હોશિયા 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઇઝરાયલ સામેનો આખરી ચુકાદો 1 એફ્રાઈમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી! તે ઇઝરાયલમાં સન્માન પામતો; પણ બાલની બાબતમાં તેણે અપરાધ કર્યો ત્યારે તે માર્યો ગયો. 2 હવે તેઓ અધિકાધિક પાપ કર્યે જાય છે, તેઓએ પોતાને માટે પોતાના રૂપાનાં ઢાળેલાં પૂતળાં, એટલે પોતાની અક્કલ પ્રમાણે મૂર્તિઓ બનાવી છે, એ બધું કારીગરના હાથનું કામ છે. તેઓ તેમના વિષે કહે છે, ‘બલિદાન આપનારા માણસો, તમે વાછરડાઓને ચુંબન કરો.’ 3 એથી તેઓ સવારના વાદળા જેવા, તથા જલદી ઊડી જનાર ઝાકળ જેવા, વંટોળિયાથી ખળીમાંના ઘસડાઈ જતા ભૂસા જેવા, તથા ધુમાડિયામાંથી નીકળતા ધુમાડા જેવા થશે. 4 “તોપણ મિસર દેશમાં [તું હતો ત્યાર] થી હું તારો ઈશ્વર યહોવા છું; અને મારા વિના બીજો કોઈ ઈશ્વર, તું જાણતો નથી, ને મારા વગર બીજો કોઈ ત્રાતા નથી. 5 અરણ્યમાં, એટલે મહાન સુકવણાના દેશમાં, મેં તને ઓળખ્યો. 6 તેઓને ચારો મળ્યો ત્યારે તેઓ પુષ્ટ થયા; તેઓ તૃપ્ત થયા, એટલે તેઓનું હ્રદય ગર્વિષ્ઠ થયું; એથી તેઓ મને ભૂલી ગયા છે. 7 તેને લીધે હું તેઓ પ્રત્યે સિંહ જેવો છું. દીપડાની જેમ હું માર્ગની બાજુએ તેમના ઉપર તાકી રહીશ. 8 જેના બચ્ચાં છીનવી લેવામાં આવ્યાં હોય એવી રીંછડીની જેમ હું તેમને મળીશ, ને તેમની છાતી ચીરી નાખીશ. અને ત્યાં સિંહની જેમ હું તેઓનો ભક્ષ કરીશ. જંગલી જાનવર તેઓને ફાડી ખાશે. 9 હે ઇઝરાયલ, હું તારું આશ્રયસ્થાન છું, મારી સામા થવાથી તું પોતાનો નાશ [કરે] છે. 10 હમણાં તારા સર્વ નગરોમાં તારું રક્ષણ કરનાર તારો રાજા ક્યાં છે? તું કહેતો હતો, ‘મને રાજા તથા અમલદારો આપ, ’ તો તારા ન્યાયાધીશો [ક્યાં છે] ? 11 ક્રોધમાં મેં તને રાજા આપ્યો હતો, ને રોષમાં મેં તેને લઈ લીધો છે. 12 એફ્રાઈમના અન્યાયની ગાંસડી બાંધી મૂકી છે. તેનું પાપ ભંડારમાં ભરી રાખ્યું છે. 13 પ્રસૂતિથી કષ્ટાતી સ્ત્રીના જેવું દુ:ખ તેના પર આવશે. તે મૂર્ખ દીકરો છે; કેમ કે છોકરાને અવતરવાની જગાએ થોભવું ન જોઈએ એવો વખત આવ્યો છે. 14 હું મૂલ્ય આપીને તેઓને શેઓલના હાથમાંથી છોડાવી લઈશ; હું તેઓને મોતના પંજામાંથી છોડાવીશ. અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? પશ્ચાત્તાપ મારી આંખોથી ગુપ્ત રહેશે. 15 જો કે તે પોતાના ભાઈઓમાં ફળદ્રુપ હશે, તોપણ પૂર્વનો વાયુ આવશે, એટલે યહોવાનો વાયુ અરણ્ય તરફથી આવશે, તેથી તેના ઝરા સુકાઈ જશે,, ને તે જળાશય નિર્જળ થઈ જશે. તે સર્વ કિંમતી પાત્રોનો ભંડાર લૂંટશે. 16 સમરુનને પોતાના દોષનું ફળ વેઠવું પડશે; કેમ કે તેણે પોતાના ઈશ્વરની વિરુદ્ધ બંડ કર્યું છે; તેઓ તરવારથી માર્યા જશે; તેઓનાં બાળકોને પછાડીને ટુકડેટુકડા કરવામાં આવશે, ને તેમની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખવામાં આવશે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India