હઝકિયેલ 40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ભવિષ્યના મંદિર વિષે સંદર્શન ( ૪૦:૧—૪૮:૩૫ ) હઝકિયેલને ઈશ્વર યરુશાલેમ લાવે છે 1 અમારા બંદીવાસને પચીસમે વર્ષે, તે વર્ષની શરૂઆતના માસની દશમીએ, એટલે નગરનો પરાજય થયા પછી ચૌદમે વર્ષે, તે જ દિવસે, યહોવાનો હાથ મારા પર આવ્યો, ને તે મને ત્યાં લાવ્યા. 2 ઈશ્વરના સંદર્શનોમાં તે મને ઇઝરાયલના દેશમાં લાવ્યા, ને એક બહું ઊંચો પર્વત કે જેના પર દક્ષિણે એક નગર જેવું એક મકાન હતું; તેના પર તેમણે મને બેસાડ્યો. 3 તે મને ત્યાં લાવ્યા, ને જુઓ, ત્યાં [ચળકતા] પિત્તળના જેવો દેખાતો એક માણસ હતો, તેના હાથમાં શણની દોરી તથા માપવાની લાકડી હતી, તે દરવાજામાં ઊભો હતો. 4 તે માણસે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર તારી આંખોથી જો, ને તારા કાનોથી સાંભળ, ને જે હું તને બતાવું તે સર્વ પર તારું ચિત્ત લગાડ; કેમ કે હું તને તે બતાવું એ માટે હું તને અહીં લાવ્યો છું. જે તું જુએ છે તે બધું ઇઝરાયલ લોકોને કહી બતાવ.” પૂર્વનો દરવાજો 5 મકાનની બહારની બાજુએ ચારે તરફ ભીંત હતી, એક હાથ ને ચાર આંગળનો એક, એવા છ હાથનો લાંબો માપદંડ તે માણસના હાથમાં હતો. તેણે તે ભીંતની પહોળાઈ માપી, તે એક માપદંડ જેટલી હતી. અને ઊંચાઈ [પણ] એક માપદંડ જેટલી હતી 6 પછી તે પૂર્વ તરફને દરવાજે આવ્યો, ને તેને પગથિયે ચઢ્યો. તેણે દરવાજા આગળની પરસાળ માપી, તે એક માપદંડ જેટલી પહોળી, એટલે એક પરસાળ, એક માપદંડ જેટલી પહોળી હતી. 7 દરેક દેવડી એક માપદંડ લાંબી તથા એક મપદંડ પહોળી હતી. દેવડીઓ વચ્ચે પાંચ હાથ [નું અંતર] હતું. મંદિર તરફના દરવાજાની [મોટી] પરસાળ પાસેની બીજી પરસાળ એક માપદંડ જેટલી હતી. 8 મંદિર તરફના દરવાજાની પરસાળ પણ તેણે માપી, ને તે એક માપદંડ હતી. 9 પછી તેણે દરવાજાની મોટી પરસાળ માપી, તે આઠ હાથ થઈ. અને તેના થાંભલા બે હાથ થયા. દરવાજાની પરસાળ મંદિર તરફ હતી. 10 પૂર્વ તરફના દરવાજાની દેવડીઓ આ બાજુએ ત્રણ ને પેલી બાજુએ ત્રણ હતી. એ ત્રણ એક માપની હતી; અને થાંભલાઓનું માપ આ બાજુએ ને પેલી બાજુએ સરખું હતું. 11 તેણે દરવાજાની પહોળાઈ માપી, તે દશ હાથ હતી, અને દરવાજાની લંબાઈ તેર હાથ હતી. 12 દેવડીઓની આગળ એક કોર એક હાથ, ને પેલી બાજુએ એક કોર એક હાથ હતી; દેવડીઓ આ બાજુએ છ હાથ ને પેલી બાજુએ છ હાથ હતી. 13 તેણે દરવાજો એક તરફની દેવડીના છાપરાથી તે બીજી તરફની દેવડીના છાપરા સુધી માપ્યો, તેની પહોળાઇ એક બારણાથી સામા બારણા સુધી પચીસ હાથ હતી. 14 તેણે ખાંભ પણ બનાવ્યા, તે સાઠ હાથના હતા, અને આંગણું ખાંભ સુધી [પહોંચેલું] હતું, ને દરવાજાની આસપાસ હતું. 15 દરવાજાને મોખરેથી એટલે તેના મોં આગળથી તે દરવાજાની અંદરની પરસાળના મોખરા સુધી પચાસ હાથનું અંતર હતું. 16 દેવડીઓને તથા દરવાજાની અંદરના ખાંભોને ચોતરફ બંધ જાળીઓ હતી, ને પરસાળને પણ હતી, અંદરની ચારે તરફ જાળીઓ હતી; અને દરેક ખાભ પર ખજૂરીઓ [કોતરેલી] હતી. બહારનું આંગણું 17 પછી તે મને બહારના આંગણામાં લાવ્યો, તે જુઓ, આંગણાની ચારે દિશાએ ઓરડીઓ તથા ફરસબંધી બનાવેલી હતી. ફરસબંધી પર ત્રીસ ઓરડીઓ હતી. 18 ફરસબંધી એટલે નીચલી ફરસબંધી દરવાજાની બાજુએ હતી. ને દરવાજાની લંબાઈના પ્રમાણમાં હતી. 19 પછી નીચલા દરવાજાને મોખરેથી તે અંદરના આંગણાની બહારના મોખરા સુધીની પહોળાઈ તેણે માપી, એટલે પૂર્વ તરફ તેમ જ ઉત્તર તરફ પણ તે સો હાથ હતી. ઉત્તરનો દરવાજો 20 બહારના આંગણાનો દરવાજો જેનું મોં ઉત્તર તરફ છે, તેની લંબાઈ તથા તેની પહોળાઈ તેણે માપી. 21 તેની દેવડીઓમાં આ બાજુએ ત્રણ ને પેલી બાજુએ ત્રણ હતી. તેઓ [ની વચ્ચેના] ખાંભો તથા તેની પરસાળ પહેલા દરવાજાના માપ પ્રમાણે હતાં. તેની લંબાઈ પચાસ હાથ ને પહોળાઈ પચીસ હાથ હતી. 22 તેની બારીઓ, તેની પરસાળ તથા તેના [પર પડેલાં] ખજૂરીઓનાં ઝાડ, એ પૂર્વ તરફના મોંવાળા દરવાજાના માપ પ્રમાણે હતાં. સાત પગથિયા ચઢીને ત્યાં જવાતું હતું; તેની પરસાળ તેમની આગળ હતી. 23 અંદરના આંગણાને દરવાજો હતો, ને ઉત્તરના તથાપૂર્વના દરવાજાની સામે હતો. તેણ એક દરવાજાથી તે બીજા દરવાજા સુધી [નું અંતર] માંગ્યું, તે સો હાથ હતું. દક્ષિણનો દરવાજો 24 પછી તે મને દક્ષિણ તરફ લઈ ગયો, તેની દક્ષિણે એક દરવાજો હતો; તેણે તેના ખાંભો તથા તેની પરસાળો માપ્યાં, તેમનું માપ ઉપર પ્રમાણે થયું. 25 તેમાં તથા તેની પરસાળમાં ચોતરફ પેલી જાળીઓ જેવી જાળીઓ હતી. [તેની] લંબાઈ પચાસ હાથ, ને પહોળાઈ પચીસ હાથ હતી; 26 ત્યાં જવાને માટે સાત પગથિયાં ચઢવાનાં હતાં, તેની આગળ પરસાળ હતી. અને ખાંભ પર ખજૂરીઓ [કોતરેલી] હતી, એક આ બાજૂએ ને બીજી પેલી બાજૂએ. 27 અંદરના ચોકને દક્ષિણ તરફ દરવાજો હતો. તેણે એક દરવાજાથી તે બીજા દરવાજા સુધી દક્ષિણ તરફ [નું અંતર] માપ્યું, તે સો હાથ હતું. અંદરના ચોકનો દક્ષિણ દરવાજો 28 ત્યાર પછી તે મને દક્ષિણને દરવાજે થઈને અંદરના ચોકમાં લાવ્યો; તેણે દક્ષિણનો દરવાજો માપ્યો, તેનું માપ ઉપર પ્રમાણે હતું. 29 તેની દેવડીઓ, તેના ખાંભો તથા તેની પરસાળ, તેમનું માપ ઉપર પ્રમાણે હતું. તેમાં તથા તેની પરસાળમાં ચારે તરફ જાળીઓ હતી. તે પચાસ હાથ લાંબો ને પચીસ હાથ પહોળો હતો. 30 ચારે તરફ પરસાળ હતી, તે પચીસ હાથ લાંબી ને પાંચ હાથ પહોળી હતી; 31 તેની પરસાળ બહારના ચોક તરફ હતી. તેના ખાંભો પર ખજૂરીઓ [કોતરેલી] હતી. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાતું હતું. અંદરના ચોકનો પૂર્વ દરવાજો 32 પછી તે મને અંદરના ચોકમાં પૂર્વ તરફ લાવ્યો. તેણે તે દરવાજો માપ્યો. તે ઉપરના માપ પ્રમાણે થયો. 33 તેની દેવડીઓ, તેના ખાંભો તથા તેની પરસાળનું માપ ઉપર પ્રમાણે હતું. તેમાં તથા તેની પરસાળમાં ચોતરફ જાળીઓ હતી. તે પચાસ હાથ લાંબો, ને પચીસ હાથ પહોળો હતો. 