Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઉત્પત્તિ 49 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યાકૂબના છેલ્‍લા શબ્દો

1 અને યાકૂબે તેના દિકરાઓને બોલાવીને કહ્યું, “તમે એકત્ર થાઓ કે છેલ્લા દિવસોમાં તમને જે વીતશે તે હું તમને જાહેર કરું.

2 યાકૂબના પુત્રો, તમે એકત્ર થાઓ, ને સાંભળો; અને તમારા પિતા ઇઝરાયલની વાતને કાન ધરો.

3 રૂબેન, તું મારો જ્યેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા પુરુષત્વનું પ્રથમ ફળ; મહત્વની ઉત્તમતા તથા શક્તિની ઉત્તમતા તું છે.

4 પાણી જેવો અસ્થિર હોવાથી તું ઉત્તમતા પામશે નહિ; કેમ કે તું તારા પિતાની પથારી પર ગયો, ને તેને ભ્રષ્ટ કરી; મારા બિછાનઅ પર તે ચઢયો.

5 શિમયોન તથા લેવી ભાઈઓ છે; તેઓની તરવારો બળાત્કારનાં હથિયાર છે.

6 મારા જીવ, તેઓની સભામાં ન જા; મારા ગૌરવ, તેઓની મંડળીમાં સામેલ ન થા. કેમ કે તેઓએ ક્રોધથી એક માણસને મારી નાખ્યું, ને ઉન્મત્તાઈથી બળદની નસ કાપી નાખી [તેને લંગડો કર્યો].

7 તેઓનો ક્રોધ શાપિત થાઓ, કેમ કે તે વિકરાળ હતો. અને તેઓનો રોષ શાપિત થાઓ, કેમ કે તે ક્રૂર હતો. હું તેઓને યાકૂબમાં જુદા પાડીશ, ને ઇઝરાયલમાં તેઓને વિખેરી નાખીશ.

8 યહૂદા, તારા ભાઈઓ તારાં વખાણ કરશે; તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે. તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે.

9 યહૂદા સિંહનું બચ્ચું છે; મારા દિકરા, તું શિકાર પરથી આવ્યો છે. તે સિંહની પેઠે, તથા સિંહણની પેઠે લપાઈ ગયો, તે લપાઈ ગયો. તેને કોણ ઉઠાડશે?

10 શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.

11 તેણે પોતાનો વછેરો દ્રાક્ષાવેલે બાંધીને, પોતાની ગધેડીનું બચ્ચું ઉત્તમ દ્રાક્ષાવેલે બાંધીને, પોતનાં વસ્‍ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે; અને પોતાનો પોષાક દ્રાક્ષોના [રસરૂપી] રક્તમાં ધોયો છે.

12 દ્રાક્ષારસને લીધે તેની આંખો રાતી, ને દૂધે કરીને તેનાં દાંત શ્વેત થશે.

13 ઝબુલોન સમુદ્રને કાંઠે રહેશે; તે વહાણોનું બંદર થશે; અને તેની સીમા સિદોન સુધી થશે.

14 ઇસ્સાખાર બળવંત ગધેડો, ઘેટાંના વાડાની વચ્ચે બેઠો છે;

15 અને તેણે એક આરામસ્થાન જોયું તો તે સારું હતું, ને ભૂમિ [જોઈ] તો તે ખુશકારક હતી. અને તેણે ભાર લેવાને ખાંધ ધરી, ને તે વેઠ કરનારો દાસ થયો.

16 ઇઝરાયલનાં કુળોમાંના એક સરખો, દાન પોતાના લોકોનો ન્યાય કરશે.

17 દાન માર્ગમાંના સર્પ જેવો, રસ્તામાં ઊડતા સર્પના જેવો થશે, તે ઘોડાની એડી એવી કરડશે કે તેનો સવાર પાછો પડશે.

18 ઓ યહોવા, મેં તારા તારણની વાટ જોઈ છે.

19 ગાદને એક ટુકડી દબાણ કરશે; તોપણ તે તેમની એડી દબાવશે.

20 આશેરની રોટલી પુષ્ટિકારક થશે, ને તે રાજાને લાયકનાં મિષ્ટાન્‍ન ઉપજાવશે.

21 નફતાલી, છૂટી મૂકેલી સાબરી; તે ઉત્તમ શબ્દો ઉચ્ચારે છે.

22 યૂસફ ફળદ્રુપ ડાળ છે, ઝરા પાસેની ફળવંત ડાળ; તેની ડાંખળી ભીંત પર ચઢી જાય છે.

23 તીરંદાજોએ તેને બહુ દુ:ખ દીધું, ને તેના પર તીર ફેંકયાં, ને તેને સતાવ્યો;

24 પણ તેનું ધનુષ્ય બળભેર રહ્યું, ને યાકૂબના સમર્થ પ્રભુના હાથથી તેના ભુજ બળવાન કરાયા. (ત્યાંથી ઘેટાંપાળક, એટલે ઇઝરાયલનો ખડક, થયો).

25 તારા પિતાનો ઈશ્વર જે તારી સહાયતા કરશે તેનાથી, ને સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપરના આકાશના આશીર્વાદોથી તથા નીચેના ઊંડાણના આશીર્વાદોથી, સ્તનના તથા ગર્ભસ્થાનના આશીર્વાદોથી તને આશીર્વાદિત કરશે, તેનાથી [તું બળવાન કરાશે].

26 તારા પિતાના આશીર્વાદો મારા પિતૃઓના આશીર્વાદ કરતાં અતિ મોટા થયા છે, અને સદાકાળ ટકી રહેનારા પર્વતોની અતિ દૂરની સીમા સુધી વધ્યા છે; અને તેઓ યૂસફના શિર પર, તથા જે તેના ભાઈઓથી જુદો કરાયેલો, તેના મસ્તક પર રહેશે.

27 બિન્યામીન ફાડી ખાનાર વરુ છે. સવારે તે શિકાર ખાશે, ને સંધ્યાકાળે લૂટ વહેંચશે.”


યાકૂબનું મૃત્યુ અને દફન

28 એ સર્વ ઇઝરાયલનાં બાર કુળ છે; અને તેઓના પિતાએ તેઓને જે કહ્યું, ને તેઓને જે આશીર્વાદ આપ્યા તે એ છે. પ્રત્યેકને પોતપોતાના આશીર્વાદ પ્રમાણે તેણે તેઓને આશીર્વાદ આપ્યો.

29 અને તેણે તેઓને આજ્ઞા આપીને કહ્યું, “હું મારા લોકો સાથે મળી જવાનો છું. એફ્રોન હિત્તીના ખેતરમાંની ગુફામાં મારા પિતૃઓની પાસે,

30 એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલાના ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દાટજો.

31 ત્યાં ઇબ્રાહિમ તથા તેની પત્ની સારાને દાટવામાં આવ્યાં છે. ત્યાં ઇસહાક તથા તેની પત્ની રિબકાને દાટવામાં આવ્યાં છે; અને ત્યાં મેં લેઆને દાટી છે.

32 જે ખેતર તથા તેમાંની જે ગુફા હેથના પુત્રો પાસેથી ખરીદવામાં આવ્યાં હતાં [ત્યાં મને દાટજો].”

33 અને યાકૂબ પોતાના દિકરાઓને આજ્ઞા આપી રહ્યો, ત્યાર પછી તેણે પોતાના પગ પલંગ પર લાંબા કરીને પ્રાણ છોડયો, ને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan