ઉત્પત્તિ 33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યાકૂબ એસાવને મળે છે 1 અને યાકૂબે તેની નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, એસાવ તથા તેની સાથે ચારસો માણસ આવે છે, ત્યારે તેણે લેઆને તથા રાહેલને તથા બે દાસીઓને છોકરાં વહેંચી આપ્યાં. 2 અને તેણે દાસીઓને તથા તેઓનાં છોકરાંઓને આગળ રાખ્યાં, પછી લેઆ તથા તેનાં છોકરાં, ને છેલ્લાં રાહેલ તથા યૂસફ. 3 અને તે પોતે તેઓની આગળ ચાલ્યો, ને તેના ભાઈની પાસે આવ્યો ત્યાં સુધીમાં તેણે સાત વાર જમીન સુધી નમીને તેને દંડવત પ્રણામ કર્યા. 4 અને એસાવ તેને મળવાને દોડયો, ને તેને ભેટયો, ને તેની કોટે વળગીને તેને ચૂમ્યો; અને તેઓ રડયા. 5 અને એસાવે પોતાની નજર ઊંચી કરીને સ્ત્રીઓ તથા છોકરાંને જોયાં; અને પૂછયું, “આ તારી સાથે કોણ છે?” અને તેણે કહ્યું, “ઈશ્વરે કૃપા કરીને તારા દાસને છોકરાં આપ્યાં છે તે.” 6 અને દાસીઓ તથા તેઓનાં છોકરાં તેની પાસે આવ્યાં, ને તેને દંડવત પ્રણામ કર્યા. 7 લેઆ તથા તેનાં છોકરાં પણ પાસે આવ્યાં, ને તેને દંડવત પ્રણામ કર્યા; પછી યૂસફ તથા રાહેલ પાસે આવ્યાં, ને તેને દંડવત પ્રણામ કર્યા. 8 અને એસાવે પૂછયું, “આ જે સર્વ ટોળાં મને સામાં મળ્યાં તેમાં તારો શો હેતુ છે?” અને યાકૂબે કહ્યું, “મારા મુરબ્બીની નજરમાં કૃપા પામવા માટે તે છે.” 9 ત્યારે એસાવ બોલ્યો, “મારા ભાઈ, મારી પાસે બહુ છે; તારું જે છે તે તું પોતે જ રાખ.” 10 અને યાકૂબે કહ્યું, “એમ નહિ, હવે જો હું તારી નજરમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને મારા હાથથી મારી ભેટ સ્વીકાર; કેમ કે જાણે કે ઈશ્વરનું મોં જોયું હોય તેમ મેં તારું મોં જોયું છે, ને તું મારા પર પ્રસન્ન થયો છે. 11 મારી જે ભેટ તારી પાસે લાવ્યો છું તે કૃપા કરી લે, કેમ કે ઈશ્વરે, મારા ઉપર કૃપા કરી છે, ને મારી પાસે પુષ્કળ છે.” અને તેણે આગ્રહ કર્યો, ને તેણે તે લીધી. 12 અને એસાવે કહ્યું, “ચાલો, રસ્તે પડીએ, ને હું તારી આગળ ચાલીશ.” 13 અને યાકૂબે તેને કહ્યું, “મારો મુરબ્બી જાણે છે કે છોકરાં કુમળાં છે, ને દૂઝણી બકરીઓ તથા ઢોર મારી સાથે છે. જો તેઓને એક દિવસ પણ લાંબી મજલે હાંકે તો સર્વ ટોળાં મરી જાય. 14 માટે, મારા મુરબ્બી, તારા દાસની આગળ જા; અને હું સેઇરમાં મારા મુરબ્બી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે ઢોર મારી આગળ છે તેઓ તથા છોકરાં ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ.” 15 અને એસાવે કહ્યું, “મારી સાથેના લોકોમાંથી થોડા તારી પાસે હું મૂકું.” અને તેણે કહ્યું, “શા માટે? હું તારી નજરમાં કૃપા પામું [તે બહુ છે.] ” 16 પછી તે દિવસે એસાવ સેઈર જવાને પાછો કર્યો. 17 ત્યારે યાકૂબ સુક્કોથમાં ચાલતો આવ્યો, ને તેણે પોતાને માટે ઘર બાંધ્યું, ને તેનાં ઢોરને માટે માંડવા ઊભા કર્યા, એ માટે તે જગાનું નામ સુક્કોથ પડ્યું. 18 અને યાકૂબ પાદાનારામમાંથી આવતાં કનાન દેશના શખેમ સુધી સહીસલામત આવ્યો, ને શહેરની સામે તબું માર્યો. 19 અને જે જમીનના કકડામાં તેણે પોતાનો તંબુ માર્યો હતો, તે તેણે શખેમના પિતા હમોરના દિકરાઓની પાસેથી સો રૂપિયે વેચાતો લીધો. 20 અને ત્યાં તેણે વેદી બાંધી, ને તેનું નામ એલ-એલોહે-ઇઝરાયલ પાડયું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India