34 તેની પરસાળ બહારના ચોક તરફ હતી; અને તેના ખાંભો પર આ બાજુએ તથા પેલી બાજુએ ખજૂરીઓ [કોતરેલી] હતી, ત્યાં આઠ પગથિયા ચઢીને જવાતું હતું. અંદરના ચોકનો ઉત્તર દરવાજો 35 પછી તે મને ઉત્તરને દરવાજે લાવ્યો. તેણે તે માપ્યો, તેનું માપ ઉપર પ્રમાણે થયું. 36 તેની દેવડીઓ, તેના ખાંભો તથા તેની પરસાળ પણ; તેમાં ચારે તરફ જાળીઓ હતી. તેની લંબાઈ પચાસ હાથ ને પહોળાઈ પચીસ હાથ હતી. 37 તેના ખાંભો બહારના ચોક તરફ હતા. તેના ખાંભો પર આ બાજુએ તથા પેલી બાજુએ ખજૂરીઓ કોતરેલી હતી. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાનું હતું. ઉત્તર દરવાજા પાસેની ઈમારતો 38 દરવાજાના ખાંભો પાસે કમાડવળી ઓરડી હતી. ત્યાં દહનીયાર્પણો ધોવામાં આવતાં હતાં. 39 દરવાજાની પરસાળમાં આ બાજુએ બે મેજ ને પેલી બાજુએ બે મેજ મુકેલી હતી, તેમના ઉપર દહનીયાર્પણો, પાપાર્થપણો તથા દોષાર્થાર્પણો કાપવામાં આવતાં હતાં. 40 બહાર એક બાજુએ ઉત્તરના દરવાજાને મોખરે ચઢી જવાની સીડી આગળ બે મેજ હતી. અને બીજી બાજુએ દરવાજાની પરસાળમાં બે મેજ હતી. 41 આ બાજુએ ચાર મેજ ને પેલી બાજુએ ચાર મેજ, એમ દરવાજાની બાજુએ આઠ મેજ હતી; તેમના ઉપર [બલિદાન] કાપવામાં આવતા હતાં. 42 ટાંકેલા પથ્થરની દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી ને એક હાથ ઊંચી એવી ચાર મેજ દહનીયાર્પણોને માટે હતી. તે પર દહનીયાર્પણો તથા બલદાનો કાપવાના ઓજારો મુકતા હતાં. 43 [ઓરડીની] અંદર ચારે તરફ ચચ્ચાર આંગળ લાંબી આંકડીઓ લગાડેલી હતી; અને મેજો ઉપર ખાદ્યાર્પણનું માંસ હતું. 44 અંદરના દરવાજાની બહાર અંદરના ચોકમાં ગવૈયાઓને માટે ઓરડીઓ હતી, એ [ચોક] ઉત્તરના દરવાજાની બાજુએ હતો. તેમનાં મોં દક્ષિણ તરફ હતાં. પૂર્વના દરવાજાની બાજુએ જે [ઓરડી] હતી તેનું મોં ઉત્તર તરફ હતું. 45 તેણે મને કહ્યું, “દક્ષિણ તરફના મોંવાળી ઓરડી તો મંદિરનું કામ કરનાર યાજકોને માટે છે. 46 ઉત્તર તરફના મોંવાળી ઓરડી તે વેદીનું કામ કરનાર યાજકોને માટે છે. એ સાદોકના વંશજો છે, તેઓ લેવી-પુત્રોમાંથી યહોવાની સેવા કરવાને તેમની હજૂરમાં આવે છે.” અંદરનો ચોક અને મંદિરની ઇમારત 47 તેણે ચોક માપ્યો, તે સો હાથ લાંબો, ને સો હાથ પહોળો હતો, એટલે તે સમચોરસ હતો; અને વેદી મંદિરને મોખરે હતી. 48 ત્યાર પછી તે મને મંદિરની પરસાળમાં લાવ્યો, ને તેણે પરસાળનો દરેક ખાંભ માપ્યો, એટલે આ બાજુનો પાંચ હાથ ને પેલી બાજુનો પાંચ હાથ થયો; અને દરવાજાની પહોળાઈ આ બાજુએ ત્રણ હાથ હતી. 49 પરસાળની લંબાઈ વીસ હાથ તથા પહોળાઈ અગિયાર હાથ હતી. ત્યાં પગથિયાં પર ચઢીને જવાતું હતું; અને ખાંભોની પાસે સ્તંભ હતા. એક આ બાજુએ ને એક પેલી બાજુએ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India