હાગ્ગાય 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)નવા મંદિરની ભવ્યતા 1 સાતમા માસની એકવીસમીએ યહોવાનું વચન હાગ્ગાય પ્રબોધકની મારફતે આવ્યું, 2 “યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલને તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆને તથા બાકી રહેલા લોકોને હવે કહે, 3 ‘આ મંદિરનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઈ તમારામાં જીવતો રહ્યો છે? શું તે તમારી નજરમાં શૂન્યવત્ નથી?’” 4 તો પણ હવે, યહોવા કહે છે, “હે ઝરુબ્બાબેલ, બળવાન થા. હે યહોસાદાકના દીકરા યહોશુઆ, પ્રમુખ યાજક, બળવાન થા. યહોવા કહે છે, ‘હે દેશના સર્વ લોકો, તમે બળવાન થઈને કામે લાગો’:કેમકે સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે, 5 જ્યારે તમે મિસરમાંથી નીકળ્યા, ત્યારે તમારી સાથે કોલકરાર કરીને જે વચનો મેં કહ્યાં તે પ્રમાણે હું તમારી સાથે છું, ને મારો આત્મા તમારામાં રહે છે; તમે બીહો નહિ. 6 કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા આમ કહે છે: હજી એક વાર થોડી મુદત દછી હું આકાશોને, પૃથ્વીને, સમુદ્રને તેમ જ કોરી ભૂમિને હલાવીશ. 7 હું સર્વ પ્રજાઓને હલાવી નાખીશ, ને સર્વ પ્રજાઓની કિમંતી વસ્તુઓ આવશે, ને હું આ મંદિરને ગૌરવથી ભરીશ, ” એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે. 8 વળી સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “રૂપું મારું છે, ને સોનું પણ મારું છે.” 9 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “આ મંદિરનું પાછળનું ગૌરવ આગલાના કરતાં વિશેષ થશે, અને આ સ્થાનમાં હું સલાહશાંતિ આપીશ. એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે. પ્રબોધક યાજકોને પૂછે છે 10 દાર્યાવેશના બીજા વર્ષના નવમા [માસ] ની ચોવીસમીએ યહોવાનું વચન હાગ્ગાય પ્રબોધકની મારફતે આવ્યું, 11 કેમ સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “હવે યાજકોને પૂછ કે નિયમશાસ્ત્ર પ્રમાણે, 12 જો કોઈ માણસ પોતાના વસ્ત્રની ચાળમાં અર્પિત માંસ લઈ જતો હોય, ને તેની ચાળ રોટલીને, ભાજીને, દ્રાક્ષારસને, તેલને કે, હરકોઈ અન્નને અડકે, તો શું તે પવિત્ર થઈ જાય?” અને યાજકોએ ઉત્તર આપ્યો, “ના”. 13 ત્યારે હાગ્ગાયે પૂછયું, “ જો મુડદાથી આભડાયેલું માણસ એમાંના કશાને અડકે, તો શું તે આભડાય [કે નહિ] ?” યાજકોએ ઉત્તર આપ્યો, “હા, તે અભડાય.” 14 ત્યારે હાગ્ગાયે ઉત્તર આપ્યો, “યહોવા કહે છે કે, ‘મારી નજરમાં આ લોકો એવા જ છે, ને આ પ્રજા એવી જ છે; અને તેમના હાથોનું દરેક કામ એવું જ છે; અને ત્યાં જે કંઈ તેઓ અર્પણ કરે છે તે અશુદ્ધ છે.’” પ્રભુ આશીર્વાદ આપવા વચન આપે છે 15 [પ્રભૂ કહે છે,] “હવે, કૃપા કરીને આજથી માંડીને પાછળના વખતનો, એટલે યહોવાના મંદિરના પથ્થર પર પથ્થર મૂકવામાં આવ્યો તે પહેલાંના વખતનો, વિચાર કરો. 16 એ સર્વ વખતમાં જ્યારે કોઈ વીસ [માપ] ના ઢગલા પાસે આવતો ત્યારે તેને ત્યાં ફકત દશ જ [માપ મળતાં] હતાં. જ્યારે કોઈ માણસ દ્રાક્ષાકુંડ પાસે પચાસ માપ કાઢવાને આવતો, ત્યારે તેને તેમાં ફકત વીસ જ [માપ મળતાં] હતાં. 17 તમારા હાથોનાં સર્વ કામોમાં મેં તમને લૂથી, મસીથી તથા કરાથી શિક્ષા કરી, તોપણ, ” યહોવા કહે છે, “તમે મારી તરફ ફર્યા નહિ. 18 કૃપા કરીને આજથી માંડીને આગળનો વિચાર કરો, નવમા [માસ] ની ચોવીસમી તારીખથી, એટલે યહોવાના મંદિરનો પાયો નંખાયો તે દિવસથી, વિચાર કરો. 19 શું હજી સુધી વખારમાં બી છે? હા, દ્રાક્ષાવેલા, અંજીરીઓ, દાડમડીઓ તથા જૈતુવૃક્ષો હજી ફળ્યાં નથી, આજથી હું [તમને] આશીર્વાદ આપીશ.” ઝરુબ્બાબેલને વચન 20 વળી તે જ માસની ચોવીસમીએ, યહોવાનું વચન બીજી વાર હાગ્ગાયની પાસે આવ્યું, 21 “યહૂદિયાના સૂબા ઝરુબ્બાબેલને કહે કે, હું આકાશોને તથા પૃથ્વીને હલાવી નાખીશ. 22 હું રાજ્યાસનો ઊંધા વાળીશ, ને હું સર્વ પ્રજાઓનાં રાજ્યોના બળનો નાશ કરીશ. હું રથોને તથા તેઓમાં બેસનારાઓને ઉથલાવી નાખીશ. અને ઘોડાઓ તથા તેઓના સવારો દરેક પોતપોતાના ભાઈની તરવારથી ધરણી પર ઢળી પડશે. 23 સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે, તે દિવસે, હે મારા સેવક ઝરુબ્બાબેલ, શાલ્તીએલના દીકરા, યહોવા કહે છે કે, હું તને લઈને મુદ્રારૂપ કરીશ; કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, મેં તને પસંદ કર્યો છે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India