યશાયા 18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈશ્વર કૂશદેશનો વિલાપ કરશે 1 અરે, કૂશની નદીઓની પેલી પારના, પાંખોના ફફડાટવાલા દેશ! 2 જે સમુદ્રવાટે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં એલચીઓને મોકલે છે: વેગવાન સંદેશવાહકો, તમે કદાવર તથા સુંવાળી પ્રજા પાસે, નજીકની તથા દૂરની પ્રજાઓને ડરાવનાર પ્રજા પાસે, જેનો દેશ નદીઓથી વિભક્ત થએલો છે, તે સમર્થ અને કચરી નાખનાર પ્રજા પાસે જાઓ. 3 હે જગતના સર્વ રહેવાસીઓ, ને પૃથ્વી પર રહેનારાઓ, પર્વત પર ધ્વજા ઊંચી કરાય, ત્યારે જોજો; અને રણશિંગડું વાગે, ત્યારે સાંભળજો. 4 કેમ કે યહોવાએ મને એમ કહ્યું છે, “હું સ્વસ્થ રહીશ, અને મારા નિવાસસ્થાનમાંથી જોતો રહીશ. તડકાના તેજસ્વી તથા જેવો, કાપણીની મોસમના ઉષ્ણકાળમાં ઘૂમરના વાદળા જેવો રહીશ.” 5 કાપણી પહેલાં જ્યારે ફૂલ બંધાઈને તેની કાચી દ્રાક્ષા થાય છે, ત્યારે તે ધારિયાથી ડાંખળીઓને કાપી નાખશે, ને ડાળીઓને કાપીને લઈ જશે. 6 પર્વતોનાં જંગલી પક્ષીઓને માટે ને પૃથ્વીનાં પશુઓને માટે તેઓ તમામ મૂકી દેવામાં આવશે; અને જંગલી પક્ષી તે ઉપર ઉનાળો કાઢશે, ને પૃથ્વીનાં સર્વ પશુઓ તે ઉપર શિયાળો કાઢશે. 7 તે સમયે સૈન્યોના [ઈશ્વર] યહોવાને માટે કદાવર તથા સુંવાળી પ્રજાથી, નજીકની તથા દૂરની પ્રજાઓને ડરાવનાર, જેનો દેશ નદીઓથી વિભક્ત થએલો છે, તે સમર્થ ને કચરી નાખનાર પ્રજા સિયોન પર્વત, જે સૈન્યોના [ઈશ્વર] યહોવાના નામનું સ્થાનક છે, તેને માટે ભેટ લાવશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India