Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હિબ્રૂઓ 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વરનું વચન તેમના પુત્ર મારફતે

1 પ્રાચીન કાળમાં પ્રબોધકોદ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યા,

2 તે આ છેલ્લા સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું, તે દ્વારા આપણી સાથે બોલ્યા.

3 તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતા] ની જમણી તરફ ઉચ્‍ચસ્થાને બેઠા છે.


ઈશ્વરના પુત્રનું અજોડપણું

4 તેમને દૂતો કરતાં જેટલે દરજ્જે તે વધારે ચઢિયાતું નામ વારસામાં મળ્યું છે, તેટલે દરજ્જે તે તેઓ કરતાં ઉત્તમ થયા છે.

5 કેમ કે ઈશ્વરે કયા દૂતને કદી એમ કહ્યું છે, “તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે?” અને વળી, “હું તેનો પિતા થઈશ, અને તે મારો પુત્ર થશે?”

6 વળી જયારે તે પ્રથમજનિતને જગતમાં લાવે છે, ત્યારે તે કહે છે. “ઈશ્વરના સર્વ દૂતો તેનું ભજન કરો.”

7 વળી દૂતો સંબંધી તે એમ કહે છે, “તે પોતાના દૂતોને વાયુરૂપ, અને પોતાના સેવકોને અગ્નિની જવાળારૂપ કરે છે.”

8 પણ પુત્ર વિષે તે કહે છે, “ઓ ઈશ્વર, તમારું રાજયાસન સનાતન છે; અને તમારો રાજદંડ ન્યાયીપણાનો દંડ છે.

9 તમે ન્યાયીપણા પર પ્રેમ રાખ્યો છે, અને અન્યાય પર દ્વેષ કર્યો છે, એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં અધિક [ગણીને] આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે.”

10 વળી, “ઓ પ્રભુ, આરંભમાં તમે પૃથ્વીનો પાયો નાખ્યો, અને આકાશો તમારા હાથની કૃતિ છે.

11 તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહો છો; વસ્‍ત્રની જેમ તેઓ સર્વ જીર્ણ થઈ જશે;

12 તમે ઝભ્ભાની જેમ તેઓને વાળી લેશો, અને વસ્‍ત્રની જેમ તેઓને બદલવામાં આવશે. પણ તમે એવા ને એવા જ છો. ને તમારાં વર્ષોનો અંત કદી આવશે નહિ.”

13 પણ ઈશ્વરે કયા દૂતને કદી એમ કહ્યું છે, “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ?”

14 શું તેઓ સર્વ સેવા કરનારાં આત્મા નથી, તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલી દેવામાં આવ્યા નથી.?

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan