યશાયા 25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સ્તુતિગાન 1 હે યહોવા, તમે મારા ઈશ્વર છો; હું તમને મોટા માનીશ, હું તમારા નામની સ્તુતિ કરીશ; કેમ કે તમે અદભુત કાર્યો કર્યાં છે, તમે વિશ્વાસુપણે તથા સત્યતાથી પુરાતન સંકલ્પો પાર પાડયા છે. 2 કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; તમે મોરચાબંધ શહેરનું ખંડિયેર કર્યું છે. પરદેશીઓના રાજમહેલને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે; કોઈ કાળે તે ફરીથી બંધાશે નહિ. 3 તેથી સમર્થ લોકો તમારો મહિમા ગાશે, ભયંકર પ્રજાઓનું શહેર તારાથી બીશે. 4 જ્યારે ભયંકર લોકોનો ઝપાટો કોટ પરના તોફાન જેવો છે, ત્યારે તમે ગરીબોનો આશ્રય, સંકટસમયે દીનોનો આધાર, તોફાનની સામે ઓથો, ને તડકાની સામે છાયો છો. 5 સૂકી જગામાંના તેડકાની જેમ તમે પરદેશીઓનો ગર્વ નરમ પાડશો. જેમ વાદળાની છાયાથી તડકો [ઓછો લાગે છે] તેમ જુલમીઓનું ગાયન મંદ કરવામાં આવશે. ઈશ્વરે તૈયાર કરેલી મિજબાની 6 વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે. 7 અને જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો, તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે તેનો આ પર્વત પર તે નાશ કરશે. 8 પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે:કેમ કે યહોવાનું વચન એવું છે. 9 તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે; આ યહોવા છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું.” ઈશ્વરે મોઆબને શિક્ષા કરશે 10 કેમકે યહોવાનો હાથ આ પર્વત પર થોભશે, ને જેમ ઉકરડાના પાણીમાં ખડ ખૂંદાય છે, તેમ મોઆબ પોતાને સ્થળે ખૂંદાશે. 11 જેમ તરનાર તરવા માટે હાથ પસારે છે, તે પ્રમાણે તેમાં તે હાથ પસારશે; અને તેના હાથની ચાલાકી છતાં તે તેના ગર્વને ઉતારી નાખશે. 12 તે તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખશે, તેને નીચી પાડીને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India