યશાયા 23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)તૂર અંગે અગમવાણી 1 તૂર વિષે ઈશ્વરવાણી:હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તે પાયમાલ થયું છે, અને પ્રવેશ કરવાની ગોદી નથી; કિત્તીમ દેશથી આવતાં તેઓને એવી ખબર મળે છે. 2 હે બેટવાસીઓ, છાના રહો! સમુદ્ર પર પર્યટન કરનારા સિદોનના વેપારીઓએ તેમને સમૃદ્ધ કર્યા; [તમે છાના રહો]. 3 જળનિધિ પર શીહોરનું બીજ તથા નીલ નદીની પેદાશ તેની આવક હતી; અને તે વિદેશીઓનું બજાર હતો. 4 હે સિદોન, તું લજિજત થા, કેમ કે સમુદ્ર, એટલે સમુદ્રના કિલ્લાએ, આ પ્રમાણે કહ્યું છે, “હું પ્રસવવેદના પામી નથી, મેં જન્મ આપ્યો નથી, જુવાનોને ઉછેર્યા નથી, ને કન્યાઓને મોટી કરી નથી.” 5 મિસરમાં ખબર પહોંચશે ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને ખેદ પામશે. 6 [સમુદ્ર] ઓળંગીને તાર્શીશ જાઓ; હે બેટવાસીઓ, વિલાપ કરો. 7 જેની પ્રાચીનતા પુરાતન છે, ને જેના પગ પ્રવાસ કરવા મટે તેને દૂર લઈ જતા તે શું આ તમારી આનંદી નગરી છે? 8 [અન્યોને] મુગટ પહેરાવનાર તૂર, જેના વેપારીઓ સરદારો છે, જેના સોદાગરો પૃથ્વીના માનવંતા છે, તેની વિરુદ્ધ આ કોણે ઠરાવ્યું છે? 9 સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવા, ને પૃથ્વીના સર્વ માનવંતોને હલકા પાડવા માટે સૈન્યોના ઈશ્વર યહોવાએ એવું ઠરાવ્યું છે. 10 હે તાર્શીશની દીકરી, નાઈલ નદીની જેમ તારા દેશમાં ઊભરાઈ જા; હવે પછી તને પટો બાંધેલો નથી. 11 પ્રભુએ પોતાનો હાથ સમુદ્ર પર લાંબો કર્યો છે, તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; યહોવાએ કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો. 12 તેમણે કહ્યું, “જેના પર બલાત્કાર થયો છે એવી સિદોનની કુંવારી દીકરી, તું હવે પછી આનંદ કરીશ નહિ; ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; હા, ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ.” 13 જુઓ, ખાલદીઓનો દેશ; તે પ્રજા નહોતી; આશૂરે તેને અરણ્યવાસીઓને માટે વસાવ્યો; તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા, તેણે તે ને ઉજજડ કરી નાખ્યો. 14 હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારો કિલ્લો પાયમાલ થયો છે. 15 તે દિવસે એક રાજાની કારકિર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર વિસારે પડી જશે; તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને વેશ્યાના ગાયન પ્રમાને થશે. 16 હે વિસારે પડેલી વેશ્યા, વીણા લઈને નગરમાં ફરી વળ; કુશળતાથી વગાડ, પુષ્કળ ગા, જેથી તું યાદ આવે. 17 સિત્તેર વર્ષ પૂરાં થયા પછી યહોવા તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં દુનિયાનાં સર્વ રાજ્યોની સાથે વેશ્યાનો ધંધો ચલાવશે. 18 પણ તેની કમાઈ તથા તેનો પગાર યહોવાને અર્પણ થશે; તે ખજાનામાં ભરાશે નહિ, ને રાખી મુકાશે નહિ; કેમ કે તેની કમાઈ યહોવાની હજૂરમાં રહેનારાને માટે થશે કે, તેઓ ધરાઈને ખાય, ને ઉત્તમ વસ્ત્ર પહેરે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India