Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઉત્પત્તિ 18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વરે ઇબ્રાહિમને પુત્રનું વચન આપ્યું

1 અને બપોરને વખતે તે તંબુના બારણાંમાં બેઠો હતો ત્યારે યહોવાએ મામરેનાં એલોન ઝાડની પાસે તેને દર્શન આપ્યું.

2 અને તેણે આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, ત્રણ પુરુષ તેની પાસે ઊભા હતા. અને તેઓને જોઈને તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડયો, ને પ્રણામ કરીને

3 કહ્યુ, “મારા સ્વામી, જો તમારી દષ્ટિમાં હું હવે કૃપા પામ્યો હોઉં, તો તમે તમારા દાસ પાસેથી જતા ન રહેશો;

4 હવે થોડું પાણી લાવવા દો, ને તમે પગ ધુઓ, ને ઝાડ નીચે આરામ લો.

5 અને હું થોડી રોટલી લાવું, ને તમે તમારાં મન ખુશ કરો; પછી તમે આગળ જજો; કેમ કે એ જ માટે તમે તમારા દાસ પાસે આવ્યા છો. અને તેઓએ કહ્યું, “જેમ તેં કહ્યું છે તેમ કર.”

6 અને ઇબ્રાહિમે સારાની પાસે તંબુમાં ઉતાવળે જઈને કહ્યું, “ત્રણ માપ મેંદો ઉતાવળે મસળ, ને રોટલી તૈયાર કર.”

7 અને ઢોર હતાં ત્યાં ઇબ્રાહિમ દોડી ગયો, ને એક સારું ને કુમળું વાછરડું લાવીને તેણે નોકરને આપ્યું; અને તે વહેલો વહેલો તૈયાર કરવા મંડી ગયો.

8 અને તેણે માખણ તથા દૂધ તથા જે વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યાં; અને પોતે તેઓની પાસે ઝાડ નીચે ઊભો રહ્યો, ને તેઓએ ખાંધું.

9 પછી તેઓએ તેને કહ્યું, “તારી પત્ની સારા ક્યાં છે?” તેણે કહ્યું, “જુઓ, તે તંબુમાં છે.”

10 અને યહોવાએ કહ્યું, “હું ખચીત સમય આવ્યે તારી પાસે પાછો આવીશ. અને, જો, તારી પત્ની સારાને દીકરો થશે.” અને તેની પાછળ તંબુનું બારણું હતું ત્યાંથી સારાએ તે સાંભળ્યું.

11 હવે ઇબ્રાહિમ તથા સારા ઘરડાં હતાં ને તેઓને બહુ વર્ષ થયાં હતાં. અને સારાને સ્‍ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું.

12 અને સારા મનમાં હસી ને બોલી, “હું ઘરડી થઈ, ને મારો પતિ પણ ઘરડો છે, તો હવે શું મને હર્ષ પ્રાપ્ત થાય?”

13 અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું, “સારા એ વાત કહેતાં કેમ હસી કે, શું હું મારા ઘડપણમાં ખચીત દિકરાને જન્મ આપીશ?

14 યહોવાને શું કંઇ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ, ને સારાને દીકરો થશે.”

15 ત્યારે સારાએ નકાર કરીને કહ્યું, “હું તો હસી નથી;” કેમ કે તે બીધી. પણ તે બોલ્યા, “હા; તું ખચીત હસી.”


ઇબ્રાહિમ સદોમને માટે મધ્યસ્થી કરે છે

16 અને તે પુરુષો ત્યાંથી ઊઠયા, ને તેઓએ સદોમની તરફ જોયું; અને ઇબ્રાહિમ તેઓને વળાવવા તેઓની સાથે ગયો.

17 અને યહોવાએ કહ્યું, “જે હું કરું છું તે શું ઇબ્રાહિમથી સંતાડું?

18 કેમ કે ઇબ્રાહિમથી ખચીત મોટી તથા સમર્થ દેશજાતિ ઉત્પન્‍ન થશે, ને તેનાથી પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે.

19 કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દિકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે, તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે; એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે, તે તે તેને આપે.”

20 અને યહોવાએ કહ્યુમ, “સદોમ તથા ગમોરાનો બુમાટો મોટો છે, ને તેઓનાં પાપ અધોર છે,

21 માટે હું હવે ઊતરીશ ને જોઈશ કે જે બૂમ મને પહોંચી છે તે પ્રમાણે તેઓનં બધાં કામ થયાં છે કે નહિ; અને એમ નહિ હોય, તો માલૂમ પડશે.”

22 અને તે પુરુષો ત્યાંથી વળીને સદોમ તરફ ગયા; પણ ઇબ્રાહિમ યહોવાની આગળ હજુ ઊભો રહ્યો.

23 અને ઇબ્રાહિમ પાસે આવ્યો, ને બોલ્યો, “શું તમે દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો?”

24 કદાચ તે નગરમાં પચાસ ન્યાયી હોય; તો શું તમે તેનો નાશ કરશો, ને તેમાંના પચાસ ન્યાયીને લીધે તે જગા નહિ બચાવો?

25 એવી રીતે કરવું તમારાથી દૂર થાઓ, એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો, અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા; એ તમારાથી દૂર થાઓ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?”

26 અને યહોવાએ કહ્યું, “જો સદોમ નગરમાં પચાસ ન્યાયી મળે, તો તેઓને માટે હું એ આખી જગા બચાવીશ.”

27 અને ઇબ્રાહિમ બોલ્યો, “જો હવે હું ધૂળ તથા રાખ છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરું છું:

28 કદાચ પચાસ ન્યાયીમાં પાંચ ઓછા હોય; તો શું પાંચની ખોટને લીધે તમે તે નગરનો નાશ કરશો?” અને પ્રભુ બોલ્યા, “જો મને પિસ્તાળીસ મળે, તોયે હું તેનો નાશ નહિ કરીશ.”

29 અને ઇબ્રાહિમે ફરી પ્રભુને કહ્યું, “કદાચિત ત્યાં ચાળીસ મળે તો?” ત્યારે યહોવાએ કહ્યું, “ચાળીસને લીધે પણ હું એમ નહિ કરીશ.”

30 અને ઇબ્રાહિમે કહ્યું, “યહોવાને રોષ ન‍ ચઢે, તો હું ફરી બોલું:કદાચિત ત્યાં ત્રીસ મળે તો?” પ્રભુએ કહ્યું, “જો ત્યાં ત્રીસ મળે, તોયે હું એમ નહિ કરીશ.”

31 અને ઇબ્રાહિમે કહ્યું, “હવે જો, મેં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરી છે; કદાચિત ત્યાં વીસ મળે તો?” પ્રભુએ કહ્યું, “વીસને લીધે પણ હું તેનો નાશ નહિ કરીશ.”

32 અને ઇબ્રાહિમે કહ્યું, “પ્રભુને રોષ ન ચઢે, તો હું ફરીથી એક જ વાર બોલું, “કદાચિત ત્યાં દશ જ મળે તો?” પ્રભુએ કહ્યું, “દશને લીધે પણ હું તેનો નાશ નહિ કરીશ.”

33 અને યહોવા ઇબ્રાહિમની સાથે વાત પૂરી કરીને ચાલ્યા ગયા, અને ઇબ્રાહિમ પોતાને ત્યાં પાછો આવ્યો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan