ગલાતીઓ 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)વિશ્વાસનું મહત્વ 1 ઓ અણસમજુ ગલાતીઓ, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલા સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યા હતા એમ છતાં તમને કોણે ભરમાવ્યા? 2 તમારી પાસેથી હું એટલું જ જાણવા ચાહું છું કે, તમે નિયમની કરણીઓથી [પવિત્ર] આત્મા પામ્યા કે, વિશ્વાસથી સુવાર્તા સાંભળી તેથી પામ્યા? 3 શું તમે એટલા બધા અણસમજુ છો? આત્મા વડે આરંભ કરીને શું હવે દેહ વડે સંપૂર્ણ થાઓ છો? 4 શું તમે એટલાં બધાં સંકટ વૃથા સહ્યાં? જો કદાચ વૃથા હોય તો. 5 વળી જે તમને [પવિત્ર] આત્મા આપે છે, અને તમારામાં ચમત્કારો કરે છે, તે શું નિયમની કરણીઓને લીધે કે [સુવાર્તા] સાંભળીને વિશ્વાસ કરવાને લીધે [કરે છે] ? 6 એ પ્રમાણે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, અને એ [વિશ્વાસ] તેને લેખે ન્યાયીપણા તરીકે ગણાયો. 7 માટે તમારે એમ જાણવું કે જેઓ વિશ્વાસ કરનારા છે. તેઓ ઇબ્રાહિમના દીકરા છે. 8 વળી ઈશ્વર વિશ્વાસથી વિદેશીઓને ન્યાયી ઠરાવશે, એ અગાઉથી જાણીને પવિત્રશાસ્ત્રે ઇબ્રાહિમને અગાઉથી સુવાર્તા પ્રગટ કરી, “તારી મારફતે સર્વ પ્રજાઓ આશીર્વાદ પામશે.” 9 એ માટે જેઓ વિશ્વાસ કરનારા છે, તેઓ વિશ્વાસુ ઇબ્રાહિમની સાથે આશીર્વાદ પામે છે. 10 કેમ કે જેટલા નિયમની કરણીઓવાળા છે, તેટલા શાપ નીચે છે. કેમ કે એમ લખેલું છે, “નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.” 11 તો નિયમથી ઈશ્વરની આગળ કોઈ પણ માણસ ન્યાયી ઠરતું નથી એ ખુલ્લું છે. કેમકે, “ન્યાયી વિશ્વાસથી જીવશે.” 12 પણ નિયમ વિશ્વાસને આધારે નથી; પણ આવો છે, “જે કોઈ તેમાંની [આજ્ઞાઓ] પાળશે, તે તેઓ વડે જીવશે.” 13 ખ્રિસ્તે આપણી વતી શાપિત થઈને, નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે એમ લખેલું છે, “જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે.” 14 એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં વિદેશીઓને મળે, અને આપણે [પવિત્ર] આત્મા વિષેનું વચન વિશ્વાસથી પામીએ. નિયમશાસ્ત્ર અને વરદાન 15 ભાઈઓ, હું માણસની રીત પ્રમાણે કહું છું કે, માણસનો કરાર પણ જો નકકી થયેલો હોય તો તેને કોઈ રદ કરતો નથી અથવા તેમાં વધારો કરતો નથી. 16 હવે ઇબ્રાહિમને તથા તેના સંતાનને વચનો આપવામાં આવ્યાં હતાં. તેનાં સંતાનોને, જાણે ઘણાં વિષે [બોલતા હોય] એમ ઈશ્વર બોલતા નથી. પણ એક વિષે બોલતા હોય તેમ બોલે છે, “તારા સંતાનને” એટલે તે ખ્રિસ્ત [વિષે બોલે છે.] 17 હવે હું આ કહું છું કે, જે કરાર ઈશ્વરે અગાઉથી નકકી કરેલો હતો તેને ચારસો ત્રીસ વરસ પછી થયેલો નિયમ રદ કરીને તેમનું વચન વૃથા કરી શકતો નથી. 18 કેમ કે જો વારસો નિયમથી હોય, તો તે વચનથી નથી. પણ ઈશ્વરે વચનથી જ ઇબ્રાહિમને તે આપ્યો. 19 તો નિયમ શા કામનો છે? જે સંતાનને વચન આપવામાં આવ્યું છે તે આવે ત્યાં સુધી તે [નિયમ] ઉલ્લંઘનોને લીધે આપવામાં આવ્યો હતો. અને તે મધ્યસ્થદ્વારા દૂતોની મારફતે ફરમાવેલો હતો. 20 હવે મધ્યસ્થ તો માત્ર એકનો [મધ્યસ્થ] નથી; પણ ઈશ્વર તો એક છે. નિયમશાસ્ત્ર આપવાનો હેતુ 21 ત્યારે શું નિયમ ઈશ્વરનાં વચનોથી વિરુદ્ધ છે? કદી નહિ, કેમ કે જીવન આપી શકે એવો કોઈ નિયમ આપવામાં આવ્યો હોત, તો ખરેખર નિયમ [શાસ્ત્ર] થી ન્યાયીપણું મળત. 22 પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી વિશ્વાસ કરનારાઓને વચન આપવામાં આવે, માટે પવિત્રશાસ્ત્રે બધાંને પાપને તાબે બંધ કર્યાં. 23 પણ આ વિશ્વાસ આવ્યા પહેલાં, આપણે નિયમને આધીન રહીને, જે વિશ્વાસ પાછળથી પ્રગટ થનાર હતો, તેને અર્થે આપણને અંકુશમાં રાખવામાં આવ્યા હતા. 24 આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ, માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા માટે નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતો. 25 પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળશિક્ષકના હાથ નીચે નથી. 26 કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઈશ્વરના દીકરા છો. 27 કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધા. 28 માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્ત્રી કોઈ નથી; કેમ કે તમે બધાં ખ્રિસ્તમાં એક છો. 29 અને જો તમે ખ્રિસ્તનાં છો, તો તમો ઇબ્રાહિમનાં સંતાન, અને વચન પ્રમાણે વારસ પણ છો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India