Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગલાતીઓ 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે હું કહું છું કે, વારસ જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી સર્વનો માલિક છતાં પણ તેનામાં ને દાસમાં કંઈ પણ ફેર નથી.

2 પણ પિતાએ ઠરાવેલી મુદત સુધી તે વાલીઓ તથા કારભારીઓને આધીન છે.

3 એ પ્રમાણે આપણે પણ જયારે બાળક હતા, ત્યારે જગતનાં તત્ત્વોને તાબે રહીને દાસત્વમાં હતા.

4 પણ સમય પૂરો થયો, ત્યારે ઈશ્વરે સ્‍ત્રીથી જન્મેલો, અને નિયમને આધીન જન્મેલો, એવો પોતાનો પુત્ર મોકલ્યો,

5 એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે કે, તેથી આપણે તેમના પુત્રો તરીકે ગણાઈએ.

6 અને તમે પુત્રો છો, એ માટે ઈશ્વરે આપણાં હ્રદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે ‘આબ્બા, પિતા, એમ કહીને હાંક મારે છે.

7 એ માટે હવેથી તું દાસ નથી, પણ પુત્ર છે; અને જો તું પુત્ર છે, તો ઈશ્વરને આશરે વારસ પણ છે.


ગલાતીઓ માટે પાઉલની કાળજી

8 પણ તે વખતે તમે ઈશ્વર વિષે અજાણ્યા હોવાથી, જેઓ ખરેખર ઈશ્વર નથી તેઓના દાસ હતા.

9 પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા ખરું કહેતાં ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળાં તથા નિર્માલ્ય જેવાં તત્વોના દાસત્વની ફરીથી ઇચ્છા રાખીને, તેઓની તરફ બીજી વાર શા માટે ફરો છો

10 તમે [અમુક] દિવસો, મહિનાઓ, તહેવારો તથા વરસો [નાં પર્વો] પાળો છો.

11 તમારે વિષે મને ભય રહે વિષે છે, રખેને કદાચ તમારે માટે લીધેલો મારો શ્રમ વ્યર્થ જાય.

12 હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, તમે મારા જેવા થાઓ, કેમ કે હું તમારા જેવો થયો છું. તમે મારો કંઈ અન્યાય કર્યો નથી.

13 પણ તમે જાણો છો કે, શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી.

14 અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહિ; પણ જાણે કે હું ઈશ્વરનો દૂત હોઉં, બલકે હું ઈસુ ખ્રિસ્ત હોઉં, તેમ તમે મારો અંગીકાર કર્યો.

15 ત્યારે તે તમારી મુબારકબાદી કયાં [ગઈ] ? કેમ કે હું તમારે વિષે સાક્ષી આપું છું કે, જો બની શકત, તો તમે તમારી આંખો કાઢીને મને આપત.

16 ત્યારે શું તમને સાચું કહેવાથી હું તમારો દુશ્મન થયો છું?

17 તેઓ તમારો વસીલો શોધે છે, પણ નેક દાનતથી નહિ, પણ તમે તેઓનો વસીલો શોધનારા થાઓ એ માટે તેઓ તમને જુદા પાડવા ચાહે છે.

18 પણ તમારો વસીલો સારા કામને માટે હંમેશા શોધવામાં આવે તો તે સારું છે, અને હું તમારી સાથે હાજર હોઉં ત્યારે જ માત્ર નહિ.

19 હે મારાં નાનાં છોકરાં, ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્‍ન થાય, ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાના જેવી વેદના થાય છે,

20 પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની ઢબ બદલવાની મને ઇચ્છા થાય છે; કેમ કે તમારે વિષે હું ગૂંચવણમાં પડયો છું.


હાગાર અને સારાનો દાખલો

21 નિયમ [શાસ્‍ત્ર] ને આઘીન રહેવાની ઇચ્છા રાખનારાઓ, મને કહો કે, શું તમે નિયમ [શાસ્‍ત્ર] સાંભળતા નથી?

22 કેમ કે એમ લખેલું છે કે ઇબ્રાહિમને બે દીકરા હતા એક દાસીનો અને બીજો પરણેતરનો.

23 પણ જે દાસીનો તે કુદરતી નિયમ પ્રમાણે જન્મેલો, અને જે પરણેતરનો તે વચનથી [જન્મેલો].

24 તેઓ તો ઉપમારૂપ છે: કેમ કે એ [સ્‍ત્રીઓ જાણે] બે કરાર છે: એક તો સિનાઈ પહાડ પરનો, તેને દાસત્વને અર્થે સંતાન થાય છે, અને તે તો હાગાર છે.

25 હવે હાગાર તો [જાણે] અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે, અને તે હાલના યરુશાલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાનાં છોકરાં સહિત દાસત્વમાં છે.

26 પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે.

27 કેમ કે લખેલું છે, “હે વંઝા, જેને સંતતિ થતી નથી, તે તું આનંદ કર; જેને પ્રસૂતિવેદના થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને વર છે તેના કરતાં એકલી મુકાયેલી સ્‍ત્રીનાં સંતાન વધારે હોય છે.”

28 હવે, હે ભાઈઓ, આપણે ઇસહાકની જેમ વચનનાં છોકરાં છીએ.

29 પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો, તેમ હમણાં પણ છે.

30 પણ પવિત્રલેખ શું કહે છે? “દાસીને તથા તેના પુત્રને કાઢી મૂક, કેમ કે દાસીના પુત્રને પરણેતરના પુત્રની સાથે વારસો મળશે નહિ.”

31 માટે, ભાઈઓ, આપણે દાસીનાં છોકરાં નથી, પણ પરણેતરનાં છીએ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan