હબાકુક 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)હબાકુકની પ્રાર્થના 1 હબાકુક પ્રબોધકની પ્રાર્થના, રાગ શિગ્યોનોથ. 2 હે યહોવા તમારા વિષેનું બ્યાન મેં સાંભળ્યું છે, ને મને ડર લાગે છે; હે યહોવા, આ [ચાલ્યાં જતાં] વર્ષોમાં તમારા કામનું પુનર્જીવન કરો, આ વર્ષોમાં તેને પ્રગટ કરો. કોપમાં પણ દયા સંભારો. 3 ઈશ્વર તેમાનથી [આવે છે] , પવિત્ર [ઈશ્વર] પારાન પર્વતથી આવે છે. (સેલાહ) તેમનો પ્રકાશ આકાશોમાં વ્યાપી રહે છે, ને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે. 4 તેમનો પ્રકાશ સૂર્યના જેવો છે. તેમની બાજુએથી કિરણો [ફૂટે] છે; અને તેમનુમ સામર્થ્ય ગુપ્ત રહેલું છે. 5 તેમની આગળ મરકી ચાલે છે, ને તેમના પગ આગળથી અગ્નિબાણો છૂટે છે. 6 તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે; તે નજર કરીને પ્રજાઓને વિખેરી નાખે છે. અનાદિ પર્વતોના ટુકડેટુકડા થઈ ગયા છે, સનાતન ડુંગરો નમી ગયા છે. તેમના માર્ગો સદાકાળના છે. 7 મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં [પડેલા] જોયા. મિદ્યાન દેશના પડદા ધ્રૂજયા. 8 શું યહોવા નદીઓ પર નારાજ થયા? શું તમારો રોષ નદીઓ ઉપર છે કે, તમારો કોપ સમુદ્ર ઉપર છે કે, તેને લીધે તમે તમારા ઘોડાઓ પર, તમારા વિજયી રથોમાં [બેસીને] સવારી કરો છો? 9 તમારું ધનુષ્ય છેક ઉઘાડું કરેલું છે. સોગન ખાઈને કુળોને આપેલાં વચન અચૂક છે. (સેલાહ) તમે નદીઓથી પૃથ્વીના વિભાગ કર્યા છે. 10 પર્વતો તમને જોઈને ડરે છે. ત્યાં આગળ થઈને પાણીની રેલ ચાલે છે. ઊંડાણ પોતાનો અવાજ કાઢે છે, ને પોતાના હાથ ઊંચા કરે છે. 11 તમારાં છૂટતાં બાણોના પ્રકાશથી, તમારા ચળકતા ભાલાના ઝળકાટથી, સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે. 12 તમે રોષમાં દેશના આ છેડાથી પેલા છેડા સુધી સવારી કરો છો, તમે ક્રોધમાં પ્રજાઓને ઝૂડી નાખો છો. 13 તમારા લોકોના ઉદ્ધારને માટે, તમારા અભિષિક્તના ઉદ્ધારને માટે તમે સવારી કરો છો. દુષ્ટના ઘરમાંથી તમે શિરને કાપી નાખો છો, ને ગરદન સુધી તેના પાયા ઊઘાડા કરી નાખો છો. (સેલાહ) 14 તમે તેના પોતાના ભાલાઓથી તેના લડવૈયાઓનું શિર વીંધી નાખો છો; તેઓ મને વિખેરી નાખવા માટે વંટોળિયાની જેમ આવ્યા. તેઓ ગરીબોને ગુપ્ત રીતે ગળી જવામાં આનંદ માને છે. 15 તમે તમારા ઘોડાઓથી સમુદ્રને, મહા જળનાં મોજાંઓને ખૂંદો છો. 16 એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડયો, એ અવાજથી મારા હોઠ થથર્યા. મારાં હાડકાંમાં સડો લાગ્યો, ને મારી જગાએ હું કાંપ્યો. જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ જથાબંધ આવી પડે, ત્યારે હું એ સંકટસમયે પણ ધીરજ રાખું. 17 જો કે અંજીરીને મોર ન આવે, ને દ્રાક્ષાવેલાઓને દ્રાક્ષા ન લાગે; જૈતૂનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે નહિ; વાડામાંથી ઘેટાંબકરાં નાશ પામે, ને કોડમાં કંઈ ઢોરઢાંક રહે નહિ: 18 તોપણ હું યહોવામાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા ઈશ્વરમાં આનંદ કરીશ. 19 પ્રભુ યહોવા મારું બળ છે, તે મારા પગને હરણના [પગ] જેવા ચપળ કરે છે, ને મને મારામ ઉચ્ચસ્થાનો પર ચલાવશે. (મુખ્ય ગવૈયાને માટે, તારવાળાં વાજિંત્ર સાથે [ગાવાને].) |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India