Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યરુશાલેમમાં અંધાધૂંધી

1 જુઓ, સૈન્યોના પ્રભૂ યહોવા યરુશાલેમમાંથી તથા યહૂદિયામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઈ લેનાર છે!

2 શૂરવીર તથા લડવૈયા, ન્યાયાધીશ તથા પ્રબોધક, જોષી તથા વડીલ,

3 સૂબેદાર તથા પ્રતિષ્ઠિત પુરુષ, મંત્રી તથા નિપુણ કારીગર તથા ચતુર ઇલમીને [તે લઈ લેશે].

4 હું બાળકોને તેમના અધિકારીઓ ઠરાવીશ, અને બાળકો તેમના પર રાજ કરશે.

5 લોકો એકબીજા પર, ને દરેક જન પોતાના પડોશી પર જુલમ ગુજારશે. છોકરો વડીલનો, ને નીચ માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે.

6 [તે સમયે] માણસ પોતાના ભાઈને તેના પિતાના ઘરમાં પકડીને કહેશે, “તારી પાસે વસ્ત્ર છે, ચાલ, તું અમારો અધિપતિ થા, આ ખંડિયેર તારા હાથ નીચે રહો.”

7 ત્યારે તે બોલી ઊઠશે, “હું તો સુધારનાર થવાનો નથી; વળી મારા ઘરમાં કંઈ રોટલી નથી, ને કંઈ વસ્ત્ર પણ નથી; તમે મને લોકનો અધિપતિ ઠરાવશો નહિ!

8 કેમ કે યરુશાલેમની પાયમાલી અને યહૂદિયાની પડતી થઈ છે; કારણ કે વાણીથી અને કરણીથી તેઓ યહોવાની વિરુદ્ધ તેમની પવિત્ર દષ્ટિમાં ખોટું લાગે એમ વર્તે છે.

9 તેઓનો પક્ષપાત તેઓની વિરુદ્ધ સાક્ષી પૂરે છે! સદોમની જેમ તેઓ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. અફસોસ છે તેમને! કેમ કે તેઓએ પોતે પોતાનું ભૂંડું કર્યું છે.

10 ન્યાયીને ધન્ય છે, તેનું કલ્યાણ થશે; તેઓ પોતાની કરણીનું ફળ ભોગવશે.

11 દુષ્ટને અફસોસ! તેનું અકલ્યાણ થશે; કેમ કે તે તેના હાથે કરેલા કૃત્યનું ફળ ભોગવશે.

12 મારા લોકો પર તો બાળકો જુલમ કરે છે, ને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે. અરે મારા લોક! તમારા અગ્રેસરો તમને ભમાવનારા છે, તેઓએ તમારા ચાલવાના માર્ગ ગૂંચવી નાખ્યા છે.


પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરે છે.

13 યહોવા વિવાદ કરવાને ઊઠયા છે, લોકોનો ન્યાય કરવાને તે ઊભા થયા છે.

14 યહોવા પોતાના લોકના વડીલોનો તથા તેમના સરદારોનો ન્યાય કરશે. તમે તો દ્રાક્ષાવાડીને ખાઈ ગયા છો! ગરીબોની લૂંટ તમારાં ઘરોમાં છે.

15 “તમે કેમ મારા લોકને છૂંદી નાખો છો, અને દરિદ્રીઓને નિચોવીને હેરાન કરો છો?” સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહે છે.


સિયોન પુત્રીઓને ચેતવણી

16 વળી યહોવા કહે છે, “સિયોનની દીકરીઓ ગર્વિષ્ઠ છે, તેઓ માથું ઊંચું રાખીને, કટાક્ષ મારતી, પગથી છમકારા કરતી, અને ઠમકતી ઠમકતી ચાલે છે.”

17 તેથી પ્રભુ સિયોનની દીકરીઓનાં માથાંને ઉંદરીવાળાં કરી નાખશે, અને યહોવા તેમને ઉઘાડાં કરશે.

18 તે જ દિવસે પ્રભુ કલ્લાંની શોભા લઈ લેશે, માથાબાંધણાં, ચંદનહાર;

19 ઝૂમખા, બંગડીઓ, ઘૂમટા;

20 મુગટો, સાંકળાં, પટકા, અત્તરદાનીઓ, માદળિયા;

21 વીંટી, નથ;

22 ઉત્તમ વસ્ત્રો, ઝભ્ભાઓ, શાલો, બટવા;

23 આરસીઓ, બદનો, પાઘડીઓ તથા બુરખાઓ [તે બધું લઈ લેવામાં આવશે].

24 ત્યારે સુગંધને બદલે દુર્ગંધ થશે; પટકાના બદલામાં દોરડું; ગૂંથેલા કેશને બદલે ટાલ; ઝભ્ભાને બદલે ટાટની કછોડી; અને સુંદરતાને બદલે ડામ થશે.

25 તારા પુરુષો તરવારથી, ને તારા શૂરવીરો લડાઈમાં પડશે.

26 તેના દરવાજાઓમાં શોક તથા વિલાપ થઈ રહેશે; અને તે ખાલી થઈને ભૂમિ પર બેસશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan