Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હિબ્રૂઓ 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 કેમ કે દરેક પ્રમુખયાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને માટે નીમેલો છે, જેથી તે પાપોને માટે અર્પણો તથા બલિદાનો આપે.

2 અને તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે, તેથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વર્તી શકે છે.

3 તે કારણને લીધે તેણે જેમ લોકોને સારું તેમ પોતાને સારુ પણ પાપોને માટે અર્પણ કરવું જોઈએ.

4 અને હારુનની જેમ જેને ઈશ્વરે બોલાવ્યો હોય તે‍સિવાય કોઈ બીજો પોતે આ માન લેતો નથી.

5 એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખયાજક થવાનું માન પોતે લીધું નહિ, પણ જેમણે તેમને કહ્યું, “તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે, ” તેમણે [તેમને તે માન આપ્યું].

6 વળી તે જે પ્રમાણે બીજે સ્થળે પણ તે કહે છે, “મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે, તું સનાતન યાજક છે.”

7 તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે [ઈશ્વરનો] ડર રાખ્યો, માટે તેમની [પ્રાર્થના] સાંભળવામાં આવી.

8 અને તે પુત્ર હતા, તે છતાં પણ પોતે જે જે [સંકટો] સહન કર્યાં તેથી તે આજ્ઞાપાલન શીખ્યા.

9 અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને માટે અનંત તારણનું કારણ થયા.

10 તેમને મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે ઈશ્વરે પ્રમુખયાજકનું નામ આપ્યું.


વિશ્વાસ-ત્યાગ સામે ચેતવણી

11 આ [મેલ્ખીસેદેક] વિષે અમારે ઘણું કહેવાનું છે, પણ એનો અર્થ સમજાવવો કઠણ છે, કેમ કે તમે સાંભળવામાં મંદ થયા છો.

12 કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો ઈશ્વરનાં વચનનાં મૂળતત્‍ત્વ શાં છે, એ કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે. અને જેઓને દૂધની અગત્ય હોય, ને ભારે ખોરાકની નહિ, એવા તમે થયા છો.

13 કેમ કે જે કોઈ દૂધ પીએ છે તે ન્યાયીપણા સંબંધી બિનઅનુભવી છે, કેમ કે તે બાળક જ છે.

14 પણ જેઓ પુખ્ત ઉંમરના છે, એટલે જેઓની ઈંદ્રિયો ખરુંખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને માટે ભારે ખોરાક છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan