Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હિબ્રૂઓ 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


આપણા પ્રમુખયાજક-ઈસુ ખ્રિસ્ત

1 હવે જે વાત અમે કહીએ છીએ, તેનો સાર એ છે કે આપણને એવા પ્રમુખયાજક મળ્યા છે કે, જે આકાશમાં મહત્‍ત્વના રાજયાસનની જમણી તરફ બેઠેલા છે,

2 અને પવિત્રસ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહિ પણ પ્રભુએ ઊભો કરેલો છે, તેના તે સેવક છે.

3 હવે દરેક‍પ્રમુખયાજક અર્પણો તથા બલિદાનો આપવાને નીમેલો છે. માટે આ [યાજક] ની પાસે પણ કંઈ અર્પણ કરવાનું હોય એવી અગત્ય છે.

4 વળી જો તે પૃથ્વી પર હોત, તો તે યાજક નહિ જ હોત, કેમ કે નિયમશાસ્‍ત્ર પ્રમાણે દાનાર્પણ કરનારા યાજકો તો છે જ.

5 તેઓ આકાશમાંની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે, જેમ મૂસાને જ્યારે તે મંડપ ઊભો કરવાનો હતો, ત્યારે ઈશ્વર તરફથી સૂચના મળી હતી તેમ. કેમ કે તેમણે કહ્યું, “જો જે નમૂનો પહાડ પર તને દેખાડવામાં આવ્યો હતો, તે પ્રમાણે બધી વસ્તુઓ કાળજી રાખીને બનાવ.”

6 પણ હાલ જેમ તે વિશેષ સારાં વચનોથી ઠરાવેલા વિશેષ સારા કરારના મધ્યસ્થ છે, તે પ્રમાણે તેમને વધારે સારી સેવા કરવાનું મળ્યું.

7 કેમ કે જો પહેલા કરારમાં કંઈ દોષ ન હોત, તો બીજા [કરાર] ને માટે સ્થાન શોધવાની જરૂર ન રહેત.

8 પણ દોષ કાઢીને [ઈશ્વર] તેઓને કહે છે, “જુઓ, પ્રભુ કહે છે કે, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ.

9 જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી દોરી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો, તેના જેવો તે કરાર નહિ થાય, કારણ કે મારા કરાર પ્રમાણે તેઓ ચાલ્યા નહિ, એટલે મેં પણ તેઓ સંબંધી કંઈ ચિંતા રાખી નહિ, એવું પ્રભુ કહે છે:

10 કેમ કે પ્રભુ કહે છે કે, હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ, તે આ છે: હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ, ને તેઓના હ્રદયપટ પર તે લખીશ: હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોક થશે.

11 હવે પછી ‘પ્રભુને ઓળખ, ’ એમ કહીને દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહિ, કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી, સર્વ મને ઓળખશે.

12 કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ. અને તેઓનાં પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહિ, ”

13 તો, નવો કરાર, ” એવું કહીને તેમણે પહેલા [કરાર] ને જૂનો ઠરાવ્યો છે. પણ જે જૂનું તથા જર્જરિત થતું જાય છે, તે નાશ પામવાની તૈયારીમાં છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan