એઝરા 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સમ્રાટ કોરેશનો વટહુકમ મળી આવ્યો 1 દાર્યાવેશ રાજાએ બાબિલના ભંડારોના દફતરખાનામાં શોધ કરવાનો હુકમ કર્યો. 2 ત્યારે માદાય પ્રાંતના એકબાતાનાના મહેલમાંથી એક લેખ મળી આવ્યો. 3 તેમાં આ પ્રમાણે લખેલું હતું: “કોરેશ રાજાએ પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં ઠરાવ કરીને હુકમ કર્યો કે, યરુશાલેમમાંના ઈશ્વરના મંદિર વિષે [હુકમ છે કે] જે મકાનમાં લોકો યજ્ઞાર્પણ કરે છે તે મંદિર બાંધવું, તેના પાયા મજબૂત નાખવા. તેની ઊંચાઈ તથા ચોડાઈ સાઠ સાઠ હાથ રાખવી. 4 મોટા પથ્થરની ત્રણ હારો; અને નવા લાકડાની એક હાર [રાખવી] ; અને તેનો ખરચ રાજ્યના ભંડારમાંથી આપવો. 5 વળી ઈશ્વરના મંદિરનાં સોનારૂપાનાં જે પાત્રો નબૂખાદનેસ્સાર યરુશાલેમનાં મંદિરમાંથી કાઢીને બાબિલ લઈ ગયો, તે યરુશાલેમમાંના મંદિરમાં તેમને પોતપોતાની જગાએ પાછા મૂકવાં. મંદિરનું કામ ચાલુ રાખવા સમ્રાટ દાર્યાવેશનો હુકમ 6 નદી પારના સૂબા તાત્તનાયે, શથાર-બોઝનાયે તથા નદીની પેલી પારના તમારા સંગાથી અફાર્સાથ્ખાયેઓએ, ત્યાંથી દૂર રહેવું. 7 ઈશ્વરના એ મંદિરના કામને તમારે છેડવું નહિ. યહૂદિઓનો સૂબો તથા યહૂદિઓના વડીલો એ મંદિર અસલ જગાએ બાંધે. 8 વળી, ઈશ્વરનું એ મંદિર બાંધવા માટે યહૂદિઓના વડીલોને તમારે શી મદદ કરવી, તે વિષે હું હુકમ કરું છું કે, રાજ્યની મિલકતમાંથી, એટલે નદી પારના દેશની ખંડણીમાંથી, એ માણસોને બનતી તાકીદે ખરચ આપવો કે, તેઓને અટકાવ ન થાય. 9 વળી તેઓને જે કોઈ ચીજની જરૂર હોય તે. એટલે આકાશના ઈશ્વરનાં દહનીયાર્પણોને માટે જુવાન ગોધા, મેંઢા તથા હલવાનો, તેમ જ યરુશાલેમના યાજકોના કહેવા પ્રમાણે, ઘઉં, મીઠું, દ્રક્ષારસ ને તેલ, તેઓને પ્રતિદિન અચૂક આપવાં. 10 જેથી તેઓ આકાશના ઈશ્વરની આગળ સુવાસિત યજ્ઞો કરે, અને રાજાના તથા તેના પુત્રોના દીર્ધાયુષ્યને માટે પ્રાર્થના કરે. 11 વળી મેં એવો હુકમ કર્યો છે કે, જે કોઈ આ હુકમનું ઉલ્લંઘન કરે તેને તેના ઘરમાંથી એક મોભની શૂળી બનાવીને તેના પર તેને ચઢાવી દેવો, અને તેના ઘરનો ઉકરડો કરી નાખવો. 12 યરુશાલેમમાં જે મંદિરમાં ઈશ્વરે પોતાનું નામ કાયમ રાખ્યું છે તેમાં ફેરફાર કરવાને અથવા તેનો નાશ કરવાને જે રાજાઓ કે પ્રજાઓ પ્રયત્નો કરે તેઓનો નાશ તે ઈશ્વર કરો! હું દાર્યાવેશ આ હુકમ કરું છું; તેનો બનતી તાકીદે અમલ કરવો.” મંદિરની પ્રતિષ્ઠા 13 નદીની પેલી પારના સૂબા તાત્તનાયે, શથાર-બોઝનાયે તથા તેના સંગાથીઓએ, દાર્યાવેશ રાજાએ ફરમાવ્યા પ્રમાણે આ હુકમનો બનતી કોશિશે અમલ કર્યો. 14 હાગ્ગાય પ્રબોધકના તથા ઈદ્દોના પુત્ર ઝખાર્યાના પ્રબોધથી યહૂદિઓના વડીલો બાંધતા ગયા ને તેમાં આબાદી પામતા ગયા. ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા પ્રમાણે, ને કોરેશ. દાર્યાવેશ તથા ઈરાનના રાજા આર્તાહશાસ્તાના ઠરાવ પ્રમાણે, તેઓએ બાંધકામ સમાપ્ત કર્યું. 15 દાર્યાવેશ રાજાના રાજ્યના છઠ્ઠા વર્ષમાં, અદાર માસને ત્રીજે દિવસે, એ મંદિર પૂરેપૂરું બંધાઈ રહ્યું. 16 ઇઝરાયલી લોકોએ, યાજકોએ, લેવીઓએ તથા બંદીવાસમાંથી આવેલા બાકીના લોકોએ ઈશ્વરના આ મંદિરનું પ્રતિષ્ઠાપર્વ આનંદથી પાળ્યું. 17 ઈશ્વરના એ મંદિરના પ્રતિષ્ઠપર્વ પર તેઓએ એકસો ગોધા, બસો મેંઢા, ચારસો હલવાન તથા ઇઝરાયલી લોકોના કુળોની સંખ્યા પ્રમાણે બાર બકરા સર્વ ઇઝરાયલીઓને માટે પાપાર્થાર્પણને માટે ચઢાવ્યા. 18 મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે, યરુશાલેમના ઈશ્વરની સેવા કરવાને તેઓએ યાજકોને તેઓના વિભાગો પ્રમાણે, તથા લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે નીમ્યા. પાસ્ખાપર્વની ઉજવણી 19 બંદીવાસમાંથી આવેલા લોકોએ પહેલા માસને ચૌદમે દિવસે પાસ્ખાપર્વ પાળ્યું. 20 યાજકોએ પોતાને પવિત્ર કર્યા હતા; તેઓ સર્વ પવિત્ર હતા. બંદિવાસમાંથી આવેલા સર્વ લોકોને માટે, તથા પોતાને માટે લેવીઓએ પાસ્ખા કાપ્યું. 21 બંદીવાસમાંથી પાછા આવેલા ઇઝરાયલી લોકોએ, તથા દેશના મૂર્તિપૂજકોના મલિનપણાથી અલગ થઈને ઇઝરાયલના ઈશ્વર યહોવાની ઉપાસના કરવા માટે સામેલ થયેલા સર્વએ તે ખાધું, 22 તથા સાત દિવસ સુધી બેખમીર રોટલીનું પર્વ આનંદથી પાળ્યું, કારણ કે યહોવાએ તેઓને આનંદિત કર્યા હતા, અને ઇઝરાયલના ઈશ્ચરના મંદિરના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે, ઈશ્વરે આશૂરના રાજાના મનમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India