યશાયા 34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈશ્વર શત્રુઓને શિક્ષા કરશે 1 હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો, તમે કાન દો! પૃથ્વી તથા તે પર જે કાંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળે! 2 કેમ કે સર્વ પ્રજાઓ પર ને તેનાં સર્વ સૈન્યો પર યહોવાને ક્રોધ ચઢયો છે; પ્રભુએ તેઓને વિનાશ પામવા નિર્માણ કર્યાં છે, તેઓને સંહારને આધીન કર્યાં છે. 3 તેમનાં મારી નંખાયેલાં નાખી દેવામાં આવશે, ને તેમનાં મુડદાંઓ દુર્ગંધ મારશે, ને પર્વતો તેમના લોહીથી ઓગળી જશે. 4 આકાશોનાં સર્વ સૈન્યો પીગળી જશે, ને આકાશો ઓળિયાની જેમ લપેટાશે; અને દ્રાક્ષાવેલા પરથી પાંદડું સુકાઈને ખરી પડે છે ને અંજીરી પરથી [પાંદડાં] સુકાઈને લોપ થાય છે, તે પ્રમાણે તેમનાં સર્વ સૈન્યો [નાશ પામશે]. 5 કેમ કે મારી તરવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે; જુઓ, તે અદોમને, ને મારાથી શાપિત થયેલા લોકોને શાસન કરવા માટે ઊતરશે. 6 યહોવાની તરવાર લોહીથી ભરપૂર છે, તે મેદથી, હલવાન તથા બકરાંના લોહીથી, બકરાના ગુરદાના મેદથી તરબત્તર થયેલી છે; કેમ કે બોસ્રામાં યહોવાનો યજ્ઞ તથા અદોમ દેશમાં મોટી કતલ છે. 7 જંગલી ગોધાઓ, બળદો તથા આખલાઓ એ બધા સાથે નીચે આવશે; અને તેમની ભૂમિ લોહીથી તરબોળ થશે, ને તેમની ધૂળ મેદથી મિશ્રિત થશે. 8 કેમ કે તે યહોવાનો વેર વાળવાનો દિવસ છે, સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે. 9 તેનાં નાળાં ડામર થઈ જશે, તેની ધૂળ ગંધક થશે, ને તેની ભૂમિ બળતો ડામર થશે. 10 રાત ને દિવસ તે કદી હોલવાશે નહિ. તેનો ધુમાડો પેઢી દરપેઢી ઊંચે ચઢશે; તે સર્વકાળ ઉજજડ રહેશે; તેમાં થઈને કોઈ જશે નહિ. 11 તે બગલા તથા શાહુડીનું વતન થશે; ઘુવડ તથા કાગડા તેમાં વસશે; અને તે પર અસ્તવ્યસ્તતા તથા ખાલીપણાનો ઓળંબો તે લંબાવશે. 12 વળી રાજ્ય પ્રગટ કરવાને માટે તેનો કોઈ અમીર ત્યાં હશે નહિ; અને તેના સર્વ સરદારો નહિ જેવા થશે. 13 તેના રાજમહેલોમાં કાંટા, ને તેના કિલ્લાઓમાં કૌવચ તથા ઝાંખરાં ઊગશે; તે શિયાળોનું રહેઠાણ, ને શાહમૃગનો વાડો થશે. 14 જંગલી જનાવરો વરુઓને મળશે, ને રાની બકરો પોતાના સાથીને પોકારશે; નિશાચર પ્રાણી પણ ત્યાં વાસો કરશે, ને પોતાને માટે વિશ્રામસ્થાન પ્રાપ્ત કરશે. 15 ઊડણ સાપ ત્યાં દર કરશે, ઈંડાં મૂકશે, ને તે સેવીને બચ્ચાંને પોતાની છાયા નીચે એકત્ર કરશે; ત્યાં સમડીઓ પણ દરેક પોતાના સાથી સહિત એકઠી થશે. 16 યહોવાના પુસ્તકમાં શોધ કરો ને વાંચો; તેઓમાંથી એક પણ ખૂટશે નહિ, તેઓમાંનું કોઈ પણ પોતાના સાથી વગરનું માલૂમ પડશે નહિ; કેમ કે [યહોવાના] મુખે તો આજ્ઞા આપી છે, ને તેમના આત્માએ તો તેમને એકઠાં કર્યાં છે. 17 યહોવાએ તેમને માટે ચિઠ્ઠી નાખી છે, ને યહોવાના હાથે દોરીથી [માપીને] તેમને તે વહેંચી આપ્યું છે; તેઓ સર્વકાળ તેનું વતન ભોગવશે, પેઢી દરપેઢી તેઓ તેમાં વસશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India