હઝકિયેલ 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યરુશાલેમને શિક્ષા 1 પછી તેણે મોટે અવાજે મારા કાનમાં પોકાર્યું, “નગરના અધિકારીઓને પોતપોતાનાં વિનાશક શસ્ત્ર પોતાના હાથમાં લઈને પાસે આવવાનું કહે.” 2 ત્યારે જુઓ, છ માણસ પોતપોતાનું સંહારક શસ્ત્ર હાથમાં લઈને ઉત્તર તરફ આવેલા ઉપલા દરવાજાને રસ્તેથી આવ્યા. અને તેઓની વચ્ચે શણનાં વસ્ત્ર પહેરીને એક માણસ ઊભો હતો, તેની કમરે લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો. તેઓ અંદર જઈને પિત્તળની વેદી પાસે ઊભા રહ્યા. 3 પછી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ કે જે કરૂબ ઉપર હતું તે ત્યાંથી ઊપડીને મંદિરના ઊમરા આગળ ગયું; અને તેણે પેલો શણનાં વસ્ત્ર પહેરેલો માણસ કે જેની કમરે લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો તેને બોલાવ્યો. 4 યહોવાએ તેને કહ્યું, “નગરમાં એટલે યરુશાલેમમાં, સર્વત્ર ફરીને જે માણસો તેમાં થતાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિસાસા નાખતા હોય તથા રડતા હોય તેઓનાં કપાળ પર ચિહ્ન કર.” 5 અને બાકીના બીજાઓને તેણે મારા સાંભળતાં કહ્યું, “તમે તેની પાછળ જઈને નગરમાં સર્વત્ર ફરીને સંહાર કરો. તમારી આંખ દરગુજર ન કરે, ને તમારે દયા પણ રાખવી નહિ; 6 વૃદ્ધ પુરુષોને, જુવાનોને તથા યુવતીઓને, ને નાનાં બાળકોને તથા સ્ત્રીઓને સંહારીને તેમનો નાશ કરો. પણ જે માણસ [ના કપાળ] પર ચિહ્ન હોય તેની નજીક તમે જતા નહિ. તમે મારા પવિત્રસ્થાનથી માંડીને શરૂઆત કરો.” ત્યારે તેઓએ [યહોવાના] મંદિર આગાળ જે વડીલો હતા તેમનાથી શરૂઆત કરી. 7 તેણે તેઓને કહ્યું, “મંદિરને ભ્રષ્ટ કરો, ને લાસોથી તેનાં આંગણાં ભરી કાઢો; નીકળી પડો, ” તેઓએ નીકળી પડીને નગરમાં કતલ ચલાવી. 8 તેઓ કતલ કરતા હતા, ને હું ત્યાં એકલો હતો, ત્યારે હું ઊંધો પડ્યો, ને પોકારીને મેં કહ્યું, “હે પ્રભુ યહોવા! શું યરુશાલેમ ઉપર તમારો કોપ વરસાવતાં બાકી રહેલા સર્વ ઇઝરાયલનો તમે નાશ કરશો? 9 ત્યારે તેમણે મને કહ્યું, “ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોની દુષ્ટતા અતિશય ભારે છે, ને દેશ ખૂનરેજીથી ને નગર અન્યાયથી ભરપૂર છે; કેમ કે તેઓ કહે છે, “યહોવાએ દેશને તજી દીધો છે, ને યહોવા દેશને જોતા નથી. 10 મારી આંખ તો દરગુજર કરશે નહિ ને હું દયા રાખીશ નહિ, પણ તેમને તેમનાં કૃત્યોનો બદલો આપીશ.” 11 પછી જુઓ શણનાં વસ્ત્ર પહેરેલો માણસ જેની કમરે શાહીનો ખડિયો લટકાવેલો હતો તેણે આ બાબત વિષે જાહેર કર્યું, “તેં મને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મેં કર્યું છે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India