હોશિયા 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા, તેઓની કારકિર્દીમાં, તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામની કારકિર્દીમાં, યહોવાનું જે વચન બએરીના દીકરા હોશિયાની પાસે આવ્યું તે. હોશિયાનું લગ્નજીવન અને તેનો અર્થ 2 યહોવા પહેલવહેલાં હોશિયાની સાથે બોલ્યા, ત્યારે યહોવાએ હોશિયાને કહ્યું, “જઈને એજ વેશ્યા સાથે લગ્ન કર, ને વેશ્યાના છોકરાંને પોતાનાં કરી લે; કેમ કે દેશ યહોવાનો ત્યાગ કરીને પુષ્કળ વ્યભિચાર કરે છે.” 3 તેથી તે જઈને દિબ્લાઈમની દીકરી ગોમેર સાથે પરણ્યો; તેને ગર્ભ રહ્યો, ને તેને તેનાથી પુત્ર થયો. 4 યહોવાએ હોશિયાને કહ્યું, “તેનું નામ યિઝ્એલ રાખ; કેમ કે થોડી મુદત પછી હું યિઝ્એલના ખૂનનો બદલો યેહના કુટુંબના માણસોની પાસેથી લઈશ, ને ઇઝરાયલના રાજ્યનો અંત લાવીશ. 5 તે દિવસે હું ઇઝરાયલનું ધનુષ્ય યિઝ્એલની ખીણમાં ભાંગી નાખીશ.” 6 તેને ફરીથી ગર્ભ રહ્યો, ને પુત્રીનો પ્રસવ થયો, ત્યારે [યહોવાએ] તેને કહ્યું, “તેનું નામ લો-રૂહામા પાડ; કેમ કે હું હવે પછી કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ, ને તેમને કદી માફ કરીશ નહિ. 7 પણ હું યહૂદિયાના લોકો પર કૃપા કરીશ, ને તેમનો ઈશ્વર યહોવા થઈને તેમનો ઉદ્ધાર કરીશ, અને ધનુષ્યથી, તરવારથી, યુદ્ધથી, ઘોડાઓથી કે સવારોથી તેમનો ઉદ્ધાર કરીશ નહિ.” 8 હવે તેણે લો-રૂહામાને ધાવણ છોડાવ્યા પછી તેને ગર્ભ રહ્યો, ને પુત્ર પ્રસવ્યો. 9 ત્યારે [યહોવાએ] કહ્યું, “તેનું નામ લો-આમ્મી પાડ; કેમ કે તમે મારા લોક નથી, ને હું તમારો [ઈશ્વર] થઈશ નહિ. ઇઝરાયલનો ઉદ્ધાર થશે 10 તોપણ ઇઝરાયલૌ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે કે, જેનું માપ કે ગણતરી થઈ શકે નહિ; તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, તમે મારા લોક નથી, તેને બદલે તેમને એમ કહેવામાં આવશે કે, [તમે] જીવતા ઈશ્વરના દીકરાઓ [છો]. 11 તે વખતે યહૂદિયાપુત્રોને ને ઇઝરાયલપુત્રોને એકત્ર થશે, ને તેઓ પોતાને માટે એક આગેવાન નીમીને દેશમાંથી ચાલી નીકળશે; કેમ કે યિઝ્એલનો દિવસ મોટો થશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India