ઉત્પત્તિ 44 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ગુમ થયેલું પ્યાલું 1 અને તેણે પોતાના ઘરના કારભારીને આજ્ઞા આપી, “આ માણસોની ગુણોમાં અનાજ ભર, જેટલું તેઓ લઈ જઈ શકે તેટલું ભર, ને હરેક માણસનું નાણું તેની ગૂણના મુખમાં મૂક. 2 અને મારું પ્યાલું, એટલે રૂપાનું પ્યાલું, નાનાની ગૂણના મુખમાં તેના અનાજનાં નાણાં સહિત મૂક.” અને યૂસફે જેમ કહ્યું તેમ તેણે કર્યું. 3 અને સવાર થતાં જ તે માણસોને તેઓનાં ગધેડાં સહિત વિદાય કરવામાં આવ્યા. 4 તેઓ શહેરમાંથી નીકળીને બહુ આઘે ગયા નહોતા એટલામાં યૂસફે તેના કારભારીને કહ્યું, “ઊઠ, ને તે માણસોની પાછળ દોડ; અને તેઓને તું પકડી પાડે ત્યારે કહે કે તમે ભલાને બદલે ભૂડું કેમ વાળ્યું? 5 જેમાંથી મારો ધણી પીએ છે, ને જેથી તે શુકન જુએ છે તે શું આ નથી? આ તો તમે ભૂંડું કર્યું છે.” 6 અને તેણે તેઓને પકડી પાડીને તેઓને એમ જ કહ્યું. 7 અને તેઓએ તેને કહ્યું, “અમારા સાહેબ, એવી વાત કેમ કહે છે? એમ ન થાય કે તમારા દાસો એવું કરે. 8 જુઓ, જે નાણું અમને અમારી ગૂણોનાં મુખમાંથી મળી આવ્યું, તે કનાન દેશથી અમે તમારી પાસે પાછું લાવ્યા; તો તમારા ધણીના ઘરમાંથી રૂપું કે સોનું અમે શું કરવા ચોરીએ? 9 તમારા દાસોમાં જેની પાસેથી તે મળે તે માર્યો જાયમ ને અમે પણ અમારા ઘણીના દાસ થઈએ.” 10 અને તેણે કહ્યું, “હવે તમે કહો છો તેમ થાય. જેની પાસેથી તે મળે તે મારો દાસ થાય; અને બાકીના નિરપરાધી ઠરશો.” 11 અને તેઓએ તરત જ પોતપોતાની ગૂણ નીચે ઉતારીમ ને પ્રત્યેકે પોતાની ગૂણ ઉઘાડી. 12 અને તેણે મોટાથી માંડીને તે નાના સુધીની ઝડતી લીધી; અને બિન્યામીનની ગૂણમાંથી પ્યાલું મળ્યું. 13 ત્યારે તેઓએ તેમનાં વસ્ત્ર ફાડયાં, ને તેમનાં ગધેડાં લાદ્યાં, ને તેઓ નગરમાં પાછા આવ્યા. 14 અને યહૂદા તથા તેના ભાઈઓ યૂસફને ઘેર આવ્યા; અને તે હજુ ત્યાં જ હતો; અને તેઓ તેની આગળ ભૂમિ પર ઊંધા પડયા. 15 અને યૂસફે તેઓને કહ્યું, “આ તમે કેવું કામ કર્યું? શું તમે નથી જાણતા કે મારા જેવો માણસ શુકન જોઈ શકે છે?” 16 અને યહૂદા બોલ્યો, “મારા ધણીને અમે શું કહીએ? શું બોલીએ? અમે નિરપરાધી કેમ કરીને ઠરીએ? તમારા દાસોનાં ભંડાં કામ ઈશ્વરે શોધી કાઢયાં છે. જુઓ, અમે તથા જેની પાસેથી પ્યાલું મળ્યું તે પણ મારા ધણીના દાસ છીએ.” 17 અને તેણે કહ્યું, “એવું કરવું મારાથી દૂર થાઓ! જે માણસની પાસેથી પ્યાલું મળ્યું તે મારો દાસ થશે; પણ તમે તો શાંતિએ તમારા પિતાની પાસે જાઓ.” યહૂદા બિન્યામીન માટે વિનંતી કરે છે 18 અને યહૂદાએ તેની પાસે આવીને કહ્યું, “ઓ મારા ધણી, કૃપા કરીને તમારા દાસને મારા ધણીના કાનમાં બે બોલ કહેવા દો, ને તમારઅ દાસ પર તમારો રોષ ન ચઢે; કેમ કે તમે ફારુનના સરખા છો. 19 મારા ધણીએ તેમના દાસોને એમ પૂછયું હતું કે, ‘શું તમારે પિતા અથવા ભાઈ છે?’ 20 અને અમે અમારા ધણીને કહ્યું, ‘અમારે ઘરડા પિતા છે, ને તેમના ઘડપણનો એક નાનો દીકરો છે. અને તેનો ભાઈ મરી ગયો છે, ને તે તેની માનો એકલો જ રહ્યો છે, ને તેના પિતાને તે વહાલો છે.’ 21 અને તમે તમારા દાસોને કહ્યું હતું કે, ‘તેને હું જોઉં, માટે તેને મારી પાસે લેતા આવો.’ 22 અને અમે અમારા ધણીને કહ્યું હતું કે, ‘તે છોકરો તેના પિતાને છોડી શકે એમ નથી; કેમ કે જો તે પોતાના પિતાને મૂકીને જાય, તો તેના પિતા મરી જાય.’ 23 અને તમે તમારા દાસોને કહ્યું હતું કે, ‘જો તમારો નાનો ભાઈ તમારી સાથે ન આવે તો તમે મારું મુખ ફરી નહિ જોશો.’ 24 અને એમ થયું કે અમે તમારા દાસ એટલે અમારા પિતાની પાસે ગયા, ત્યારે એટલે અમારા પિતાની પાસે ગયા, ત્યારે અમે તેમને અમારા ધણીની વાતો કહી સંભળાવી. 25 અમારા પિતાએ કહ્યું, ‘તમે પાછા જઈને આપણે માટે થોડું અનાજ વેચાતું લાવો.’ 26 અને અમે કહ્યું, ‘અમારાથી નહિ જવાય, જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે, તો જ અમે જઈએ, કેમ કે અમારો નાનો ભાઈ અમારી સાથે ન હોય, તો તે માણસનું મુખ અમે જોઈ શકીશું નહિ.; 27 અને તમારા દાસે, એટલે મારા પિતાએ, અમને કહ્યું, ‘તમે જાણો છો કે મારી પત્નીને બે પુત્ર થયા હતા; 28 અને તેઓમાંનો એક મારી પાસેથી ગયો, ને મેં કહ્યું કે, તેને ખચીત [કોઈ જાનવરે] ફાડી ખાધો હશે; અને ત્યાર પછી મેં તેને જોયો નથી. 29 અને આએને પણ જો મારા મુખ આગળથી તમે લઈ જાઓ, ને તેને નુકશાન થાય, તો તમે મારાં પળિયાંને શોકને મારે ઘોરમાં ઉતારશો.’ 30 તે માટે હવે તમારા દાસની એટલે મર પિતાની પાસે હું જાઉં, ને તે છોકરો અમારી સાથે ન હોય, 31 તો આ છોકરામાં તેમનો જીવ છે, તેથી એમ થશે કે જ્યારે તે જોશે કે છોકરો અમારી સાથે નથી, ત્યારે તે મરી જશે; અને તમારા દાસો તમારા દાસનાં એટલે અમારા પિતાનાં પળિયાં શોકને મારે ઘોર ઉતારશે. 32 કેમ કે હું તમારો દાસ મારા પિતાની પાસે આ છોકરાનો જામીન થયો હતો, અને મેં તેમને કહ્યું હતું, ‘જો હું તેને તમારી પાસે પાછો ન લાવું, તો હું સર્વકાળ મારા પિતાનો અપરાધી થાઉં.’ 33 અને હવે કૃપા કરીને આ છોકરાને બદલે તમારા દાસને મારા ધણી પાસે દાસ થઈ રહેવા દો; અને છોકરાને તેના ભાઈઓની સાથે પાછો જવા દો. 34 કેમ કે જો તે છોકરો મારી સાથે ન હોય, તો હું મારા પિતાની પાસે શી રીતે જાઉં? રખેને જે દુ:ખ મારા પિતા પર આવી પડે તે મારે જોવું પડે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India