એઝરા 7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)એઝરાનું યરુશાલેમમાં આગમન 1 એ પછી ઈરાનના રાજા આર્તાહશાસ્તાની કારકિર્દીમાં, મુખ્ય યાજક હારુનના પુત્ર એલાઝારના પુત્ર ફીનહાસના પુત્ર 2 અબિશુઆના પુત્ર બુક્કીના પુત્ર ઉઝ્ઝીના પુત્ર 3 ઝરાહ્યાના પુત્ર મરાયોથના પુત્ર અઝાર્યાના પુત્ર 4 અમાર્યાના પુત્ર અહિટૂબના પુત્ર સાદોકના પુત્ર 5 શાલ્લૂમના પુત્ર હિલ્કિયાના પુત્ર અઝાર્યના પુત્ર સરાયાનો પુત્ર એઝરા 6 બાબિલથી ત્યાં ગયો. ઇઝરાયલના ઈશ્વર યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો. વળી તેના પર યહોવાની કૃપા હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી. 7 ઇઝરાયલી લોકોમાંના કેટલાક યાજકો લેવીઓ, ગવૈયાઓ, દ્વારપાળો તથા નથીનીમની સાથે 8 આર્તાહશાસ્તા રાજાની કારકીર્દીના સાતમાં વર્ષના પાંચમા માસમાં તે યરુશાલેમ પહોંચ્યો. 9 તેણે પહેલા માસની પહેલી તારીખે બાબિલથી મુસાફરી શરૂ કરી. તે પોતાના ઈશ્વરની કૃપાથી પાંચમા માસની પહેલી તારીખે યરુશાલેમ આવી પહોચ્યો. 10 કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં, તથા ઈઝરાયલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું. સમ્રાટ આર્તાહશાસ્તાએ એઝરા દ્વારા પાઠવેલો વટહુકમ 11 હવે એઝરા યાજક યહોઆની આજ્ઞાઓનો તથા ઇઝરાયલીઓને આપેલા પ્રભુના વિધિઓનો શાસ્ત્રી હતો, તેને જે પત્ર આર્તાહશાસ્તા રાજાએ આપ્યો હતો તની નકલ આ છે: 12 “આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રના શાસ્ત્રી એઝરા યજક જોગ, રાજાધિરાજ આર્તાહશાસ્તા. ક્ષેમકુશળ વગેરે. 13 હું એવો હુકમ કરું છું કે, મારા રાજ્યમાના ઇઝરાયલી લિકમાંણા સર્વ જનો તથા તેઓના યાજકો તથા લેવીઓ, એટલે જેટલા પોતાની રાજીખુશીથી યરુશાલેમ જવા ઇચ્છતા હોય, તેઓ તારી સાથે જાય. 14 રાજા તથા તેના સાત મંત્રીઓએ તને એ માટે મોકલ્યો છે કે, તારા હાથમાં તારા ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર છે તે પ્રમાણે યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી તું તપાસ કરે. 15 અને યરુશાલેમમાં ઇઝરાયલના જે ઈશ્વરનો નિવાસ છે, તેને રાજાએ તથા તેના મંત્રીઓએ ઉદારતાથી જે સોનુંરૂપું આપ્યું છે તે, 16 અને લોકોએ તથા યાજકોએ યરુશાલેમમાંના પોતાના ઈશ્વરના મંદિરને માટે ઐચ્છિકાર્પણોમાં રાજીખુશીથી જે કંઈ અર્પણ કર્યુ હોય તે, અને આખા બાબિલ પ્રાંતમાંથી સર્વ સોનુંરૂપું તને મળી આવે તે તું લઈ જાય. 17 એ પૈસાથી ગોધા, મેંઢા, હલવાનો, તેઓનાં ખાદ્યાર્પણો તથા તેઓનાં પેયાર્પણો પણ બનતી તાકીદે ખરીદીને યરુશાલેમમાં તારા ઈશ્વરનું જે મંદિર છે તેની વેદી પર તેઓનું તારે અર્પણ કરવું. 18 જે સોનુંરૂપું બાકી રહે તે તારા ઈશ્વરની ઇચ્છા ધ્યાનમાં રાખીને તને તથા તારા ભાઈઓને યોગ્ય લાગે તેમ ખરચવું. 19 એ પાત્રો તારા ઈશ્વરના મંદિરની સેવાને માટે તને આપેલાં છે, તે પણ તારે યરુશાલેમના ઈશ્વરની હજૂરમાં રજૂ કરવાં. 20 તારા ઈશ્વરની મંદિરની જરૂરિયાત પ્રમાણે એથી પણ વધારે અર્પણો કરવાનો પ્રસંગ આવે, તો તારે રાજાના ભંડારમાંથી તે ખરચવું. 21 હું આર્તાહશાસ્તા રાજા નદી પારના સર્વ ખજાનચીઓને આથી હુકમ કરું છું કે, એઝરા યાજક, જે આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રનો શાસ્ત્રી છે, તે તમને જે કંઈ કરવાનું કહે તે બનતી તાકીદે તમારે કરવું. 22 સો તાલંત રૂપા સુધી, સો માપ ઘઉં સુધી, સો બાથ દ્રાક્ષારસ સુધી તથા સો બાથ તેલ સુધી, અને મીઠું તો મોંમાગ્યું [આપવું]. 23 આકાશના ઈશ્વરની જે કંઈ આજ્ઞા હોય, તે પ્રમાણે આકાશના ઈશ્વરના મંદિરને માટે પૂરેપૂરું કરવું; કેમ કે રાજાના રાજ્ય ઉપર તથા તેના પુત્રો ઉપર શા માટે ઈશ્વરનો કોપ લાવવો જોઈએ? 24 અમે તમને જણાવીએ છીએ કે, સર્વ યાજકો, લેવીઓ, ગવૈયાઓ, દ્વારપાળો, નથીનીમ કે ઈશ્વરના આ મંદિરના બીજા સેવકો પાસેથી ખંડણી, કર કે જકાત લેવી તે કાયદા વિરુદ્ધ ગણાશે. 25 તું એઝરા, તારા ઈશ્વરનું જે જ્ઞાન તને પ્રાપ્ત થયેલું છે તે પ્રમાણે અમલદારો તથા ન્યાયાધીશો ઠરાવજે કે, નદી પારના જે લોક તારા ઈશ્વરના નિયમો જાણનારા છે, તે સર્વનો ન્યાય તેઓ કરે; અને જે કોઈ તે નિયમોથી અજાણ હોય તેને તારે શીખવવું. 26 વળી જે કોઈ તારા ઈશ્વરના નિયમનું તથા રાજાના કાયદાનું ઉલ્લંઘન કરે તેને તારે તાકીદે સજા કરવી, પછી તે મોતની, દેશનિકાલની, માલ-મિલકતની, જપતીની કે કેદની [સજા] હોય તોપણ [તે તારે કરવી].” એઝરા ઈશ્વરની સ્તુતિ કરે છે 27 આપણા પૂર્વજોના ઈશ્વર યહોવાને ધન્ય હો કે જેમણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરુશાલેમમાં યહોવાનું જે મંદિર છે તેને સુશોભિત કરવું. 28 ઈશ્વરે રાજાની, તેના મંત્રીઓની તથા રાજાના સર્વ પરાક્રમી સરદારોની મારફત મારા પર કૃપાર્દષ્ટિ કરી છે. મારા ઈશ્વર યહોવાનો હાથ મારા પર હતો, તેથી હું બળવાન થયો, ને મેં ઇઝરાયલમાંથી મારી સાથે આવવાને મુખ્ય પુરુષોને ભેગા કર્યા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India