હોશિયા 12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એફ્રાઈમ વાયુ ઉપર નિર્વાહ કરે છે, ને પૂર્વના વાયુ પાછળ ફાંફાં મારે છે. તે જૂઠ તથા વિનાશની નિત્ય વૃદ્ધિ કરે છે. તેઓ આશૂરની સાથે કોલકરાર કરે છે, ને મિસરમાં તેલ લઈ જવામાં આવે છે. 2 યહૂદાની સાથે યહોવાને વાદ કરવાનો છે તે યાકૂબને તેનાં આચરણો પ્રમાણે શિક્ષા કરશે; તેનાં કૃત્યો પ્રમાણે તે તેને બદલો આપશે. 3 ગર્ભસ્થાનમાં તેણે પોતાના ભાઈની એડી પકડી, અને પુક્ત ઉમરે તેણે ઈશ્વરની સાથે બાથ ભીડી. 4 હા, તેણે દૂતની સાથે બાથ ભીડી, ને જય પામ્યો; તેણે રડીને તેમની યાચના કરી, તે તેમને બેથેલમાં મળ્યા, ત્યાં તે આપણી સાથે બોલ્યા. 5 હા, યહોવા, જે સૈન્યોના ઈશ્વર છે તે [આપણી સાથે બોલ્યા] ; યહોવા, એ તેમનું સ્મારક નામ છે. 6 તે માટે તું તારા ઈશ્વરની પાસે પાછો આવ, કૃપાળુ થા, ને ન્યાય માર્ગે ચાલ, ને નિરંતર તારા ઈશ્વરની સેવામાં રહે. વધુ ન્યાયદંડની જાહેરાત 7 કનાન [ઠગ છે] , તેના હાથમાં ખોટાં ત્રાજવાં છે; તેને છળકપટ ગમે છે. 8 એફ્રાઈમે કહ્યું, ‘ખરેખર, હું શ્રીમંત થયો છું, મને દ્રવ્ય પ્રાપ્ત થયું છે. મારી બધી કમાણીમાં પાપ થાય એવું કંઈ પણ ખોટું કામ તેઓને જડશે નહિ.’ 9 પણ મિસર દેશમાં [તું હતો ત્યાર] થી હું યહોવા તારો ઈશ્વર છું.જેમ ઠરાવેલા પર્વના દિવસોમાં [તું વસતો હતો] તેમ હજી પણ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ. 10 વળી મેં પ્રબોધકોને વાત કરી છે, ને સંદર્શનો વધાર્યા છે; અને પ્રબોધકોની હસ્તક ર્દ્દષ્ટાંતોનો ઉપયોગ કર્યો છે. 11 શું ગિલ્યાદ અન્યાયી છે? તેઓ તદ્દન વ્યર્થતારૂપ છે. ગિલ્ગાલમાં તેઓ ગોધાઓનું બલિદાન આપે છે; હા, તેમની વેદીઓ ખેતરના ચાસમાંના પથ્થરના ઢગલા જેવી થશે.” 12 યાકૂબ અરામની સીમમાં નાસી ગયો. ઇઝરાયલે પત્ની [મેળવવા] માટે ચાકરી કરી. પત્ની [મેળવવા] માટે તેણે ઘેટાં ચાર્યાં. 13 એક પ્રબોધકની હસ્તક યહોવા ઇઝરાયલને મિસરમાંથી બહાર લાવ્યા, ને પ્રબોધક દ્વારા તેનું રક્ષણ થયું. 14 એફ્રાઈમે ભારે ક્રોધ ચઢાવ્યો છે; તે માટે તેણે જે રક્તપાત કર્યો તેનો દોષ તેને જ શિર રહેશે, ને તેણે કરેલું અપમાન તેનો પ્રભુ તેના ઉપર પાછું લાવશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India