Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હોશિયા 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઇઝરાયલ સામે પ્રભુનું દોષારોપણ

1 હે ઇઝરાયલના લોકો, યહોવાનું વચન સાંભળો:કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા વાદવિવાદ [કરવાના] છે, કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી.

2 સોગન ખાવા, વિશ્વાસઘાત કરવો, ખૂન કરવું, ચોરી કરવી, ને વ્યભિચાર કરવો, તે સિવાય બીજું કંઈ જ નથી. તેઓ ખાતર પાડે છે, ને રક્તપાત પાછળ રક્તપાત થાય છે.

3 તે માટે દેશ વિલાપ કરશે, ને તેમાંનો દરેક રહેવાસી વનચર જાનવરો તથા ખેચર પક્ષીઓ સહિત નિર્બળ થઈ જશે; હા, સમુદ્રનાં માછલાં પણ લઈ લેવાશે.


યાજકોનો ભ્રષ્ટાચાર

4 તોપણ કોઈ માણસે તકરાર કરવી નહિ, તેમ કોઈ માણસે ઠપકો પણ આપવો નહિ; કેમ કે તારા લોકો યાજક સાથે રકઝક કરનારાઓના જેવા છે.

5 તું દિવસે ઠોકર ખાઈને પડશે, ને પ્રબોધક પણ તારી સાથે રાત્રે ઠોકર ખાઈને પડશે; અને હું તારી માનો નાશ કરીશ.

6 મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે; તેં જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ; તું તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે, તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.

7 જેમ જેમ તેઓની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપ કરતા ગયા; હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ.

8 તેઓ મારા લોકના પાપ પર પોતાનો નિર્વાહ કરે, ને અન્યાય કરવામાં પોતાનું ચિત્ત પરોવે છે.

9 યથા લોક તથા યાજક, એમ થવાનું છે. હું તેઓને તેઓનાં દુરાચરણને માટે શિક્ષા કરીશ, ને તેઓને તેઓની કરણીનું ફળ આપીશ.

10 તેઓ ખાશે, પણ ધરાશે નહિ; તેઓ વ્યભિચાર કરશે, પણ તેમનો વિસ્તાર વધશે નહિ; કેમ કે તેઓએ યહોવાની દરકાર કરવાનું મૂકી દીધું છે.


લોકોની મૂર્તિપૂજારૂપી ભ્રષ્ટાચાર

11 વ્યભિચાર, દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ બુદ્ધિનું હરણ કરે છે.

12 મારા લોકો પોતાના વૃક્ષના ઠંઠાની સલાહ પૂછે છે, ને તેમના જોષી ની લાકડી તેમને પ્રત્યુત્તર આપે છે!કેમ કે વ્યભિચારી હ્રદયે તેમને ગેરમાર્ગે દોર્યા છે, ને પોતાના ઈશ્વરને તજીને તેઓ બગડી ગયા છે.

13 તેઓ પર્વતોનાં શિખરો પર યજ્ઞો કરે છે, ને ડુંગરો પર ધૂળ બાળે છે, એટલે તેઓની ઘટછાયાને લીધે તેઓ ઓકવૃક્ષો, પીપlળાવૃક્ષો તથા એલોનવૃક્ષો નીચે, ધૂપ બાળે છે. એને લીધે તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, ને તમારી પુત્રવધૂઓ જારકર્મ કરે છે.

14 તમારી દીકરીઓ વ્યભિચાર કરશે, ને તમારી પુત્રવધુઓ જારકર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ; કેમ કે [પુરુષો] પોતે છિનાળોને લઈને એકાંતમાં જતા રહે છે, ને દેવદાસીઓની સંઘાતે યજ્ઞો કરે છે; અને અજ્ઞાન લોકો પાયમાલ થશે.

15 હે ઇઝરાયલ, જો કે તું છિનાળની જેમ વર્તે, તોપણ યહૂદિયાએ દોષિત ન થવું. તમારે ગિલ્ગાલ આવવું નહિ, ને તમારે બેથ-આવેન પર ચઢવું નહિ, તેમ જીવતા યહોવાના સમ પણ ખાવા નહિ.

16 કેમ કે ઇઝરાયલે હઠીલી વાછરડીની જેમ હઠીલાઈ કરી છે; હવે યહોવા તેઓને વિશાળ બીડમાં હલવાનની માફક ચારશે?

17 એફ્રાઈમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે; તેને રહેવા દો.

18 તેઓ મદ્યપાન કરી રહ્યા પછી લાગલગાટ વ્યભિચાર કરે છે; તેના અધિકારીઓ ઇશકબાજીમાં લુબ્ધ થઈ ગયા છે.

19 વાયુએ તેને પોતાની પાંખમાં વીંટી દીધી છે; તેઓ પોતાના યજ્ઞોને લીધે લજ્જિત થશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan