Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હબાકુક 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


હબાકુક

1 હબાકુક પ્રબોધકને સંદર્શનમાં જે ઈશ્વરવાણી પ્રાપ્ત થઈ તે.


અન્યાય અંગે હબાકુકની ફરિયાદ

2 હે યહોવા, ક્યાં સુધી હું પોકાર કરીશ, ને તમે સાંભળશો નહિ? હું જોરજુલમ વિષે તમારી સમક્ષ બૂમ પાડું છું, તોપણ તમે બચાવ કરતા જ નથી.

3 શા માટે તમે અન્યાય મારી નજરે પાડો છો, ને ભ્રષ્ટાચાર બતાવો છો? કેમ કે મારી આગળ લૂંટફાટ ને જોરજુલમ થઈ રહ્યો છે. કજિયા થાય છે, ને ટાંટા ઊઠે છે.

4 તે માટે કાયદા અમલમાં આવતા નથી, અને વળી કદી અદલ ઇનસાફ મળતો નથી. કેમ કે સજ્જનોને દુષ્ટોએ ઘેરી લીધા છે; તેથી ઇનસાફ ઊંધો વળે છે.


પ્રભુનો ઉત્તર

5 પ્રભુએ કહ્યું, “તમે વિદેશીઓમાં જુઓ, ને લક્ષ આપો, ને અતિશય વિસ્મય પામો, કેમ કે હું તમારા સમયમાં એવું એક કાર્ય કરવાનો છું કે, જે તમને કહેવામાં આવશે તોપણ તમે તે માનશો નહિ.

6 કેમ કે, જુઓ, ખલદીઓ જે કરડી તથા ઉતાવળી પ્રજા છે, તેમને હુમ ઊભા કરું છું. તેઓ બીજાઓનાં રહેઠાણોના માલિક થવા માટે પૃથ્વીના એક છેડાથી તે બીજા છેડા સુધી સવારી કરે છે.

7 તેઓ ભયંકર તથા બિહામણા છે. તેઓનો ન્યાય તથા તેઓની પ્રતિષ્ઠા તેઓમાંથી જ નિકળે છે.

8 તેમના ઘોડાઓ પણ ચિત્તાઓ કરતાં વધારે જલદ છે, ને સાંજે [ફરતાં] વરુઓ કરતાં અધિક વિકરાળ છે. અને તેમના ઘોડેસવારો [સર્વત્ર] દોડાદોડ કરે છે. હા, તેમના સવારો દૂરથી આવે છે. ઝડપથી ઊડતા ગરૂડની જેમ ભક્ષ કરવાને તેઓ દોડે છે;

9 તેઓ સર્વ મારફાડ કરવાને આવે છે. તેમના ચહેરા પૂર્વ તરફ જવાને તલપી રહ્યા છે. અને તેઓ રેતીના કણ જેટલા કેદીઓ ભેગા કરે છે.

10 હા, તે રાજાઓની મશ્કરી કરે છે, ને અમલદારો તો તેની નજરમાં હાસ્યરૂપ છે. દરેક કિલ્લાની તે હાંસી કરે છે. કેમ કે ધૂળના ઢગલા કરીને તે તેને લઈ લે છે.

11 પછીથી પવનની જેમ તે ધસી જશે, જે પોતાના બળને પોતાનો દેવ ગણે છે તે અપરાધ કરીને ગુનેગાર ઠરશે.”


હબાકુક ફરીથી ફરિયાદ કરે છે

12 હે મારા ઈશ્વર યહોવા, મારા પવિત્ર ઈશ્વર, શું તમે અનાદિકાળથી નથી? અમે માર્યા જવાના નથી. હે યહોવા, તમે શિક્ષાને માટે તેને નિર્માણ કર્યો છે; અને હે [મારા] ખડક, તમે શિખામણને માટે તેને સ્થાપ્યો છે.

13 તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતાને જોઈ શકતા નથી, ને ભ્રષ્ટતા પર નજર કરી શકતા નથી. તમે એવા છતાં કપટીઓને કેમ જોઈ ખમો છો, ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તમે કેમ છાના રહો છો?

14 સમુદ્રનાં માછલાંના જેવા, તથા જેમને માથે કોઈ અધિકારી નથી એવાં પેટે ચાલનારાં પ્રાણીઓ જેવા તમે માણસોના હાલ કેમ કરો છો?

15 તેઓ સર્વને તે ગલથી ઊંચકી લે છે, તે તોને પોતાની જાળમાં પકડીને મોટી જાળમાં ભેગાં કરે છે; તેથી તે હરખાય છે ને આનંદ કરે છે.

16 તે માટે તે પોતાની મોટી જાળમાં બલિદાન આપે છે, ને પોતાની મોટી જાળણી આગળ ધૂપ બાળે છે; કેમ કે તેમના વડે તેનો હિસ્સો મોટો હોય છે, તથા તેને પુષ્કળ ખોરાક મળે છે.

17 એથી તે પોતાની જાળ ખાલી કરશે શું, ને પ્રજાઓનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan