Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મદદ માટે પ્રાર્થના

1 અફસોસ છે તેને! તું લૂંટે છે પણ પોતે લૂંટાયો નહિ; તું ઠગાઈ કરે છે, પણ તેઓએ તારી સાથે ઠગાઈ કરી નહિ! તું લૂંટી રહીશ ત્યારે તું લૂંટાશે; અને તું ઠગાઈ કરવી બંધ કરીશ, ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે.

2 હે યહોવા, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરી છે; દર સવાર તમે તેમનો ભુજ, અને દુ:ખના સમયે અમારા પણ તારક થાઓ.

3 લડાઈના કોલાહલથી લોકો નાસે છે; તમે લડવા ઊઠયા તેથી વિદેશીઓ વિખેરાયા છે.

4 અને જેમ માણસો કાતરા એકઠા કરે છે, તેમ તમારી લૂંટ એકઠી કરવામાં આવશે; તીડો ધસી આવે છે તે પ્રમાણે તેઓ તે પર ધસી આવશે.

5 યહોવા મોટા મનાયા છે; કેમ કે તે ઉચ્ચસ્થાને રહે છે; તેમણે ઇનસાફથી તથા ધાર્મિકપણાથી સિયોનને ભરપૂર કર્યું છે.

6 વળી તારા વખતમાં સ્થિરતા થશે; સુબુદ્ધિ, જ્ઞાન તથા ઉદ્ધારનો ભંડાર થશે; યહોવાનું ભય તે જ તેનો ખજાનો છે.

7 જુઓ, તેમના શૂરવીરો બહારથી વિલાપ કરે છે. સલાહ કરનારા એલચીઓ પોક મૂકીને રડે છે.

8 માર્ગો ઉજજડ થયા છે. વટેમાર્ગુ બંધ થયા છે; તેણે કરાર તોડયો છે, તેણે નગરોને ધિકકાર્યાં છે, તે માણસને ગણકારતો નથી.

9 દેશ વિલાપ કરે છે, ને નિર્ગત થાય છે; લબાનોન લજિજત થઈને ચીમળાઈ જાય છે! શારોન ઉજજડ રાજ જેવો થયો છે; બાશાન તથા કાર્મેલ [પોતાનાં પાતરાં] ખેરવી નાખે છે.


પ્રભુ પોતાના દુશ્મનોને ચેતવે છે

10 યહોવા કહે છે, “હમણાં હું ઊઠીશ; હમણાં હું પોતાને ઊંચો કરીશ; હમણાં હું મોટો મનાઈશ.

11 તમે ફોતરાંનો ગર્ભ ધરશો, તમે ખૂંપરાને જન્મ આપશો; તમારો શ્વાસ તમને બાળી નાખનાર અગ્નિ જેવો છે.

12 અને લોકો ભઠ્ઠીના ચૂના જેવા, અગ્નિમાં બાળી નાખેલા કાપેલા કાંટા જેવા થશે.

13 હે દૂરના લોકો, મેં જે કર્યું છે તે તમે સાંભળો; અને પાસે રહેનારાઓ, તમે મારું પરાક્રમ જાણો.

14 સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે; અધર્મિઓને ધ્રૂજારી ચઢી છે. “આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે?

15 જે ન્યાયને માર્ગે ચાલે છે ને સત્ય બોલે છે, જે જુલમની કમાઈને ધિકકારે છે, જે લાંચને હાથમાં ન પકડતાં તરછોડી નાખે છે, જે ખૂન વિષે સાંભળવું ન પડે માટે પોતાના કાન બંધ કરી દે છે, અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીંચી દે છે [તે જ વાસો કરશે].

16 ઉચ્ચસ્થાનમાં તે જ રહેશે; ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે; તેની રોટલી તેને આપવામાં આવશે; તેને પાણી ખચીત મળશે.


સુવર્ણમય ભાવિ

17 તારી આંખો રાજાને તેના સૌંદર્યમાં જોશે; તેઓ વિશાળ દેશને જોશે.

18 તારા હ્રદયમાં વિતી ગયેલા ભય વિષે વિચાર જ આવશે; “ [ખંડણી] ગણી લેનાર ક્યાં છે? તોળનાર ક્યાં છે? બુરજોની ગણના કરનાર ક્યાં છે?

19 જે લોકોની બોલી કળી શકાય નહિ એવી બોબડી છે, તે ક્રૂર લોકોને તું ફરી જોશે નહિ.

20 સિયોન જે આપણાં પર્વોનું નગર છે તેને જો; તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જે તંબુ ઉખેડવામાં આવશે નહિ, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ, ને જેની સર્વ દોરીઓ તૂટશે નહિ, તેવા [તંબુ] જેવું જોશે.

21 ત્યાં તો યહોવા જે મહિમાવાન છે તે આપણી સાથે હશે, તે પહોળી નદીઓ તથા નાળાંને સ્થાને થશે; શત્રુની હલેસાંવાળી નાવ તેમાં જનાર નથી, ને શોભાયમાન વહાણ તેની પાર જનાર નથી.

22 કેમ કે યહોવા આપણા ન્યાયાધીશ, યહોવા આપણા નિયંતા, યહોવા આપણા રાજા છે; તે આપણને તારશે.

23 શત્રુના વહાણનાં દોરડાં ઢીલાં પડી ગયાં છે; તેઓ કૂવાથંભ બરાબર સજજડ રાખી શકયા નહિ, તેઓ સઢ પ્રસારી શક્યા નહિ; ત્યારે લૂંટફાટમાં લૂંટ પુષ્કળ વહેંચાઈ; જે લંગડા હતા તેઓને પણ લૂંટ મળી.

24 ‘હું માંદો છું, ’ એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ:તેમાં વસનાર લોકની દુષ્ટતા માફ કરવામાં આવશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan