Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઉત્પત્તિ 24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઇસહાક માટે પત્ની

1 અને ઇબ્રાહિમ ઘરડો ને બહુ વર્ષનો થયો હતો; અને યહોવાએ ઇબ્રાહિમને સર્વ વાતે આશીર્વાદ આપ્યો હતો.

2 અને ઇબ્રાહિમે પોતાના ઘરનો જૂનો ચાકર, જે તેના સર્વસ્વનો કારભારી હતો, તેને કહ્યું, “કૃપા કરી મારી જાંઘ નીચે તારો હાથ મૂક;

3 અને યહોવા જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના હું તને સોગન દૂં છું કે કનાનીઓ, જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દિકરાને માટે તું પત્ની લઈશ નહિ.

4 પણ મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે તું જા, ને મારા દિકરા ઇસહાકને માટે પત્ની લાવ.”

5 ત્યારે ચાકરે તેને કહ્યું. “કદાચ તે સ્‍ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય; તો જ્યાંથી તું આવ્યો છે તે દેશમાં તારા દિકરાને હું પાછો લઈ જાઉં કે કેમ?”

6 ત્યારે ઇબ્રાહિમે તેને કહ્યું, “ખબરદાર, તું મારા દિકરાને ત્યાં પાછો લઈ ન જતો.

7 આકાશના ઈશ્વર યહોવા, જે મારા પિતાના ઘરમાંથી ને મારી જન્મભૂમિમાંથી મને કાઢી લાવ્યા, ને જે મારી સાથે બોલ્યા, ને જેમણે સમ ખાઈને મને કહ્યું ‘આ દેશ હું તારાં સંતાનને આપીશ, ’ તે તેમનો દૂત તારી આગળ મોકલશે; અને ત્યાંથી તું મારા દિકરાને માટે પત્ની લાવ.

8 અને જો તે સ્‍ત્રી તારી સાથે આવવાને રાજી ન હોય, તો તું મારા આ સમથી મુક્ત થશે. મારા દિકરાને તું ત્યામ પાછો લઈ ન જતો.”

9 અને ચાકરે પોતાના ધણી ઇબ્રાહિમની જાંઘ નીચે હાથ મૂક્યો, ને તે વાત વિષે સમ ખાધા.

10 અને તે ચાકર તેના ધણીનાં ઊંટોમાંથી દશ ઊંટ લઈને ચાલી નીકળ્યો. કેમ કે તેના ધણીની સર્વ સંપત્તિ તેના હાથમાં હતી. અને તે ઊઠયો, ને અરામ-નાહરા-ઇમના નાહોરના શહેરમાં ગયો.

11 અને સાંજે સ્‍ત્રીઓ પાણી ભરવાને જાય છે, તે વખતે તેણે નગર બહાર કૂવા આગળ ઊંટોને બેસાડયાં.

12 અને તેણે કહ્યું, “હે યહોવા, મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર, હું તમારી વિનંતી કરું છું કે, આજે મારું કામ સફળ કરો, ને મારા ધણી ઇબ્રાહિમ પર દયા કરો.

13 જો, હું આ પાણીના ઝરા પાસે ઊભો છું; અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે;

14 ત્યારે એમ થવા દેજો કે જે કન્યાને હું કહું કે, ‘કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું પીઉં;’ અને તે એમ કહે, ‘પી, ને તારાં ઊંટોને પણ હું પાઈશ, ’ તે જ તમારા દાસ ઇસહાલને માટે તમારાથી ઠરાવાયેલી કન્યા હોય. અને તેથી હું જાણીશ કે તમે મારા ધણી પર દયા કરી છે.”

15 અને તેના બોલી રહ્યા અગાઉ એમ થયું કે, જુઓ, રિબકા, જે ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દિકરા બથુએલથી થયેલી તે ખભા પર ગાગર લઈને બહાર આવી.

16 હવે તે તરુણી સુંદર કાંતિની કુમારિકા હતી, તેને કોઈ પુરુષે જાણી ન હતી. તે ઝરા પાસે ઊતરીને પોતાની ગાગર ભરીને ઉપર આવી.

17 અને ચાકર તેને મળવાને દોડયો, ને કહ્યું, “તારી ગાગરમાંથી થોડું પાણી કૃપા કરીને મને પીવા દે.”

18 તેણે કહ્યું “પીઓ, મારા મુરબ્બી.” અને ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પર ઉતારીને તેને પીવડાવ્યું.

19 અને તેને પાઈ રહ્યા પછી તેણે કહ્યું, “તમારાં ઊંટો પણ પી રહે ત્યાં સુધી હું તેમને માટે પાણી ભરીશ.”

20 અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હવાડામાં ખાલી કરી, ને ફરીથી ભરવાને કૂવા તરફ દોડી, ને તેણે તેનાં સર્વ ઊંટોને માટે ભર્યું.

21 અને તે માણસે તેને તાકીને જોઈ; અને યહોવાએ મારી મુસાફરી સફળ કરી છે કે નહિ, એ જાણવાને તે છાનો રહ્યો.

22 અને એમ થયું કે ઊંટો પી રહ્યાં, ત્યારે તે માણસે અડધા તોલાની સોનાની એક વાળી ને તેનઅ હાથને માટે દશ તોલાની સોનાની બે બંગડી કાઢી.

23 અને તેણે કહ્યું, તું કોની દીકરી છે, તે કૃપા કરી મને કહે, શું તારા પિતાના ઘરમાં અમારે ઊતરવાની જગા છે?”

24 તેણે કહ્યું, “હું નાહોર અને મિલ્કાના પુત્ર બથુએલની દીકરી હું છું.”

25 અને વળી તેણે તેને કહ્યું, “અમારી પાસે ઘાસચારો બહુ છે, ને ઊતરવાની જગા પણ છે.”

26 અને તે માણસે માથું નમાવીને યહોવાનું ભજન કર્યું.

27 અને તેણે કહ્યું, “મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, જેમણે અમારા ધણી પ્રત્યે પોતાની દયાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમને ધન્ય હોજો; યહોવા મારા ધણીના ભાઈઓના ઘર સુધી માર્ગમાં મને દોરી લાવ્યા છે.”

28 અને તે કન્યા દોડી ગઈ, ને પોતાની માના ઘરનાંને વાત જણાવી.

29 અને રિબકાને એક ભાઈ હતો, જેનું નામ લાબાન હતું. અને તે માણસ ઝરા પાસે ઊભો હતો, ત્યાં લાબાન તેની પાસે દોડી આવ્યો.

30 અને એમ થયું કે લાબાને તે વાળી તથા પોતાની બહેનના હાથમાં તે બંગડી જોઈ ને પોતાની બહેન રિબકાની વાત સાંભળી કે તે માણસની પાસે આવ્યો. અને જુઓ, તે ઊંટોની પાસે ઝરા આગળ ઊભો હતો.

31 અને તેણે કહ્યું, “યહોવાથી આશીર્વાદ પામેલા, તમે ઘેર આવો. બહાર કેમ ઊભા રહ્યા છો? કેમ કે મેં ઘર તથા ઊંટોને માટે જગા તૈયાર કર્યા છે.”

32 અને તે માણસ ઘરમાં આવ્યો, અને [લાબાને] ઊંટોનો સામાન ઉતાર્યો ને ઊંટોને ઘાસચારો આપ્યાં, ને તેને તથા તેના સાથીઓને પગ ધોવાનું પાણી આપ્યું.

33 અને તેની આગળ ખાવાનું પીરસ્યું. પરંતુ તેણે કહ્યું, “હું મારી વાત કહ્યા પહેલાં નહિ ખાઉં.” અને તેણે કહ્યું, “બોલ.”

34 અને તેણે કહ્યું “હું ઇબ્રાહિમનો ચાકર છું.

35 અને યહોવાએ મારા ધણીને બહુ આશીર્વાદ આપ્યો છે; અને તે મોટો થયો છે; અને તેણે તેને ઘેટાં તથા ઢોર તથા રૂપું તથા સોનું તથા દાસો તથા દાસીઓ તથા ઊંટ તથા ગધેડાં આપ્યાં છે.

36 અને સારાએ મારા ધણીની પત્નીએ પોતાના ઘડપણમાં મારા ધણીના પેટના દિકરાને જન્મ આપ્યો છે. અને તેની પાસે જે છે તે બધું તેમણે તેને આપ્યું છે.

37 અને મારા ધણીએ મને સમ ખવડાવીને કહ્યું, કે ‘જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દિકરાને માટે તું પત્ની ન લેતો;

38 પણ મારા પિતાને ઘેર તથા મારા કુટુંબીઓની પાસે તું જજે, ને મારા દિકરાને માટે પત્ની લાવજે.’

39 અને મેં મારા ઘણીને કહ્યું, ‘કદાચ તે સ્‍ત્રી મારી સાથે ન આવે તો?’

40 અને તેમણે મને કહ્યું, ‘યહોવા જેની સંમુખ હું ચાલું છું તે પોતાના દૂતને તારી સાથે મોકલશે, ને તારો માર્ગ સફળ કરશે; અને મારા કુટુંબીઓમાંથી, તથા મારા પિતાના ઘરમાંથી મારા દિકરાને માટે તું પત્ની લાવજે.

41 અને જ્યારે તું મારા કુટુંબીઓ પાસે જશે ત્યારે મારા એ સમથી તું છૂટો થશે; એટલે જો તેઓ તને કન્યા નહિ આપે, તો મારા સમથી તું છૂટો થશે.’

42 અને આજે હું ઝરાની પાસે આવ્યો ને બોલ્યો, ‘મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, મારો માર્ગ જેમાં હું ચાલું છું, તે જો તમે સફળ કરનાર હોય;

43 તો હું ઝરા પાસે ઊભો છું ત્યારે એમ થાઓ કે જે કન્યા પાણી ભરવા નીકળી આવે, ને જેને હું કહું, ‘કૃપા કરીને તારી ગાગરમાંથી મને થોડું પાણી પા.’

44 અને તે મને કહે, ‘પી, ને તારા ઊંટોને માટે પણ હું ભરીશ, ’ તે જ કન્યા મારા ધણીના દિકરાને માટે યહોવાથી ઠરાવાયેલી હોય.

45 હું મારા મનમાં એ વારત કહી ત્યાર પહેલાં, જુઓ, રિબકા ખભે ગાગર લઈ નીકળી આવી. અને તેણે ઝરા પાસે ઊતરીને પાણી ભર્યું; અને મેં તેને કહ્યું, ‘કૃપા કરીને મને પાણી પા.’

46 અને તેણે ઉતાવળ કરીને ખભેથી ગાગર ઉતારીને કહ્યું, ‘પી, ને તારાં ઊંટોને પણ હુમ પાઈશ;’ માટે મેં પીધું, ને તેણે ઊંટોને પણ પીવડાવ્યું.

47 ત્યારે મેં તેને પૂછયું, તું કોની દીકરી છે?’ અને તેણે કહ્યું, ‘નાહોરનો દીકરો બથુએલ જે મિલ્કાને પેટે જન્મ્યો, તેની;’ અને મેં તેના નાકમાં વાળી ને તેના બન્‍ને હાથમાં બગડી પહેરાવી.

48 અને મેં માથું નમાવીને યહોવાનું ભજન કર્યું; અને મારા ઘણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા જે તેના દિકરા માટે મારા ધણીના ભાઈની દીકરી લેવાને મને સીધે માર્ગે દોરી લાવ્યા હતા તેમની મેં સ્તુતિ કરી.

49 અને હવે જો તમે મારા ધણીની સાથે કૃપાથી તથા સચાઇથી વર્તવાના હો તો મને કહો; અને જો નહિ, તો મને કહી દો કે, હું જમણી કે ડાબી બાજુ ફરું.”

50 પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, “એ વાત યહોવાથી નીકળી છે; અમે તમને કંઈ ભૂંડું કે ભલું કહી નથી શકતા.

51 જો, રિબકા તમારી આગળ છે, તેને લઈને જાઓ, ને યહોવાના કહ્યા પ્રમાણે તે તમારા ધણીના દિકરાની પત્ની થાય.”

52 અને એમ થયું કે ઇબ્રાહિમના દાસે તેઓની વાત સાંભળી, ત્યારે તેણે ભૂમિ સુધી નીચા વળીને યહોવાનું ભજન કર્યું.

53 અને તે દાસે રૂપાના તથા સોનાના દાગીના તથા લૂગડાં કાઢીને રિબેકાને આપ્યાં; અને તેણે તેના ભાઈને તથા તેની માને પણ કિંમતી જણસો આપી.

54 અને તેણે ને તેની સાથે જે માણસ હતા તેઓએ ખાધુંપીધું, ને તેઓ આખી રાત ત્યાં રહ્યા; અને તેઓ સવારે ઊઠયા ત્યારે તેણે કહ્યું, “મને મારા ધણીને ત્યાં જવાને વિદાય કરો.”

55 નઅએ તેના ભાઈએ તથા માએ કહ્યું, “કન્યાને અમારી સાથે થોડા દિવસ, ઓછામાં ઓછા દસેક દિવસ, રહેવા દો; ત્યાર પછી તે આવશે.”

56 પણ તેણે તેઓને કહ્યું, “યહોવાએ મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહિ; મને વિદાય કરો કે હું મારા ધણી પાસે જાઉં.”

57 અને તેઓએ કહ્યું, “અમે કન્યાને બોલાવીને મોઢામોઢ પૂછીએ.”

58 અને તેઓએ રિબકાને બોલાવીને તેને પૂછયું, “શું તું આ માણસ સાથે જશે?” અને તેણે કહ્યું, “હું જઈશ.”

59 અને તેઓએ પોતાની બહેન રિબકાને તથા તેની દાઈને તથા ઇબ્રાહિમના દાસને તથા તેના માણસોને વિદાય કર્યાં.

60 અને તેઓએ રિબકાને આશીર્વાદ દઈને કહ્યું, “અમારી બહેન, તું કરોડોની મા થજો, ને તારાં સંતાન પોતાના વેરીઓની ભાગળ કબજે કરો.”

61 અને રિબકા તથા તેની દાસીઓ ઊઠીને ઊંટ પર બેઠી, ને તે માણસની પાછળ ચાલી. એમ ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે ચાલ્યમ ગયો.

62 અને ઇસહાક બેર-લાહાય-રોઈને માર્ગે ચાલતો આવ્યો, કેમ કે તે નેગેબ દેશમાં રહેતો હતો.

63 અને ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો; અને તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ ઊંટો આવતાં હતાં.

64 અને રિબકાએ આંખો ઊંચી કરીને ઇસહાકને જોયો, ત્યારે તે ઊંટ પરથી ઊતરી પડી.

65 અને તેણે ચાકરને પૂછયું, “આપણને મળવાને આ કોણ ખેતરમાં આવે છે?” અને ચાકરે કહ્યું, “તે મારા ધણી છે.” અને રિબેકાએ પોતાનો બુરખો લઈને ઓઢયો.

66 અને દાસે જે કહ્યું હતું તે સર્વ તેણે ઇસહાકને કહી સંભળાવ્યું.

67 અને ઇસહાકને તેને પોતાની મા સારાના તંબુમાં લાવ્યો, ને તેણે‍રિબકાને લીધી, ને તે તેની પત્ની થઈ. અને તેણે તેના પર પ્રેમ કર્યો; અને ઇસચહાક પોતાની માના મરણ પછી દિલાસો પામ્યો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan