Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વર બાબિલને શિક્ષા કરશે

1 આમોસના પુત્ર યશાયાને સંદર્શનમાં પ્રાપ્ત થઈ તે બાબિલ વિશેની ઈશ્વરવાણી.

2 ખુલ્લા પર્વત પર ધ્વજા ઊંચી કરો, તેઓને મોટે અવાજે હાંક મારો, હાથના ઈશારા કરો કે તેઓ અમીરોની ભાગળોમાં પેસે.

3 મેં મારા પવિત્ર કરાયેલાઓને આજ્ઞા આપી છે, મેં મારા શૂરવીરોને પણ, એટલે મારા બડાઈ મારનારા ગર્વિષ્ઠોને, મારા રોષને લીધે બોલાવ્યા છે.

4 સાંભળો, ઘણા લોકોની ઠઠ હોય એવો પર્વતોમાં થતો હોકારો! સાંભળો, એકત્ર થએલા વિદેશીઓનાં રાજ્યોના હુલ્લડનો ઘોંઘાટ! સૈન્યોના [ઈશ્વર] યહોવા લડાઈને માટે વ્યૂહ રચે છે

5 તેઓ દૂર દેશથી, દિગંતથી આવે છે. યહોવા તથા તેમના કોપનાં શસ્ત્રો આખા દેશનો વિનાશ કરવા આવે છે.

6 વિલાપ કરો; કેમ કે યહોવાનો દિવસ પાસે છે; તે સર્વસમર્થ પાસેથી સંહારરૂપે આવશે.

7 તેથી સર્વના હાથ ઢીલા પડશે, ને સર્વ માણસનાં હ્રદય પીગળી જશે.

8 તેઓ ગભરાશે, તેઓ પર દુ:ખ તથા સંકટ આવી પડશે, પ્રસૂતાની જેમ તેઓ કષ્ટાશે, તેઓ ભયભીત થઈને એકબીજા સામે ટગરટગર જોયા કરશે; તેઓનાં મુખ જવાળાનાં મુખ જેવાં થશે.

9 જુઓ, યહોવાનો દિવસ આવે છે! તે દુ:ખદાયક, કોપ તથા ઉગ્ર ક્રોધ સહિત દેશને ઉજજડ કરવા ને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા માટે આવે છે.

10 આકાશના તારાઓ તથા નક્ષત્રો પ્રકાશ આપશે નહિ; સૂર્ય ઊગતાં જ અંધરાશે, ને ચંદ્રનો પ્રકાશ પડશે નહિ.

11 હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે જોઈ લઈશ; હું ગર્વિષ્ઠોનું અભિમાન તોડીશ, ને જુલમીઓનો ગર્વ ઊતારીશ.

12 ચોખ્ખા સોના કરતાં આદમીની, ને ઓફીરના સોના કરતાં માણસની હું અછત કરીશ.

13 તે માટે હું આકાશોને હલાવીશ, ને પૃથ્વી ડગમગીને સ્થાનભ્રષ્ટ થશે, સૈન્યોના ઈશ્વર યહોવાના કોપથી ને તેમના બળતા રોષને દિવસે [એમ થશે].

14 નસાડેલા હરણની જે, ને જેમને કોઈ ભેગા કરનાર નથી એવાં ઘેટાંની જેમ, તેઓ પોતપોતાના લોકોની તરફ વળશે, ને પોતપોતાના દેશમાં નાસી જશે.

15 મળી આવેલા સર્વને વીંધી નાખવામાં આવશે; અને સર્વ પકડાયેલા તરવારથી પડશે.

16 તેમની દષ્ટિ આગળ તેમનાં બાળકોને પછાડીને ટુકડેટુકડા કરવામાં આવશે; તેમનાં ઘરો લૂંટાશે, અને તેમની પત્નીઓની આબરૂ લેવાશે.

17 જુઓ, હું માદીઓને તેમની સામે ઉશ્કેરીશ, તેઓ રૂપાને ગણકારશે નહિ, ને સોનાથી રીઝશે નહિ.

18 ધનુષ્યો જુવાનોના ટુકડેટુકડા કરી નાખશે; અને ગર્ભસ્થાનના ફળ પર તેઓ દયા રાખશે નહિ. તેમની દષ્ટિમાં બાળકો કૃપાપાત્ર થશે નહિ.

19 બાબિલ જે રાજ્યોમાં શિરોમણિ, ખાલદીઓનું ઉત્તમ સૌંદર્ય, તે સદોમ તથા ગમોરા જેઓને ઈશ્વરે પાયમાલ કરી નાખ્યાં તેઓના જેવું થશે.

20 તેમાં ફરી કદી વસતિ થશે નહિ, તેમાં તેઢી દરપેઢી કોઈ વસશે નહિ. અને ત્યાં અરબ [લોકો] પોતાના તંબુ તાણશે નહિ; અને ભરવાડો પોતાનાં ટોળાંને ત્યાં બેસાડશે નહિ.

21 પણ ત્યાં જંગલી જનાવર બેસશે. તેઓનાં ઘર ઘુવડોથી ભરપૂર થશે. ત્યાં શાહમૃગ રહેશે, ત્યાં રાની બકરાં કૂદશે.

22 વરુઓ તેઓની હવેલીઓમાં, અને શિયાળો તેઓના સુખદાયક મહેલોમાં ભૂંકશે; તનો વખત પાસે આવે છે, ને હવે તે ઘણા દિવસ ટકશે નહિ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan