યશાયા 17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈશ્વર અરામ અને ઇઝરાયલનો વિનાશ કરશે 1 દમસ્કસ વિષે ઈશ્વરવાણી; “જુઓ, દમસ્કસ નગર નહિ કહેવાય એવું થઈ જશે, તે ખંડિયેરનો ઢગલો થશે. 2 અરોએરનાં નગર તજાએલાં છે; તેઓ [ઘેટાંનાં] ટોળાંને માટે થશે, ત્યાં તેઓ બેસશે, અને કોઈ તેમને બિવડાવશે નહિ. 3 એફ્રાઈમમાંથી કિલ્લો ને દમસ્કસમાંથી રાજ્ય જતાં રહેશે; અને અરામના શેષ [ની ગતિ] ઇઝરાયલીઓના ગૌરવ જેવી થશે, સૈન્યોના [ઈશ્વર] યહોવાનું વચન એવું છે. 4 તે દિવસે યાકૂબની જાહોજલાલી કમી થશે; અને તેના શરીરની પુષ્ટતા ઘટી જશે. 5 કાપણી કરનાર ઊગેલા સાંઠાને એકત્ર કરી હાથથી કણસલાં ભાંગે છે, તે પ્રમાણે થશે; રફાઈમના નીચાણ [ના પ્રદેશ] માં કોઈ કણસલાં વીણી લે છે તે પ્રમાણે થશે. 6 પણ ઝુડાયેલા જૈતવૃક્ષ પ્રમાણે તેમાં કંઈ કંઈ વીણવાનું બાકી રહેશે; ટોચની ડાળીને છેડે બેત્રણ ફળ, ફળઝાડની ડાળીઓ પર ચારપાંચ ફળ [રહી જશે] ; ઇઝરાયલના ઈશ્વર યહોવાનું વચન એવું છે. 7 તે દિવસે માણસ પોતાના કર્તાની તરફ નજર કરશે, ને તેની આંખ ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની તરફ જોશે. 8 પોતાના હાથથી બનાવેલી વેદીઓ તરફ તે જોશે નહિ, પોતાની આંગળીઓએ જે બવાવ્યું તેને, એટલે અશેરીમ મૂર્તિઓને તથા સૂર્યમૂર્તિઓને તે નિહાળશે નહિ. 9 તે દિવસે તેનાં મોરચાબંધ નગરો વનમાંની તથા પર્વતના શિખર પરની જે જગાઓ તેઓએ ઇઝરાયલીઓની બીકથી તજી દીધી હતી તેઓના જેવાં થશે; તે ઉજજડ થઈ જશે. 10 કેમ કે તું પોતાના તારણના ઈશ્વરને વીસરી ગયો છે, ને પોતાના ગઢના ખડકનું સ્મરણ નથી કર્યું; તે માટે તું આડોનીશ [દેવ] ના રોપ રોપે છે, ને તેમાં વિદેશી કલમ મેળવે છે. 11 તું રોપે છે તે જ દિવસે તું તેની વાડ કરે છે, ને સવારમાં તારાં બીજ ખીલી નીકળે એવું કરે છે; પણ શોક તથા અતિશય દુ:ખને દિવસે તેના પાકનો લોપ થઈ જશે. દુશ્મન પ્રજાઓનું પતન 12 અરે, ઘણાં લોકોનો સમુદાય! સમુદ્રની ગર્જનાની જેમ તેઓ ગર્જે છે; વળી લોકોનો ઘોંઘાટ! તેઓ દરિયાનાં મોજાંના ઘોંઘાટની માફક ઘુઘવાટો કરે છે. 13 લોકો દરિયાનાં મોજાંના ઘોંઘાટની જેમ ઘુઘવાટો કરશે. તે તેઓને ધમકાવશે, ને તેઓ દૂર નાસી જશે. વાયુની સામે પર્વત પર ફોતરાંની જેમ, ને વંટોળિયાની આગળ ઊડતી ધૂળની જેમ તેઓને નસાડવામાં આવશે. 14 સંધ્યાસમયે, જુઓ ભય; અને સવાર તથાં પહેલાં તેઓ નષ્ટ થશે. અમારા લૂંટનારાની, ને અમારી સંપત્તિનું હરણ કરનારાની દશા આ છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India