Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 47 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મદિરમાંથી વહેતાં પાણી

1 પછી તે મને મંદિરના બારણા પાસે પાછો લાવ્યો; અને જુઓ, પુર્વ તરફ મંદિરના ઉંબરા નીચેથી પાણી વહેતાં હતાં, કેમ કે મંદિરનો મોખરો પૂર્વ તરફ હતો. તે પણી નીચેથી મંદિરની જમણી બાજુએથી વહીને વેદીની દક્ષિણે આવતાં હતાં.

2 ત્યાર પછી ઉત્તર તરફને દરવાજે થઈને તે મને બહાર લાવ્યો, ને બહારને માર્ગે થઈને ચક્કર ખવડાવીને પૂર્વ તરફના મુખવાળા બહારને દરવાજે મને લઈ ગયો; અને જુઓ, જમણી બાજુએ પાણી વહી જતાં હતાં.

3 તે માણસે માપવની દોરી હાથમાં લઈને પૂર્વ તરફ ચાલીને, એક હજાર હાથનું અંતર માપ્યું. તેણે મને પાણીમાં થઈને ચલાવ્યો, તે પાણી ઘૂંટીસમાં હતાં.

4 તેણે ફરીથી એક હજાર [હાથ] માપ્યું, ને મને પાણીમાં થઈને ચલાવ્યો, તે પાણી ઘૂંટણસમાં હતાં. ફરીથી તેણે એક હજાર [હાથ] માપ્યું; ને મને પાણીમાં થઈને ચલાવ્યો, તે પાણી કમરસમાં હતાં.

5 વળી તેણે એક હજાર [હાથ] માપ્યું. ત્યાં તો તે નદી એવી [ઊંડી] હતી કે, હું તેમાં થઈને જઈ શકું નહિ, કેમ કે પાણી વધીને કુબામણાં થઈ ગયાં હતાં, ને નદી પાર ઉતરાય એવી નહોતી.

6 પછી તેણે મને પૂછયું, “હે મનુષ્યપુત્ર, તેં [આ] જોયું કે?” પછી તે મને નદીને કાંઠે પાછો લઈ ગયો.

7 હું પાછો આવ્યો ત્યારે તો, જુઓ, નદીને બન્ને કાંઠે ઘણાં જ વૃક્ષ હતાં.

8 ત્યારે તેણે મને કહ્યું, “આ પાણી [અહીંથી] નીકળીને પૂર્વના પ્રદેશ તરફ વહે છે, ને નીચે જઈને અરાબાહમાં પડશે; અને તે સમુદ્ર તરફ જશે. વહેતા [પાણી] સમુદ્રમાં જશે; અને તેનાં પાણી મીઠાં થઈ જશે.

9 જ્યાં કહીં તે નદી જશે ત્યાંનાં સર્વ પ્રકારનાં પ્રાણીઓ જથાબંધ જીવશે. અને તેમાં જાતજાતનાં પુષ્કળ માછલાં થશે, કેમ કે આ પાણી ત્યાં ગયાં છે, તેથી [સમુદ્રનાં પાણી] મીઠાં થશે, ને જ્યાં જ્યાં તે નદી ગઈ છે ત્યાં દરેક વસ્તુ સજીવન થશે.

10 વળી તેને તીરે માછીઓ ઊભા રહેશે. એન-ગેદીથી તે એન-એગ્લાઈમ સુધી તો જાળો પાથરવાની જગા થશે. અને મહા સમુદ્રનાં માછલાંની જેમ તેમાં જાતજાતનાં પુષ્કળ માછલાં થશે.

11 પણ તેની કાદવવાળી તથા ભીનાશવાળી જગાઓ મીઠી થશે નહિ, ત્યાં મીઠું [પકવવામાં] આવશે.

12 નદીની પાસે તેના બન્ને કાંઠે ખાવા લાયક ફળ આપનારાં સર્વ વૃક્ષ થશે, તેમનાં પાન કરમાશે નહિ, ને તેમને ફળ આવતાં બંધ પડશે નહિ. તેને દર માસે નવાં ફળ આવશે, કેમ કે તેનાં પાણી પવિત્રસ્થાનમાંથી નીકળે છે; તેનાં ફળ ખાવાના કામમાં ને તેનાં પાન દવાના કામમાં આવશે.”


દેશની સરહદો

13 પ્રભુ યહોવા કહે છે, “આ સરહદથી તમારે ઇઝરાયલનાં બાર કુળો પ્રમાણે જમીનનો વારસો વહેંચી લેવો. યૂસફને [બે] હિસ્સા [મળે].

14 તમારે સરખે હિસ્સે તેનો વારસો વહેંચી લેવો; કેમ કે તે તમારા પૂર્વજોને આપવાને મેં ખાધા હતા. આ ભૂમિ તમને વારસા તરીકે મળશે જ.

15 તે ભૂમીની સરહદ આ પ્રમાણે થશે; ઉત્તર બાજુએ મહા સમુદ્રથી તે હેથ્લોનને માર્ગે સદાદના નાકા સુધી;

16 હમાથ, બેરોથા, તથા દમસ્કસની સરહદ તથા હમાથની સરહદની વચ્ચેનું સિબ્રાઇમ; તથા હૌરાનની સરહદ પરનું હાસેર-હાત્તીકોન.

17 સમુદ્રથી માંડીને એ સરહદ દમસ્કસની સરહદ પરના હાસેર-એનોન સુધી થશે, ને ઉત્તર બાજુએ ઉત્તર તરફ હમાથ [નું નાકું તે] ની સરહદ છે. એ ઉત્તરની બાજુ છે.

18 પૂર્વ બાજુએ, હૌરાન, દમસ્કસ તથા ગિલ્યાદની અને ઇઝરાયલના દેશની વચમાં યર્દન આવે. ઉત્તર સરહદથી તે પૂર્વમાંના સમુદ્ર સુધી તમારે માપણી કરવી. એ પૂર્વ બાજુ છે.

19 દક્ષિણ તરફ [ની સરહદ] તામારથી માંડીને મરીબોથ-કાદેશના પાણી સુધી, [ને ત્યાંથી મિસરના] વહેળા સુધી, મહા સમુદ્ર સુધી હોય. એ દક્ષિણ બાજુ છે.

20 પશ્ચિમ બાજુએ, [દક્ષિણ] સરહદથી તે હામાથના નાકાની સામે સુધી મહા સમુદ્ર આવે. એ પશ્ચિમ બાજુ છે.

21 એવી રીતે તમારે આ દેશ ઇઝરાયલનાં કુળો પ્રમાણે પોતપોતામાં વહેંચી લેવો.

22 તે તમારે પોતાને માટે તથા તમારામાં આવી રહેનારા પરદેશીઓ કે જેઓને તમારા દેશમાં સંતાન થશે તેઓને માટે વારસા તરીકે તમારે ચિઠ્ઠીઓ નાખીને વહેંચી લેવો. તમારે તેઓને ઇઝરાયલમાંના તમારા દેશી ભાઈઓ જેવા ગણવા. તેઓને ઇઝરાયલનાં કુળોની સાથે તમારી બરાબર વારસો મળે.

23 જે કુળમાં પરદેશી નિવાસ કરતો હોય, તેમાં તમારે તેને વારસો આપવો, એમ પ્રભુ યહોવા કહે છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan