Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હાગ્ગાય 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મંદિર ફરીથી બાંધવા પ્રભુનો હુકમ

1 દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસની પહેલી તારીખે યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા, ઝરુબ્બાબેલની પાસે, તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆની પાસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાનું વચન આવ્યું કે,

2 “સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, ‘આ પ્રજા કહે છે કે, “વખત, હજુ આવ્યો નથી. એટલે યહોવાનું મંદિર બાંધવાનો વખત હજુ આવ્યો નથી.’”

3 ત્યારે યહોવાનું વચન હાગ્ગાય પ્રબોધકની મારફતે આવ્યું કે,

4 આ મંદિર ઉજ્જડ પડી રહેલું છે, તે દરમિયાન તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ વખત છે‍ શું?”

5 તો હવે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તમારા માર્ગો વિષે વિચાર કરો.

6 તમે વાવ્યું છે તો બહુ, પણ ઘેર થોડું જ લાવ્યા છો. તમે ખાઓ છો, પણ ધરાઈને નહિ. તમે પીઓ છો પણ પીવાથી તૃપ્ત થતા નથી. તમે વસ્ત્ર પહેરો છો, પણ કોઈમાં ગરમી આવતી નથી; અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે.”

7 “સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તમારા માર્ગો વિષે વિચાર કરો.

8 પર્વત પર જાઓ, ને લાકડાં લાવીને મંદિર બાંધો. અને તેથી હું રાજી થઈશ, ને હું મહિમાવાન મનાઈશ, ” એમ યહોવા કહે છે.

9 “તમે ઘણાની આશા રાખતા હતા, પણ જુઓ, પરિણામે થોડું જ મળ્યું, અને જ્યારે તમે તેને ઘેર લાવ્યા, ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું, એનું કારણ શું?” એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા પૂછે છે. “કારણ તો એ છે કે, તમે સર્વ પોતપોતાને ઘેર દોડતા જાઓ છો, ને તે દરમિયાન મારું ઘર તો ઉજ્જડ પડી રહ્યું છે.

10 એ માટે તમારે લીધે આકાશમાંથી ઝાકળ પડતું બંધ થયું છે, ને પૃથ્વીની નીપજ બંધ પડી છે.

11 વળી ભૂમિ પર, પર્વતો પર, અનાજ પર, દ્રાક્ષારસ પર, તેલ પર, જમીનની નીપજ પર, માણસો પર, ઢોરઢાંક પર, તારા હાથોની સર્વ મહેનત પર સુકવણું [પડે એવી] મેં આજ્ઞા કરી છે.”


લોકો પ્રભુની આજ્ઞા પ્રમાણે કરે છે

12 ત્યારે શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલે, તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆએ, તથા બાકી રહેલા સર્વ લોકોએ પોતાના ઈશ્વર યહોવાની વાણી, તથા ઈશ્વર યહોવાએ મોકલેલા હાગ્ગાય પ્રબોધકનાં વચનો માન્ય કર્યાં. અને લોકો યહોવાનો ડર રાખવા લાગ્યા.

13 ત્યાર પછી યહોવાનો સંદેશો લાવનાર હાગ્ગાયે [લોકોને] કહ્યું, “યહોવા કહે છે, ‘હું તમારી સાથે છું.’”

14 ત્યારે યહોવાએ યહૂદિયાના સૂબા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલનું તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆનું મન, તથા બાકી રહેલા સર્વ લોકોનું મન જાગૃત કર્યું.

15 અને દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસની ચોવીસમી તારીખે તેઓએ આવીને પોતાના ઈશ્વર, સૈન્યોના [ઈશ્વર] યહોવાના મંદિરમાં કામ શરૂ કર્યું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan