વાસ જતા રહેશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India