Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ગોગનો પરાજય

1 હે મનુષ્યપુત્ર, તું ગોગની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે રોશ, મેશેખ તથા તુબાલના સરદાર ગોગ, જો, હું તારી વિરુદ્ધ છું.

2 હું તને પાછો ફેરવીને દોરી લઈ જઈશ, ને તને ઉત્તરના સૌથી છેવાડાના ભાગોમાંથી ચઢાવી લાવીશ.

3 હું તારા ધનુષ્યને ફટકો મારીને તારા ડાબા હાથમાંથી પાડી નાખીશ, ને તારાં બાણોને તારા જમણા હાથમાંથી પાડી નાખીશ.

4 તું તથા તારા સર્વ લશ્કરો તથા તારી સાથેની પ્રજાઓ ઇઝરાયલના પર્વતો પર માર્યા જશો. હું તને સર્વ પ્રકારના ફાડી ખાનાર પક્ષીઓને તથા જંગલી શ્વાપદોને ભક્ષ તરીકે આપીશ.

5 તું ખુલ્લા મેદાનમાં પડશે, કેમ કે, પ્રભુ યહોવા કહે છે કે, હું એ બોલ્યો છું.

6 વળી હું માગોગ પર તથા જેઓ દરિયાકિનારે નીડર થઈને રહે છે તેઓ પર અગ્નિ મોકલીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું:

7 વળી હું મારું પવિત્ર નામ મારા ઇઝરાયલ લોકોમાં જણાવીશ; અએ હું ફરી કદી મારા પવિત્ર નામને બટ્ટો લાગવા દઈશ નહિ. ત્યારે [બીજી] પ્રજાઓ જાણશે કે યહોવા, ઇઝરાયલમા જે પવિત્ર [ઈશ્વર] , તે હું છું.”

8 પ્રભુ યહોવા કહે છે “જુઓ, તે આવે છે, તે અમલમાં આવશે જ. જે વિષે હું બોલ્યો છું તે દિવસ આ છે.

9 ઇઝરાયલનાં નગરોના રહેવાસીઓ બહાર આવીને યુદ્ધશસ્ત્રોને, એટલે ઢલો તથા ઢાલડીઓને, ધનુષ્યો, બાણો, હાથભાલા તથા બરછીઓને બાલીને સળગાવી દેશે, ને તેઓ સાત વરસ સુધી તેમને બાળશે.

10 તેથી તેઓ સીમમાંથી કંઈ લાકડાં વીણી લાવશે નહિ, ને વનમાંથી કંઈ પણ કાપી લાવશે નહિ; કેમ કે તેઓ યુદ્દશસ્ત્રો બાળશે. તેમને પાયમાલ કરનારાઓને તેઓ પાયમાલ કરશે, ને તેમને લૂંટી લેનારારોને તેઓ લૂંટી લેશે, એમ પ્રભુ યહોવા કહે છે.


ગોગનાં મૃત લશ્કરોનું કબ્રસ્તાન

11 તે દિવસે ઇઝરાયલમાં કબ્રસ્તાનને માટે ગોગને સમુદ્રને પૂર્વ કાંઠ થઈને જનારાઓની ખીણ હું આપીશ. તે ત્યાં થઈને જનારાઓને અટકાવશે. અને ત્યાં તેઓ ગોગને તથા તેના સર્વ સમુદાયને દાટશે. લોકો તેને હામોન-ગોગની ખીણ, એ નામથી ઓળખશે.

12 તેમને દાટી દઈને ભૂંમિને સ્વચ્છ કરતાં ઇઝરાયલ લોકોને સાત માસ લાગશે.

13 દેશના સર્વ લોકો તેઓને દાટશે, પ્રભુ યહોવા કહે છે કે, હું મારો પોતાનો મહિમા પ્રગટ કરીશ તે દિવસે તે તેઓને માટે કીર્તિરૂપ થશે.

14 તેઓ અમુક માણસોને જુદા કાઢશે જેઓ આ કામમાં સતત લાગું રહે, તેઓ ત્યાં થઈને જનારાઓનાં મુડદાં જેઓ ભૂમિની સપાટી પર રહી ગયાં હોય તેઓને દાટીને ભૂમિ સાફ કરવા માટે, દેશમાં સર્વત્ર ફરે, સાત મહિના પછી તેઓ શોધ કરે.

15 દેશમાં ફરનારા તેમાં સર્વત્ર ફરે; અને જયારે કોઈ માણસ મનુષ્યનું હાડકું જુએ ત્યારે તે તેની પાસે કંઈ‍ચિહ્‍ન મૂકે, ને પછી દાટનારાઓ તેને હોમોન-ગોગની ખીણમાં દાટે.

16 એક નગરનું નામ પણ હામોના [એટલે સમુદાય] પડશે. એમ તેઓ દેશને સ્વચ્છ કરશે.

17 વળી, હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવા કહે છે કે, દરેક જાતના પક્ષીને તથા દરેક જંગલી શ્વાપદને કહે કે, તમે ટોળે થઈને આવો. જે બલિદાન હા, મહા બલિદાન હું ઇઝરાયલના પર્વતો પર તમારે માટે કરું છું ત્યાં આગળ માંસ ખાવાને તથા રક્ત પીવાને ચારે દિશાથી એકત્ર થઈને આવો.

18 તમે શૂરવીરોનું માંસ ખાશો, ને પૃથ્વીના સરદારોનું રક્ત પીશો. મેંઢાંઓનું. હલવાનોનું, બકરાઓનું, તથા ગોધાઓનું પણ, એ સર્વ તો બાશાનનાં પુષ્ટ જાનવરો છે.

19 જે બલિદાન મેં તમારે માટે આપ્યું છે તેનો મેદ તમે ધરાતાં સુધી ખાશો, ને તેનું રક્ત તમે મસ્ત થતાં સુધી પીશો.

20 મારા પીરસેલા જમણમાં તમે ઘોડાઓથી, રથોથી, શૂરવીર માણસોથી તથા યોદ્ધાઓથી તૃપ્ત થશો, એમ પ્રભુ યહોવા કહે છે.


ઇઝરાયલનો પુનરોદ્ધાર

21 હું મારું ગૌરવ સર્વ પ્રજાઓમા સ્થાપીશ, ને સર્વ પ્રજાઓ મેં જે ન્યાય કરીને શિક્ષા કરી છે તે તથા તેમના પર મેં હાથ નાખેલો છે તે જોશે.

22 એમ ઇઝરાયલ લોકો તે દિવસથી માંડીને જાણશે કે હું યહોવા તેઓનો ઈશ્વર છું.

23 વળી બધીપ્રજાઓ જાણશે કે ઇઝરાયલ લોકો તેના દુરાચારને લીધે બંદીવાસમાં ગયા; તેઓએ મારો અપરાધ કર્યો, ને મેં પોતાનું મુખ તેઓથી અવળું ફેરવ્યું. તેથી મેં તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપ્યા, ને તેઓ સર્વ તરવારથી માર્યા ગયા.

24 તેમની અશુદ્ધતા પ્રમાણે ને તેમના અપરાધો પ્રમાણે મેં તેઓને [શિક્ષા] કરી; અને મેં મારું મુખ તેઓથી અવળું ફેરવ્યું.

25 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હવે હું યાકૂબની ગુલામગીની હાલત ફેરવી નાખીશ, ને ઇઝરાયલની આખી પ્રજા પર કૃપા કરીશ; અને હું પોતાના પવિત્ર નામ વિષે આવેશી રહીશ.

26 તેઓ પોતાની લજ્જા તથા મારી વિરુદ્ધ પોતે કરેલા સર્વ અપરાધ [ની શિક્ષા] ભોગવશે, ત્યાર પછી તેઓ પોતાના દેશમાં નિર્ભયતાથી વસશે, અને કોઈ તેમને બીવડાવશે નહિ.

27 એટલે હું તેઓને અન્ય પ્રજાઓમાં પાછા લાવ્યો હોઈશ, ને તેઓના શત્રુઓના દેશોમાંથી તેમને મેં ભેંગા કર્યા હશે, ને ઘણી પ્રજાઓની નજર આગળ તેઓ મધ્યે હું પવિત્ર મનાતો હોઈશ ત્યારે

28 તેઓ જાણશે કે હું યહોવા તેઓનો ઈશ્વર છું, કેમ કે મેં તેઓને અન્ય પ્રજાઓમાં બંદીવાસમાં મોકલ્યા, ને પાછા તેઓને પોતાના દેશમાં ભેગા કરીને લાવ્યો અને ત્યાર પછી હું તેઓમાંના કોઈને ત્યાં પડ્યો મૂકીશ નહિ.

29 અને હું પછી કદી મારું મુખ તેઓથી અવળું ફેરવીશ નહિ. કેમ કે મેં ઇઝરાયલ લોકો પર મારો આત્મા રેડ્યો છે, એમ પ્રભુ યહોવા કહે છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan