Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મિસર વિરુદ્ધ ભવિષ્યવાણી

1 દશમા વર્ષના દશમા માસ ની બારમીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,

2 “હે મનુષ્યપુત્ર, તારું મુખ મિસરના રાજા ફારુન તરફ રાખીને તેની વિરુદ્ધ તથા આખા મિસરની વિરુદ્ધ ભવિષ્ય ભાખ,

3 અને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે મિસરના રાજા ફારુન, પોતાની નદીઓમાં પડી રહેનાર, ‘આ નદી મારી પોતાની છે, ને મેં તેને મારે પોતાને માટે બનાવી છે.’ એવું કહેનાર મહાન અજગર, જો, હું તારી વિરુદ્ધ છું.

4 તારાં જડબાંમાં હું ગલ નાખીશ, ને હું તારી નદીઓનાં માછલાંને તારાં ભિંગડાંએ વળગેલાં તારી નદીઓનાં સર્વ માછલાંસહિત તારી નદીઓમાંથી હું તને બહાર ખેંચી કાઢીશ.

5 પછી હું તને તથા તારી નદીઓનાં સર્વ માછલાંને અરણ્યમાં પડતાં મૂકીશ. તું ખુલ્લા મેદાનમાં પડી રહેશે. તને કોઈ ઊંચકશે નહિ કે ભેગો કરશે નહિ. મેં તને ભૂચર પશુઓને તથા ખેચર પક્ષીઓને ભક્ષ તરીકે આપ્યો છે.

6 ત્યારે મિસરના સર્વ રહેવાસીઓ જાણશે કે હું યહોવા છું, કેમ કે તેઓ ઇઝરાયલના વંશજોને બરુના ટેકા જેવા થયા છે.

7 તેઓએ તને હાથમાં પકડ્યો ત્યારે તું ભાંગી ગયો, અને તેં સર્વના ખભા ચીરી નાખ્યા. તેઓએ તારા પર ટેકો દીધો ત્યારે તું ભાંગી ગયો, ને તેં સર્વની કમરો ઢીલી કરી નાખી.

8 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, જો, હું તારા પર તરવાર લાવીને તારી અંદરથી મનુષ્યનો તેમ જ પશુનો સંહાર કરીશ.

9 મિસર દેશ ઉજ્જડ તથા વેરાન થઈ જશે; ત્યારે લોકો જાણશે કે હું યહોવા છું. કેમ કે તે બોલ્યો છે કે, ‘નદી મારી છે, ને મેં તે બનાવી છે.’

10 એ માટે જો, હું તારી વિરુદ્ધ તથા તારી નદીઓની વિરુદ્ધ છું. હું મિસર દેશને, મિગ્દોલથી સૈયેને સુધી, એટલે છેક કૂશ દેશની સરહદ સુધી, પૂરેપૂરો વેરાન તથા ઉજ્જડ કરી નાખીશ.

11 કોઈ માણસનો પગ પણ તેમાં ફરશે નહિ, તેમ કોઈ પશુનો પગ પણ તેમાં ફરશે નહિ, ને ચાળીસ વર્ષ સુધી તેમાં વસતિ પણ નહિ થશે.

12 જે દેશો ઉજ્જડ થઈ ગયા છે તેઓના જેવો હું મિસર દેશને ઉજ્જડ કરી નાખીશ, ને તેના નગરો પાયમાલ થયેલાં નગરોની જેમ ચાળીસ વર્ષ સુધી ઉજ્જડ સ્થિતિમાં રહેશે; અને હું મિસરીઓને અન્ય પ્રજાઓમાં વિખેરી નાખીશ, ને તેઓને [ભિન્ન ભિન્ન] દેશોમાં સર્વત્ર વેરી નાખીશ.

13 કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, ચાળીસ વર્ષને અંતે હું મિસરીઓને જે પ્રજાઓમાં તેઓને વિખેરી નાખવામાં આવ્યા હશે તેઓમાંથી ભેગા કરીશ.

14 હું મિસરને ગુલામગીરીમાંથી છોડાવીશ, ને હું તેમને પાથ્રોસના દેશમાં, તેમની જન્મભૂમિમાં, પાછા લાવીશ, અને તેઓ પામર રાજ્ય તરીકે ત્યાં રહેશે,

15 તે સૌથી પામર રાજ્ય થશે. અને તે ફરીથી કદી [બીજી] પ્રજાઓની સામે ગર્વ કરશે નહિ. હું તેમને એવી રીતે ઘટાડીશ કે, તેઓ કદી [બીજી] પ્રજાઓ પર હકૂમત ચલાવી શકશે નહિ.

16 ત્યાર પછી તે કદી ઇઝરાયલ લોકો પોતાના પાપનું સ્મરણ કરીને મદદને માટે તેમની તરફ જોશે નહિ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવા છું.”


નબૂખાદનેસ્સાર મિસરને જીતી લેશે

17 વળી સત્તાવીસમાં વર્ષના પહેલા માસની પહેલીએ યહોવાનું વચન મારી પાસે આવ્યું,

18 “હે મનુષ્યપુત્ર. બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના સેન્ય પાસે તૂરની વિરુદ્ધ ભારે પ્રયત્ન કરાવ્યો, દરેકનું માથું બેડું થઈ ગયું, ને દરેકના ખભા છોલાઈ ગયા; તોપણ તૂરની વિરુદ્ધ જે પ્રયત્ન તેણે કર્યો હતો તેને માટે તેને કે તેના સૈન્યને તૂર પાસેથી કંઈ બદલો મળ્યો નહિ.

19 તેથી પ્રભુ યહોવા કહે છે કે, જો, હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારને મિસર દેશ આપીશ. અને તે તેના જનસમુહને પકડી લઈ જશે, તેને લૂટી લેશે, ને તેમાંનું સર્વસ્વ હરી જશે. અને તે તેના સૈન્યના શ્રમનો બદલો થશે.

20 તેણે જે સેવા બજાવી છે તેના બદલામાં મેં તેને મિસર દેશ આપ્યો છે, કેમ કે તેઓએ મારે માટે કામ કર્યું છે, એમ પ્રભુ યહોવા કહે છે.

21 તે દિવસે ઇઝરાયલ લોકોમાં એક શિંગ ફૂંટી નીકળશે એમ હું કરીશ, ને હું તેઓમાં તારું મોં ખુલ્લું કરી દઈશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan