હઝકિયેલ 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)હઝકિયેલ તરવારથી પોતાના વાળ કાપે છે 1 હે, મનુષ્યપુત્ર, એક હજામના અસ્ત્રા જેવી તીક્ષ્ણ તરવાર તું લે, ને તે લઈને તું તેને તારા માથા પર તથા તારી દાઢી પર ફેરવ; પછી ત્રાજવા લઈને વાળ તોડીને તેના ભાગ પાડ. 2 ઘેરાના દિવસ પૂરા થાય ત્યારે ત્રીજા ભાગના વાળ તારે નગરના મધ્ય ભાગમાં અગ્નિમાં બાળવા; અને ત્રીજા ભાગનાને લઈને તેમની આસપાસ તારે તરવારથી ઝટકા મારવા; અને ત્રીજા ભાગનાને તારે પવનમાં ઉડાવી દેવા, અને હું તેમની પાછળ તરવાર ખેંચીશ. 3 વળી તારે તેમાંથી થોડાક લઈને તારી ચાળમાં બાંધવા. 4 પછી એમાંથી ફરીથી કેટલાક તારે લેવા, ને તેમને અગ્નિમાં નાખીને બાળી દેવા, એમાંથી ઇઝરાયલની આખી પ્રજામાં અગ્નિ ફરી વળશે.” 5 પ્રભુ યહોવા કહે છે, “એ તો યરુશાલેમ છે; મેં તેને પ્રજાઓની મધ્યમાં સ્થાપ્યું છે, ને તેની આસપાસ ચારે તરફ [અન્ય] દેશો આવેલા છે. 6 યરુશાલેમ દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓના કરતાં વધારે બંડ, ને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના દેશો કરતાં વધારે બંડ કર્યું છે; કેમ કે તેઓએ મારા હુકમોનો અનાદર કર્યો છે, ને મારે વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા નથી.” 7 એ માટે પ્રભુ યહોવા કહે છે, “તમારી આસપાસની પ્રજાઓ કરતાં તમે વધારે હુલ્લડખોર છો, તમે મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી, ને મારા હુકમો પાળ્યા નથી, તેમ જ તમારી આસપાસની પ્રજાઓના નિયમો પ્રમાણે વર્તયા નથી. 8 તેથી પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, હું, હા, હુંજ, તમારી વિરુદ્ધ છું; અને હું પ્રજાઓના જોતાં તમારા પર ન્યાયશાસનનો અમલ કરીશ. 9 વળી તારાં સર્વ તિરસ્કારપાત્ર કૃત્યોને લીધે હું તારી એવી દુર્દશા કરીશ કે જેવી મેં કદી કોઈની કરી નથી, ને ફરીથી કોઈની પણ કદી કરીશ નહિ. 10 એ કારણથી તારા લોકોમાં પિતા પોતાના દીકરાને ખાશે, ને દીકરા પોતાના પિતાને ખાશે; અને હું તારા લોકોમાં ન્યાયશાસનનો અમલ કરીશ, ને તારા બાકી રહેલા સર્વને ચારે દિશાએ વિખેરી નાખીશ.” 11 એ માટે પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે, “તારી સર્વ ધિક્કારપાત્ર વસ્તુઓથી, ને તારા સર્વ તિરસ્કારપાત્ર કૃત્યોથી તેં મારું પવિત્રસ્થાન ભ્રષ્ટ કર્યું છે, તે કારણથી હું પણ નિશ્ચે તેન કાપી નાખીશ; અને હું ખામોશી રાખીશ નહિ. ને હું કંઈ પણ દયા બતાવીશ નહિ. 12 તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે, ને તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે; અને ત્રીજો ભાગ તારી આસપાસ તરવારથી પડશે; અને ત્રીજા ભાગને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, ને તેમની પાછળ તરવાર ખેંચીશ. 13 એવી રીતે મારો કોપ પૂરો થશે, ને તેમના પરનો મારો ક્રોધ હું સમાપ્ત કરીશ, ત્યારે મને નિરાંત વળશે; અને મારો કોપ હું તેમના પર પૂરો કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા મારા આવેશમાં બોલ્યો છું. 14 વળી તારી આસપાસની પ્રજાઓમાં પાસે થઈને સર્વ જનારાની નજરમાં હું તને વેરાન તથા મહેણારૂપ કરીશ. 15 એવી રીતે જ્યારે હું કોપમાં ને ક્રોધમાં, સખત ધમકીઓ સહિત તારા ઉપર ન્યાયશાસનનો અમલ કરીશ ત્યારે તે તારી આસપાસની પ્રજાઓને ધમકીરૂપ, મહેણારૂપ, ચેતવણીરૂપ તથા અચંબારૂપ થઈ પડશે; હું યહોવા એ બોલ્યો છું. 16 દુકાળના નાશકારક બાણો જે તમારો નાશ કરવા માટે છે, તે હું તેઓ પર મોકલીશ; અને હું તમારા પરના દુકાળની વુદ્ધિ કરીને તમારા આજીવિકાવૃક્ષનું ખંડન કરીશ. 17 હું તમારા પર દુકાળ તથા હિંસક શ્વાપદો મોકલીશ, ને તેઓ તને પરિવારહીન કરી નાખશે; અને તારા ઉપર મરકી તથા ખૂનરેજી ફરી વળશે. ને હું તારા પર તરવાર લાવીશ; હું યહોવા એ બોલ્યો છું.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India