Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઇશ્વર હઝકિયેલને ચોકીદારી સોંપે છે
( હઝ. ૩:૧૬-૨૧ )

1 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,

2 “હે મનુષ્યપુત્ર, તારા લોકોની સાથે વાત કરીને તેઓને કહે કે, જ્યારે હું કોઈ દેશ પર તરવાર લાવું ત્યારે જો તે દેશના લોકો પોતાનામાંથી એક પુરુષને પસંદ કરીને તેને પોતાના ચોકીદાર તરીકે સ્થાપે;

3 અને જો તે તરવારને દેશ પર આવતી જોઈને રણશિંગડું વગાડીને લોકોને ચેતાવે;

4 ત્યારે જે કોઈ રણશિંગડાનો અવાજ સાંભળીને ચેતે નહિ, ને તરવાર આવીને તેનો સંહાર કરે, તો તેનું રક્ત તેને પોતાને માથે.

5 રણ શિંગડાનો અવાજ સાંભળ્યા છતાં તે ચેત્યો નહિ. તેથી તેનું રક્ત તેને માથે; જો તે ચેત્યો હોત તો તેણે પોતાનો જીવ બચાવ્યો હોત.

6 પણ જો ચોકીદાર તરવારને આવતી જોઈને રણશિંગડું વગાડે નહિ, ને લોકોને ચેતવણી ન મળે, ને તરવાર આવીને તેઓમાંના કોઈ માણસનો સંહાર કરે, તો તે તો પોતાની દુષ્ટતાને લીધે સંહાર પામ્યો છે, પરંતું તેના રક્તનો બદલો હું ચોકીદાર પાસેથી લઈશ.

7 તો, હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલના માટે ચોકીદાર નીમ્યો છે. માટે મારા મુખનું વચન સાંભળીને મારા તરફથી તેમને ચેતવણી આપ.

8 જ્યારે હું દુષ્ટને કહું કે, હે દુષ્ટ માણસ, તું નક્કી માર્યો જશે, ને તું તે દુષ્ટ માણસને તેના દુરાચરણથી ફરવાની ચેતવણી આપવાને કંઈ બોલે નહિ, તો તે દુષ્ટ તો પોતાના પાપને લીધે માર્યો જશે, પરંતું તેના રક્તનો બદલો હું તમારી પાસેથી લઈશ.

9 જો તું દુષ્ટ માણસને તેના દુરાચરણથી ફરવાની ચેતવણી ન આપે છતાં તે પોતાના દુરાચરણથી ન ફરે, તો તે પોતાના પાપને લીધે માર્યો જશે, પણ તેં પોતાનો જીવ બચાવ્યો છે.


કરે તે ભોગવે

10 વળી, હે મનુષ્યપુત્ર, ઇઝરાયલ લોકોને કહે કે, તમે બોલો છો કે, અમારા અપરાધો તથા અમારા પાપો અમારે શિર આવી પડેલાં છે, ને તેમને લીધે અમે ઝૂરી ઝૂરી મરીએ છીએ; ત્યારે અમે શી રીતે જીવીએ?

11 તેમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી; પણ દુષ્ટ પોતાના દુરાચરણથી ફરે, અને જીવતો રહે એમાં મને આનંદ થાય છે; અરે તમે ફરો, તમારા દુષ્ટ માર્ગોથી ફરો. હે ઇઝરાયલના લોકો, તમે શા માટે મરવા ચાહો છો?

12 અને, હે મનુષ્યપુત્ર, તું તારા લોકોને કહે કે, નેક માણસ અપરાધ કરશે તે દિવસે તેની નેકી તેનો બચાવ કરશે નહિ; અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતાથી ફરશે તે દિવસે તેની દુષ્ટતાને લીધે તે માર્યો જશે નહિ; તેમ જ નેક માણસ પાપ કરશે તે દિવસે તેની નેકીથી તે જીવી શકશે નહિ.

13 જ્યારે હું નેક માણસને કહું કે, તું નક્કી જીવતો રહેશે, ત્યારે જો તે પોતાની નેકી પર ભરોસો રાખીને પાપ કરે, તો તેની નેકીના કામોમાંના એકેનું સ્મરણ કરવામાં આવશે નહિ; પણ જે પાપ તેણે કર્યું હશે તેને લીધે જ તે માર્યો જશે.

14 વળી, જયારે હું દુષ્ટ માણસને કહું કે, તું નક્કી માર્યો જશે, ત્યારે જો તે પોતાના પાપથી ફરીને નીતિથી અને પ્રામાણિકપણે વર્તે,

15 જો તે દુષ્ટ માણસ ગીરો મૂકેલી વસ્તુ પાછી આપે, પોતે જે લૂંટી લીધું હોય તે પાછું આપે, ને કંઈ પાપ ન કરતાં જીવનના વિધિઓ પ્રમાણે ચાલે, તો તે નક્કી જીવતો રહેશે, તે માર્યો જશે નહિ.

16 તેણે કરેલા પાપોનું કોઈ પણ પાપ તની વિરુદ્ધ સંભારવામાં આવશે નહિ. તે નીતિથી ને પ્રામાણિકપણે વર્ત્યો છે; તે નક્કી જીવતો રહેશે.

17 એમ છતાં તારા લોકો કહે છે કે, ‘પ્રભુનો વ્યવહાર અદલ નથી.

18 નેક માણસ પોતાની નેકીથી ફરીને પાપ કરે, તો તેને લીધે જ તે માર્યો જશે.

19 વળી દુષ્ટ માણસ પોતાની દુષ્ટતાથી ફરીને નીતિથી ને પ્રામાણિકપણે વર્તેમ તો તે તેને લીધે જીવતો રહેશે.

20 તેમ છતાં તમે કહો છો, ‘પ્રભુનો વ્યવહાર અદલ નથી, ’ હે ઇઝરાયલ લોકો, હું તમારા દરેકનો તેનાં આચરણ પ્રમાણે ન્યાય કરીશ.”


યરુશાલેમના પતનના સમાચાર

21 અમારા બંદીવાસના બારમા વર્ષના દશમા માસની પાંચમીએ, યરુશાલેમમાંથી નાસી આવેલા એક માણસે મારી પાસે આવીને કહ્યું, “નગરનો નાશ કરવામાં આવ્યો છે.”

22 હવે, એ નાસી આવેલો માણસ [મારી પાસે] આવ્યો તે પહેલાં સાંજે યહોવાનો હાથ મારા પર હતો; અને સવારમાં એ મારી પાસે આવ્યો તે પહેલાં તેણે મારું મુખ ખોલ્યું હતું. અને મારું મુખ ખોલેલું હતું, ને હવે હું મૂંગો નહોતો.


લોકોનાં પાપ

23 ત્યારે યહોવાનું વચન મારી પાસે આવ્યું,

24 “હે મનુષ્યપુત્ર, જેઓ ઇઝરાયલ દેશમાં ઉજ્જડ ઠેકાણાંમાં વસેલા છે તેઓ કહે છે કે, ‘ઇબ્રાહિમ એકલો હતો, ત્યારે તેને દેશનો વારસો મળ્યો હતો, પણ અમે તો ઘણા છીએ, અમને દેશ વારસામાં આપવામાં આવ્યો છે.’

25 એ માટે તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તમે [માંસ] રક્તસહિત ખાઓ છો, ને તમારી મૂર્તિઓ તરફ તમારી નજર ઊચી કરો છો, ને રક્ત વહેવડાઓ છો, તેમ છતાં શું તમે દેશનું વતન ભોગવશો?

26 તમે તમારી તરવાર પર આધાર રાખો છો, તમે ધિક્કારપાત્ર કૃત્યો કરો છો, ને તમે સર્વ પોતપોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરો છો; તેમ છતાં શું તમે દેશનું વતન ભોગવશો?

27 તારે તેમને કહેવું કે, પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે જેઓ ઉજ્જડ સ્થળે હશે તેઓ નકકી તરવારથી માર્યા જશે, ને જે કોઈ ખુલ્લા મેદાનમાં હશે તેને હું ભક્ષ થવા મારે પશુઓને સોંપીશ, ને જેઓ ગઢોમાં તથા ગુફાઓમાં હશે તેઓ મરકીથી મરણ પામશે.

28 વળી હું દેશને વેરાન તથા આશ્ચર્યરૂપ કરીશ, ને તેના સામર્થ્યના ગર્વનો અંત આવશે; અને ઇઝરાયલના પર્વતો એવા વેરાન થશે કે તેઓ પર થઈને કોઈ જશે નહિ.

29 તેમનાં કરેલાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે જ્યારે હું દેશને વેરાન તથા આશ્ચર્યરૂપ કરી નાખીશ, ત્યારેતેઓ જાણશે કે હું યહોવા છું.


લોકો સંદેશા સાંભળે છે, પણ અમલ કરતા નથી

30 હે મનુષ્યપુત્ર, તારે વિષે તો તારા લોકો ભીંતો પાસે તથા ઘરનાં બારણાંમાં વાતો કરે છે, ને તેઓ એકબીજાને, સૌ પોતપોતાના ભાઈને, કહે છે કે, ‘કૃપા કરીને આવો, ને યહોવા પાસેથી જે વચન આવે છે તે શું છે તે સાંભળો.’

31 તેઓ લોકોના રિવાજ પ્રમાણે તારી પાસે આવે છે, ને મારા લોકો તરીકે તારી આગળ બેસે છે, તેઓ તારા વચનો સાંભળે છે, પણ તેમનો અમલ કરતા નથી, કેમ કે તેમના મુખથી તેઓ બહું પ્રેમ દર્શાવે છે, પણ તેમનું મન તો તેમના સ્વાર્થ પાછળ ભટકે છે.

32 વળી જો, તું તેઓને કોઈ મધુર કંઠના ને સારી રીતે વાજિંત્ર વગાડનાર મનોહર ગીતના જેવો [લાગે] છે; કેમ કે તેઓ તારાં વચનો સાંભળે છે, પણ તેમનો અમલ કરતા નથી.

33 પણ જ્યારે એ થશે, (જો, એ તો થશે જ, ) ત્યારે તેઓ જાણશે કે તેઓમાં એક પ્રબોધક થઈ ગયો છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan