Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રભુ પોતાના લોકોને વિજય પમાડશે

1 તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે: અમારું એક મજબૂત નગર છે; તેના કોટ તથા મોરચા [ઈશ્વર] તારણને અર્થે ઠરાવી આપશે.

2 દરવાજાઓને ઉઘાડો કે, સત્યનું પાલન કરનારી ન્યાયી પ્રજા તેમાં પેસે.

3 દઢ મનવાળાને તમે શાંત જ રાખશો; કેમ કે તેનો ભરોસો તમારા પર છે.

4 યહોવા પર સદા ભરોસો રાખો; કેમ કે યહોવા ઈશ્વર સનાતન ખડક છે.

5 કેમ કે તેમણે ઉચ્ચસ્થાનમાં રહેનારાઓને ને ગર્વિષ્ઠ નગરને નીચાં નમાવ્યાં છે; તે તેને પાડી નાખે છે, પાડી નાખીને તેને જમીનદોસ્ત કરે છે; તે તેને ધૂળભેગું કરે છે.

6 પગથી તે ખૂંદાશે; હા, દીનોના પગથી, અને કંગાલોના પગથી [તે ખૂંદાશે].

7 ન્યાયીનો માર્ગ સીધો છે; તમે ન્યાયીનો રસ્તો સરળ કરી બતાવો છે.

8 હે યહોવા, અમે તમારાં ન્યાયશાસનોને માર્ગે [ચાલીને] તમારી રાહ જોતા આવ્યા છીએ; અમારા જીવને તમારા નામની તથા તમારા સ્મરણની આતુરતા છે.

9 રાત્રે હું તમારે માટે આતુર બની રહ્યો છું; મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. પૃથ્વી પર તમારાં ન્યાયશાસનો હોય, ત્યારે જગતના રહેવાસીઓ ધાર્મિકપણું શીખે.

10 દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે, તો પણ તે ધાર્મિકપણું નહિ શીખે; પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરશે, ને યહોવાના મહાત્મ્યને જોશે નહિ.

11 હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે, તોપણ તેઓ જોતાં નથી; પરંતુ તેઓ [તમારા] લોકો વિષે તમારી આતુરતા જોઈને શરમાશે; તમારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે.

12 હે યહોવા, તમે અમને શાંતિ આપશે; કેમ કે અમારાં સર્વ કામ પણ તમે અમારે માટે કર્યાં છે.

13 હે યહોવા અમારા ઈશ્વર, તમારા સિવાય બીજા ધણીઓએ અમારા પર અધિકાર ચલાવ્યો; [પરંતુ] ફકત તમારી સહાયથી અમે તમારા નામનું સ્મરણ કરીશું.

14 મરેલા જીવશે નહિ; મૃત્યુ પામેલાઓ પાછા ઊઠશે નહિ; તે જ માટે તમે તેમનો ન્યાય કરીને તેમનો નાશ કર્યો છે, ને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે.

15 તમે દેશની પ્રજા વધારી છે, હે યહોવા, તમે પ્રજા વધારી છે; તમે તમારો મહિમા પ્રગટ કર્યો છે; દેશની સીમાઓ તમે વિસ્તારી છે.

16 હે યહોવા, સંકટસમયે તેઓ તમારી તરફ ફર્યા છે, તમારી શિક્ષા તેઓને લાગી ત્યારે તેઓએ [તમારી] પ્રાર્થના કરી છે.

17 જેમ ગર્ભવતી સ્ત્રી જ્યારે પ્રસવનો સમય પાસે આવે, ત્યારે કષ્ટાઈને વેદનામાં બૂમ પાડે છે; તે પ્રમાણે, હે યહોવા, અમે તમારી દષ્ટિ સમક્ષ હતા.

18 અમે ગર્ભ ધર્યો હતો, અમે કષ્ટાતા હતા, અમે જાણે વાયુને જન્મ આપ્યો છે; દેશનું તારણ અમારાથી થયું નથી; અને જગવાસીઓ પડયા નથી.

19 તમારાં મરેલાં જીવશે; તેમનાં શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ, ને હર્ષનાદ કરો; કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, ને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.


શિક્ષા અને ઉદ્ધાર

20 ચાલ, મારી પ્રજા, તારી પોતાની ઓરડીમાં પેસ, ને પોતે અંદર રહીને બારણાં બંધ કર; કોપ બંધ પડે ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહે.

21 કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને શાસન આપવા માટે, યહોવા પોતાના સ્થાનમાંથી બહાર નીકળી આવે છે; પૃથ્વી પોતે શોષી લીધેલું રક્ત પ્રગટ કરશે, ને ત્યાર પછી પોતામાંનાં મરેલાંને ઢાંકી દેશે નહિ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan