હઝકિયેલ 38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ગોગનું ઇઝરાય સામે આક્રમણ અને ઇશ્વરથી તેનો નાશ 1 યહોવાનું વચન મારી પાસે આવ્યું. 2 “હે મનુષ્યપુત્ર, માગોગ દેશનો ગોગ, જે રોશ, મેશેખ તથા તુબાલનો સરદાર છે, તેની તરફ તારું મુખ રાખીને તેની વિરુદ્ધ ભવિષ્ય ભાખ કે, 3 પ્રભુ યહોવા કહે છે કે, હે રોશ, મેશેખ તથા તુબાલના સરદાર ગોગ; જો, હું તારી વિરુદ્ધ છું. 4 હું તને પાછો ફેરવીશ, ને તારાં જડબાંમાં કડીઓ નાખીને તને બહાર ખેંચી કાઢીશ, ને તારું બધું સૈન્ય, ઘોડાઓ તથા ઘોડેસવારો, તેઓ સર્વ પૂરા શસ્ત્રસજ્જિત, ઢાલો તથા ઢાલડીઓ ધારણ કરેલાઓનો મોટો સમુદાય કે જેમાંના સર્વના હાથમાં તરવારો છે તેઓ, 5 તથા તેમની સાથે ઈરાન, કૂશ તથા પૂટના સૈનિકો, એ સર્વ ઢાલડીઓ તથા ટોપસહિત છે. 6 ગોમેર તથા તેના સર્વ સૈનિકો; હા, [એ સર્વને] તથા તારી સાથે એવી ઘણી પ્રજાઓને [બહાર કાઢીશ]. 7 તૈયારી કર, તું પોતાને તથા તારાં જે લશ્કરો તારી પાસે એકત્ર થયાં છે તેઓને તૈયાર કરીને, તું તેમનો સેનાપતિ થા. 8 ઘણા દિવસો પછી તારી ખબર લેવામાં આવશે. પાછલાં કાળમાં તરવારના સપાટામાંથી બચી ગયેલા તથા ઘણી પ્રજાઓમાંથી ભેગા થયેલા [લોકોના] દેશમાં, એટલે ઇઝરાયલના હમેશાં ઉજ્જડ પડેલા પર્વતો પર, તું આવશે. પણ જે [પ્રજાને] વિદેશીઓમાંથી બહાર કાઢી લાવવામાં આવેલી છે, તેઓ સર્વ નિર્ભય રહેશે. 9 તું તારા સર્વ સૈન્ય તથા ઘણી પ્રજાઓ પોતાની સાથે લઈને ચઢશે, તું તોફાનની જેમ આવશે, ને તું દેશને ઢાંકી દેનાર વાદળ જેવો થશે. 10 પ્રભુ યહોવા કહે છે કે, તે દિવસે તારા મનમાં કેટલીક વાતો ના વિચાર આવશે, ને તું દુષ્ટ યોજના તજીને 11 કહેશે કે, ‘હું કોટ વગરનાં ગામડાંવાળા દેશ પર ચઢાઈ કરીશ. જેઓ કોટ વગર રહે છે ને જેમને ભૂંગળો કે દરવાજા નથી, પણ બધા નિરાંતે ને નિર્ભયપણે રહે છે તેમના પર હું ચઢાઈ કરીશ; 12 જેથી હું તેઓને લૂંટી લઉં ને પકડી લઉં; તથા જે તેમના ઉપર, ને જે લોકોને ભિન્ન ભિન્ન પ્રજાઓમાંથી ભેગા કરવામાં આવેલા છે, જેઓને ઢોર તથા મિલકત પ્રાપ્ત થયેલાં છે, જેઓ પૃથ્વીના મધ્ય ભાગમાં રહે છે, તેઓના ઉપર મારો હાથ નાખું.’ 13 શેબા, દેદાન તથા તાર્શીશના વેપારિઓ, તેના સર્વ જુવાન સિંહો સહિત, તને કહેશે કે, ‘શું તું લૂંટ કરવા આવ્યો છે? શું પકડી જવાને, સોનુંરૂપું લૂંટી લેવાને, ને ભારે લૂંટ કરવાને તેં તારુ સૈન્ય એકઠું કર્યું છે?’ 14 એ માટે, હે મનુષ્યપુત્ર, ભવિષ્ય ભાખીને ગોગને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જ્યારે મારા ઇઝરાયલ લોકો નિર્ભયપણે રહેશે, તે દિવસે શું તને તેની ખબર નહિ પડે? 15 તું ઉત્તરના સૌથી છેવાડા ભાગોમાં આવેલા તારા સ્થાનથી આવશે. તું તથા તારી સાથે ઘણા લોકો, તેઓ સર્વ ઘોડેસવાર થઈને મોટું દળ તથા મહા સૈન્ય બનીને [આવશે]. 16 દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલ લોક ઉપર ચઢી આવશે. અને હે ગોગ, પાછલા દિવસોમાં હું તને મારા દેશ ઉપર ચઢાવી લાવીશ, જેથી સર્વ પ્રજાઓની નગર આગળ હું તારા વડે પવિત્ર મનાઈશ, અને ત્યારે તેઓ મને ઓળખશે. 17 પ્રભુ યહોવા કહે છે કે, મારા સેવકો, એટલે ઇઝરાયલના પ્રબોધકો, જેઓ તે સમયે ઘણાં વર્ષો સુધી હું તને તેમના ઉપર ચઢાવી લાવીશ એવું ભવિષ્ય કહેતા હતા, તેઓની મારફતે પ્રાચીન કાળમાં હું જેના વિષે બોલ્યો હતો તે તું છે શું? ગોગને ઈશ્વરની સજા 18 વળી પ્રભુ યહોવા કહે છે કે, ગોગ ઇઝરાયલના દેશ પર ચઢી આવશે તે દિવસે મારા કોપનો ધુમાડો ઊંચે ચઢીને મારાં નસકોરાંમાં પેસશે. 19 કેમ કે મારાં આવેશમાં ને મારા ક્રોધાગ્નિમાં હું બોલ્યો છું કે, નક્કી તે દિવસે ઇઝરાયલના દેશમાં એટલો મોટો ધરતીકંપ થશે કે, 20 સમુદ્રનાં માછલાં, ખેચર પક્ષીઓ, જંગલી શ્વાપદો, ને જમીન પર પેટે ચાલનારા સર્વ પ્રાણીઓ, ને પૃથ્વીના પૃષ્ઠ પરનાં સર્વ મનુષ્યો, મારી હાજરીથી કાંપશે, પર્વતો ઊથલી પડશે, સીધી ભેખડોવાળી જગાઓ પડી જશે, ને દરેક ભીંત પડીને જમીનદોસ્ત થશે. 21 હું તરવારને હુકમ કરીને મારા સર્વ પર્વતો પર તેની વિરુદ્ધ બોલાવીશ, એવું પ્રભું યહોવા કહે છે. દરેક માણસની તરવાર તેના ભાઈની વિરુદ્ધ થશે. 22 વળી હું મરકીથી તથા ખૂનરેજીથી તેને શિક્ષા કરીશ; અને હું તેના ઉપર, તેનાં સૈન્ય ઉપર તથા તેની સાથેના ઘણી જાતના લોકો ઉપર પૂર લાવે એવો વરસાદ, મોટા કરા, અગ્નિ તથા ગંધક વરસાવીશ. 23 હું મારું પોતાનું મહાત્મ્ય તથા પવિત્રતા વિદિત કરીશ, ને હું ઘણી પ્રજાઓની ર્દષ્ટિમાં પોતાને પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India