યશાયા 21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)બાબિલના પતન અંગે સંદર્શન 1 સમુદ્ર પાસેના અરણ્ય વિષે ઈશ્વરવાણી:“દક્ષિણમાં વાવંટોલિયાના સુસવાટાની જેમ [આપત્તિ] અરણ્યમાંથી, બિહામણા દેશમાંથી, આવે છે. 2 કઠણ સંદર્શન મારી આગળ દેખાય છે; ઠગ ઠગે છે, ને લૂંટારો લૂંટે છે. ‘હે એલામ, ચઢાઈ કર; હે માદાય, ઘેરો નાખ; મેં તેના સર્વ નિશ્વાસને બંધ કર્યો છે. 3 તેથી મારી કમર દુ:ખથી ભરપૂર છે. પ્રસૂતાની વેદના જેવી વેદના મારા પર આવી પડી છે; હું એવો વળી ગયો છું કે મારાથી સંભળાતું નથી; અને એવો ભયભીત થયો છું કે મારાથી જોવાતું નથી. 4 મારું હ્રદય વ્યાકુળ થયું છે, ભયથી હું ત્રાસ પામ્યો છું; સાંજનો આનંદનો વખત મારે માટે તો ધ્રુજારીનો વખત થયો છે. 5 તેઓ [ખાણાને માટે] મેજ તૈયાર કરે છે, પહેરેગીરોને મૂકે છે, ખાય છે, પીએ છે; ઊઠો, સરદારો, ઢાલને તેલ ચોપડો. 6 કેમ કે પ્રભુએ મને એમ કહ્યું છે, ચાલ, ચોકીદારને ઊભો રાખ; તે જે કંઈ જુએ તેની તે ખબર આપે. 7 જો તે સવારી, એટલે બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો, ગધેડાં ને ઊંટ પરના સવારો જુએ, તો ખૂબ ધ્યાન રાખી તે કાન દઈને સાંભળે.’ 8 પછી તેણે સિંહની જેમ પોકાર્યું, ‘હે ઈશ્વર, હું દિવસે નિરંતર પહેરાના બુરજ ઉપર ઊભો રહું છું, ને આખી રાત પણ મને મારી ચોકી પર ઊભો રાખવામાં આવે છે; 9 જુઓ, આ મનુષ્યોની સવારી, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો આવે છે.’ તેણે ઉત્તરમાં કહ્યું, ‘બાબિલ પડયું છે, પડયું છે; તેના દેવોની સર્વ કોરેલી મૂર્તિઓને તેણે ભાંગી નાખીને જમીનદોસ્ત કરી છે.’ 10 હે મારા ઝુડાયેલા [લોકો] , મારી ખળીના દાણા, સૈન્યોના [ઈશ્વર] યહોવા જે ઈઝરાયલના ઈશ્વર છે તેમની પાસેથી જે સાંભળ્યું, તે મેં તેમને જણાવ્યું છે.” અદોમ અંગે અગમવાણી 11 દૂમા વિષે ઈશ્વરવાણી:સેઈરમાં કોઈ મારા તરફ પોકારે છે, “રે ચોકીદાર, રાત કેટલી ગઈ? રે ચોકીદાર, રાત કેટલી ગઈ?” 12 ચોકીદારે કહ્યું, “સવાર થાય છે, ને રાત પણ આવે છે; જો તમારે પૂછવું હોય તો પૂછો; ફરીને આવો.” અરબસ્તાન અંગે અગમવાણી 13 અરબસ્તાન વિષે ઈશ્વરવાણી હે દાનીઓના સંઘ, અરબસ્તાનમાંના જંગલમાં તમે ઊતરશો. 14 તેમા દેશના રહેવાસીઓ, તરસ્યાની પાસે પાણી લાવો. રોટલી લઈને નાસી જનારાઓની સામે આવો. 15 કારણ કે તરવારોથી, નગ્ન તરવારોથી, તાણેલા ધનુષ્યથી, ને યુદ્ધની પીડાથી તેઓ નાસે છે. 16 કેમ કે પ્રભુએ મને એમ કહ્યું છે, “મજૂરના વર્ષ પ્રમાણે એક વર્ષની અંદર, કેદારનું સર્વ ગૌરવ જતું રહેશે; 17 અને ધનુર્ધારરીઓની સંખ્યાનો શેષ, -કેદારીઓના શૂરવીરો, થોડા થશે; કેમ કે, હું ઇઝરાયલનો ઈશ્વર યહોવા બોલ્યો છું.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India