Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ખીણનાં સૂકાં હાડકાંનું દર્શન

1 યહોવાનો હાથ મારા પર આવ્યો, ને તે મને યહોવાના આત્મા વડે બહાર લઈ ગયો, ને મને એક ખીણમાં મૂક્યો, તે [ખીણ] માં નરદમ હાડકાં હતાં.

2 તેમણે મને તેમને પડખે પડખે ચારે તરફ ફેરવ્યો; અને જુઓ, તેઓ ખીણની સપાટી પર પુષ્કળ હતાં. અને તેઓ બહું સૂકાં હતાં.

3 પછી પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું આ હાડકાં જીવતા થઈ શકે? મેં ઉત્તર આપ્યો, “હે પ્રભુ યહોવા, તમે જાણો છો.”

4 વળી તેમણે મને કહ્યું, “આ હાડકાંને પ્રબોધ કરીને કહે, “હે સૂકાં હાડકાં, તમે યહોવાનું વચન સાંભળો.

5 પ્રભુ યહોવા આ હાડકાંને કહે છે કે, જુઓ, હું તમારામાં શ્વાસ મૂકીશ, ને તમે જીવતા થશો.

6 હું તમારા પર‍ સ્નાયુઓ મૂકીશ, ને તમારા પર માંસ લાવીશ, ને તમને ચામડીથી ઢાંકી દઈશ, તમારામાં શ્વાસ મૂકીશ, એટલે તમે જીવતાં થશો; અને તમે જાણશો કે હું યહોવા છું.”

7 તેથી મને આજ્ઞા થઈ હતી તે પ્રમાણે મેં પ્રબોધ કર્યો. અને હું પ્રબોધ કરતો હતો તે દરમિયાન એક ગડગડાટ સંભળાયો, ને એક ધરતિકંપ થયો; તે હાડકાં એકબીજાની સાથે જોડાઈ ગયાં, એક હાડકું તેને લગતા હાડકાંની સાથે [જોડાઈ ગયું].

8 હું તો જોયા કરતો હતો, ને જુઓ, તેમના પર સ્નાયુઓ દેખાયા ને માંસ આવ્યું, ને તેમના પર ચામડીનું ઢાંકણ થયું; પણ તેઓમાં શ્વાસ નહોતો.

9 પછી પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, પવનને પ્રબોધ કર, પ્રબોધ કરીને પવનને કહે, પ્રભુ યહોવા કહે છે કે, હે પવન, ચારે દિશાથી આવ, ને આ મૂડદા પર ફૂંક માર કે, તેઓ જીવતાં થાય.”

10 તેથી પ્રભુએ મને આજ્ઞા કરીહતી તે પ્રમાણે મેં પ્રબોધ કર્યો, એટલે તેઓમાં શ્વાસોચ્છવાસ આવ્યો, તેઓ જીવતા થયા, ને બહું મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભા થયાં.

11 ત્યારે પ્રભુના આત્માએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ હાડકાં તે ઈઝરાયલનું આખું કુળ છે, અમારી આશા નાશ પામી છે.અમે તદ્‍ન નાબુદ થઈ ગયા છીએ.’

12 એ માટે પ્રબોધ કરીને તેમને કહે, પ્રભુ યહોવા કહે છે કે, હે મારા લોકો, જુઓ, હું તમારી કબરો ઉઘાડીશ ને તમને તમારી કબરોમાંથી ઉઠાડીને બહાર લાવીશ, અને હું તમને ઇઝરાયલના દેશોમાં પાછા લાવીશ.

13 હે મારા લોકો, હું તમારી કબરો ઉઘાડીને તમને તમારી કબરોમાંથી ઉઠાડીને બહાર લાવીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

14 વળી હું મારો આત્મા તમારામાં મૂકીશ એટલે તમે જીવતા થશો, ને હું તમને તમારા પોતાના દેશમાં રાખીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા તે બોલ્યો છું, ને મેં તે પૂરું કર્યું છે, એમ યહોવા કહે છે.”


યહૂદિયા અને ઇઝરાયલ ફરી એક બનશે

15 ફરીથી યહોવાનું વચન મારી પાસે આવ્યું,

16 “હે મનુષ્યપુત્ર, તું એક લાકડી લઈને તેના પર લખ કે, આ યહૂદાને માટે તથા તેના સાથી ઇઝરાયલીઓ માટે; પછી બીજી લાકડી લઈને તેના પર લખ કે, આ એફ્રાઈમની લાકડી જે યૂસફ તથા તેના સાથી ઇઝરાયલના તમામ લોકોને માટે;

17 પછી તેઓએ એકબીજીની સાથે જોડી દઈને એક લાકડી બનાવ કે, તેઓ મારા હાથમાં એક [લાકડી] લઈ જાય.

18 જ્યારે તારી પ્રજાના લોકો તને પૂછે કે, તું એ લાકડીઓ વડે જે દર્શાવવા માગે છે તે શું તું અમને નહિ જણાવશે?

19 ત્યારે તેમને કહેજે કે, પ્રભુ યહોવા કહે છે કે, જુઓ યુસફની લાકડી જે એફ્રાઈમના હાથમાં છે તેને, તથા તેના સાથી જે ઇઝરાયલના કૂળો છે તેને હું લઈશ; અને તેમને હું તેની સાથે, એટલે યહૂદાની લાકડી સાથે, જોડીને તેમની એક લાકડી બનાવીશ, ને તેઓ મારા હાથમાં એક [થઈ] જશે.

20 જે લાકડીઓ પર તું લખે છે તેમને તારા હાથમાં રાખીને તેઓની નજર આગળ રાખ.

21 અને તેમને કહે કે, પ્રભુ યહોવા એમ કહે છે કે, જુઓ, જે પ્રજાઓમાં ઇઝરાયલ લોકો ગયા છે તેઓમાંથી તેઓને બહાર કાઢીને હું તેમને બધે સ્થળેથી ભેગા કરીશ, ને તમને તેમના પોતાના દેશમાં લાવીશ.

22 હું તેમને પોતાના દેશમાં, ઇઝરાયલના પર્વતો પર, એક પ્રજા કરીશ, તે સર્વનો એક રાજા થશે; અને ત્યાર પછી તેઓ કદી બે પ્રજાઓ થશે નહિ, ને ફરીથી તેઓમાં કદી ફૂટ પડીને બે રાજ્યો બનશે નહિ.

23 તેઓ ફરીથી કદી પણ પોતાની મૂર્તિઓથી, પોતાની ધિક્કારવા યોગ્ય વસ્તુઓથી તથા પોતાના કોઈ પણ અપરાધથી પોતાને અપવિત્ર કરશે નહિ.પણ તેમના સર્વ રહેઠાણોમાં, જ્યાં તેઓએ પાપ કર્યું છે, તેઓમાંથી હું તેમનો ઉદ્ધાર કરીશ, ને તેમને શુદ્ધ કરીશ; એ પ્રમાણે તેઓ મારા લોકો થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.

24 મારો સેવક દાઉદ તેઓને શિર રાજા થશે. તે સર્વનો એક પાળક થશે. વળી તેઓ મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલશે, મારા વિધિઓ પાળશે, ને તેમનો અમલ કરશે.

25 વળી જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો, જેમાં તમારા પૂર્વજો રહેતા હતા, તેમં તેઓ રહેશે. તેઓ, તેઓનાં છોકરાં તથા તેઓનાં છોકરાંનાં છોકરાં તેમાં સદા રહેશે. મારો સેવક દાઉદ સદાને માટે તેઓનો સરદાર થશે.

26 વળી હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ. તે તેમની સાથે સદાકાળનો કરાર થશે. હું તેમને ઠરીઠામ પાડીશ. ને તેમનો વસ્તાર વધારિશસ, ને મારુ પવિત્રસ્થાન તેઓમાં સદાને માટે સ્થાપીશ.

27 મારું નિવાસસ્થાન પણ તેમની સાથે. હું તેમનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે.

28 જ્યારે તેઓમાં મારું પવિત્રસ્થાન સદાને માટે થશે ત્યારે [બધી] પ્રજાઓ જાણશે કે ઇઝરાયલને શુદ્ધ કરનાર યહોવા તે હું છું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan