હોશિયા 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)મૂર્તિપૂજા માટે ઇઝરાયલને ચેતવણી 1 રણશિંગડું તારા મુખમાં મૂક, યહોવાના લોકોની સામે ગરૂડની જેમ તે આવે છે; કેમ કે તેઓએ મારો કરાર તોડ્યો છે, ને મારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. 2 તેઓ મને હાંક મારીને કહેશે, ‘હે ઇઝરાયલના ઈશ્વર, અમે તમને ઓળખીએ છીએ.’ 3 પણ જે સારું છે તેનો ઇઝરાયલે ત્યાગ કર્યો છે; શત્રુ તેની પાછળ પડશે. 4 તેઓએ રાજાઓ સ્થાપ્યા છે, પણ મારી સંમતિથી નહિ, તેઓએ અમલદારો ઠરાવ્યા છે, પણ હું તે જાણતો નહોતો. [પોતાનો] નાશ કરવાને માટે તેઓએ પોતાના સોનારૂપાની મૂર્તિઓ બનાવી છે. 5 હે સમરુન, તેણે તારા વાછરડાને ફેંકી દીધો છે; મારો કોપ તેમની વિરુદ્ધ સળગી ઊઠ્યો છે. નિર્દોષ થતાં તેઓને કેટલો વખત લાગશે? 6 કેમ કે એ પણ ઇઝરાયલથી [થયું] છે; કારીગરે તે બનાવ્યું, તે ઈશ્વર નથી; હા, સમરુનના વાછરડાના ટુકડેટુકડા કરવામાં આવશે. 7 કેમ કે તેઓ પવન વાવે છે, ને તેઓ વંટોળિયો લણશે! તેને ઊભું કરશણ નથી; તેના કણસલામાંથી કંઈ અનાજ નીકળશે નહિ. જો કદાચ તેમાંથી નીકળે, તો પારકાઓ તેને ગળી જશે. 8 ઇઝરાયલ ગરક થઈ ગયો છે. હાલમાં તેઓ વિદેશીઓમાં અળખામણા વાસણ જેવા છે. 9 કેમ કે સ્વચ્છંદે ભટકતા જંગલી ગધેડાની જેમ તેઓ આશૂરની પાસે ગયા છે. એફ્રાઈમે પૈસા ઠરાવીને પ્રીતમો રાખ્યા છે. 10 હા, જો કે તેઓ વિદેશીઓમાં પૈસા ઠરાવીને તેમને રાખે છે, તોપણ હવે હું તેમને ઠેકાણે લાવીશ, જેથી તેઓ થોડી વાર સુધી રાજાને તથા અમલદારોને અભિષેક કરવાનું બંધ રાખે. 11 એફ્રાઈમે વેદીઓ વધારીને પાપ વધાર્યા છે, કેમ કે તેને પાપ કરવાને માટે વેદીઓ છે. 12 જો કે હું તેને માટે મારા નિયમશાસ્ત્રમાં હજારો વિધિઓ ઠરાવું, તોપણ તેઓ તેને મન પારકા જેવા દેખાય છે. 13 મને બલિદાન આપતી વખતે તેઓ માંસનું બલિદાન આપે છે ને તેને ખાય છે. પણ યહોવા તેમને સ્વીકારતા નથી; હવે તે તેઓની દુષ્ટતાનું સ્મરણ કરીને તેમનાં પાપની શિક્ષા કરશે. તેઓને ફરીથી મિસરમાં જવું પડશે. 14 કેમ કે ઇઝરાયલ લોકો પોતાના ઉત્પન્નકર્તાને ભૂલી ગયા છે, ને તેઓએ મહેલો બાંધ્યા છે; યહૂદિયાએ કોટબંધ નગરો વધાર્યાં છે; પણ હું તેનાં નગરો પર અગ્નિ મોકલીશ, ને તે તેઓના કિલ્લા ભસ્મ કરશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India