Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મૂર્તિપૂજા માટે પ્રભુનો શાપ

1 પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું,

2 “હે મનુષ્યપુત્ર, તારું મુખ ઇઝરાયલના પર્વતો તરફ રાખીને તેમની વિરુદ્ધ એવું ભવિષ્ય કહે કે

3 હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ યહોવાનું વચન સાંભળો; પ્રભુ યહોવા પર્વતોને, ડુંગરોને, પાણીનાં નાળાંને તથા ખીણોને કહે છે કે, જુઓ, હું, હા, હું જ, તમારા પર તરવાર લાવીને તમારાં ઉચ્ચસ્થાનોનો વિનાશ કરીશ.

4 તમારી વેદીઓ ઉજ્જડ થશે, ને તમારી સૂર્યની મૂર્તિઓ ભાંગી નાખવામાં આવશે; અને હું તમારા કતલ થયેલા માણસોને તમારી મૂર્તિઓની આગળ નાખીશ.

5 ઇઝરાયલીઓની લાસો હું તેઓની મૂર્તિઓની આગળ નાખીશ; અને હું તમારા હાડકાં તમારી વેદીઓની આસપાસ વિખેરી નાખીશ.

6 તમારા સર્વ નિવાસસ્થાનોનાં નગરો ઉજ્જડ કરી મૂકવામાં આવશે, અને ઉચ્ચસ્થાનોનો નાશ થશે, જેથી તમારી વેદીઓ વેરાન થઈને ઉજ્જડ થશે, ને તમારી મૂર્તિઓ ભાંગી નાખીને તેમનો અંત આવશે, ને તમારી સૂર્યની મૂર્તિઓ કાપી નાખવામાં આવશે, ને તમારા બાંધકામોનો નાશ થશે.

7 કતલ થયેલાઓ તમારામાં પડશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

8 તથાપિ હું કેટલાકને જીવતા રહેવા દઈશ, એટલે તમે જુદા જુદા દેશોમાં વિખેરાઈ જશો ત્યારે તમારામાંના કેટલાક ત્યાંની પ્રજાઓમાં તરવારથી બચી જશે.

9 તમારામાંના જેઓ બચી જશે તેઓ, જે પ્રજાઓમાં તેઓને ગુલામ તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મારું સ્મરણ કરશે કે, મારાથી દૂર થઈ ગયેલા તેમના દુરાચારી હ્રદયથી, ને તમની મૂર્તિઓની પાછળ મોહિત થઈ જતી તેમની આંખોથી મારું હ્રદય કેવું ભંગ થયું છે! અને પોતે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્કર્મો તેઓએ કર્યા છે તેમને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.

10 ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું; અને હું તેમના પર આ આફત લાવીશ, એ મેં ફોકટ કહ્યું નથી.”

11 પ્રભુ યહોવ કહે‌ છે. “હાય અફાળીને તથા પગ પછાડીને કહે કે, ઇઝરાયલ પ્રજાના સર્વ ધિક્કારપાત્ર દુષ્કર્મોને લીધે તેમને અફસોસ! કેમ કે તેઓ તરવારથી, દુકાળથી તથા મરકીથી પાયમાલ થશે.

12 દૂર રહેનારા મરકીથી માર્યા જશે, ને પાસે રહેનારા તરવારથી નાશ પામશે, અને બાકી રહેલા જેમને ઘેરી લેવામા આવ્યા છે તેઓ દુકાળથી માર્યા જશે આ પ્રમાણે હું મારો ક્રોધ તેમના પર પૂરો કરીશ.

13 જ્યારે તેઓના કતલ થયેલા માણસો દરેક ડુંગર પર, પર્વતોના દરેક શિખેરો પર, દરેક લીલા વૃક્ષ નીચે, તથા દરેક ઘટાદાર એલોનવૃક્ષ નીચે, એટલે જે જે જગાએ તેઓ પોતાની સર્વ મૂર્તિઓની આગળ સુગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં, તેઓની વેદીઓની આસપાસ તેઓની મૂર્તિઓની સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

14 હું મારો હાથ તેમના પર લંબાવીને તેઓ જ્યાં જ્યાં રહે છે તે ભૂમિને દિબ્લા તરફના અરણ્ય કરતાં વધારે ઉજ્જડ તથા વેરાન કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan