હોશિયા 14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)લોકોને હોશિયાની વિનંતી 1 હે ઇઝરાયલ, તારા ઈશ્વર યહોવાની પાસે પાછો આવ, કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે. 2 તમારી સાથે શબ્દો લઈને યહોવાની પાસે પાછા આવો. તેમને વિનંતી કરો કે, ‘“સર્વ પાપ નિવારણ કરો, અને જે સારું છે તેનો અંગીકાર કરો.’ એમ અમે ગોધાની જેમ અમારા હોઠોનું અર્પણ ચઢાવીશું. 3 આશૂર અમારો ઉદ્ધાર કરશે નહિ. એમે ઘોડાઓ પર સવારી કરીશું નહિ; અને હવે પછી કદી અમે અમારા હાથોની કૃતિને અમારા દેવો કહીશું નહિ; અનાથો પર તમારી રહેમનજર રહે છે.” પ્રભુએ આપેલું નવજીવન વરદાન 4 “તેઓના પાછા હઠવાથી [તેઓ પર જે અપત્તિ આવી છે તેથી] હું તેમને મુક્ત કરીશ, હું ઉદારપણાથી તેમના પર પ્રેમ રાખીશ, કેમ કે મારો ક્રોધ તેમના પરથી ઊતર્યો છે. 5 હું ઇઝરાયલના હકમાં ઝાકળરૂપ થઈશ; તે કમળની જેમ ખીલશે, ને લબાનોનની જેમ પોતાનાં મૂળ ઊંડાં નાખશે. 6 તેની ડાળીઓ ફેલાઈ જશે, તેની શોભા જૈતવૃક્ષના જેવી, ને તેની વાસ લબાનોનના જેવી થશે. 7 તેની છાયા નીચે રહેનારા પાછા આવશે. તેઓ ધાન્યની જેમ સજીવન થશે, ને દ્રાક્ષાવેલાની જેમ ખીલશે; તેઓની વાસ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે. 8 એફ્રાઈમ [કહેશે] , ‘હવે પછી મારે મૂર્તિઓની સાથે શું લાગેવળગે?’ હું તેના પર નજર રાખીશ એવો મેં ઉત્તર આપ્યો છે; હું લીલા દેવદાર જેવો છું. મારી પાસેથી તને ફળ મળે છે.” ઉપસંહાર 9 કોણ જ્ઞાની હશે કે, તે આ વાતો સમજે? કોણ અક્કલવાન હશે કે, તેને એ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાના માર્ગો ન્યાયી છે, ને નેક માણસો તે માર્ગે ચાલશે; પણ પાપી માણસો તેમાં ઠોકર ખાશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India