હઝકિયેલ 28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)તૂરના રાજા વિરુદ્ધ ભવિષ્યવાણી 1 યહોવાનું વચન ફરી મારી પાસે આવ્યું, 2 “હે મનુષ્યપુત્ર, તૂરના હાકેમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તારું મન ઉન્મત્ત થયું છે, ને તેં કહ્યું છે, ‘હું ઈશ્વર છું, હું ભરસમુદ્ર પર ઈશ્વરના આસનમાં બેઠેલો છું.’ જો કે તેં તારા મનને ઈશ્વરના મનને દરજ્જે બેસાડ્યું છે, તો પણ તું મનુષ્ય જ છે, ને ઈશ્વર નહિ.સ 3 જો, તું દાનિયેલ કરતાં જ્ઞાની છે. લોકો તારાથી છુપાવી શકે એવું કશું પણ ગુપ્ત નથી. 4 તારા જ જ્ઞાનથી ને તારી જ બુદ્ધિથી તેં સમૃદ્ધિ મેળવી છે, ને તારા ભંડારોમાં સોનારૂપાનો સંગ્રહ કર્યો છે. 5 તારા પુષ્કળ જ્ઞાનથી [ને] તારા વેપારથી તેં તારી સમૃદ્ધિ વધારી છે, ને તારી સમૃદ્ધિને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું છે. 6 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, તેં તારા મનને ઈશ્વરના મનને દરજ્જે બેસાડ્યું છે, 7 તે માટે, જો, હું પરદેશીઓને, એટલે નિર્દય પ્રજાઓને, તારા પર [ચઢાવી] લાવીશ. તેઓ તારા જ્ઞાનની શોભા વિરુદ્ધ તરવાર ખેંચશે, ને તેઓ તારા પ્રકાશને ઝાંખો પાડશે. 8 તેઓ તને પાતાળમાં નાખશે; અને તું સમુદ્રમાં કતલ થયેલાઓનઅ જેવું મોત પામશે. 9 ત્યારે પણ શું તું તને મારી નાખનારની આગળ એમ કહીશ કે, ‘હું ઈશ્વર છું?’ પણ, તને ઘા મારનારના હાથમાં તો તું માણસ છે, ઈશ્વર તો નહિ. 10 તું પારકાઓના હાથથી બેસુન્નતોના જેવું મોત પામશે; કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, હું તે બોલ્યો છું.” તૂરના રાજાનું પતન 11 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું, 12 “હે મનુષ્યપુત્ર, તૂરના રાજા સંબંધી એક પરજિયો ગાઈને તેને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તું જ્ઞાનપૂર્ણ ને સર્વાગે સુંદર હોઈને માપ પૂરું કરે છે. 13 તું ઈશ્વરની એદન વાડીમાં હતો. તું સુવર્ણજડિત સર્વ પ્રકારના મૂલ્યવાન રત્નો, એટલે માણેક, પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસપિસ, નીલમણિ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારી ખંજરીઓ તથા વાંસળીઓની કારીગરી તારામાં હતી. તારી ઉત્પત્તિને દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યાં. 14 તું આચ્છાદન કરનાર અભિષિક્ત કરુબ હતો. મેં તને ઈશ્વરના પવિત્ર પર્વત પર સ્થાપ્યો. તું અગ્નિના પથ્થરોમાં આમતેમ ફર્યો છે. 15 તારી ઉત્પત્તિના દિવસથી, તારામાં પુરાચાર માલૂમ પડ્યો ત્યાં સુધી, તારાં આચરણ સંપૂર્ણ હતાં. 16 તારા પુષ્કળ વેપાને લીધે તારું અંત:કરણ અન્યાયથી ભરપૂર થયું, ને તેં પાપ કર્યું છે; માટે મેં તને ભ્રષ્ટ ગણીને ઈશ્વરના પર્વત પરથી ફેંકી દીધો છે. અને, હે આચ્છાદાન કરનાર કરુબ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે. 17 તારા સૌદર્યને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું, તારા વૈભવને લીધે તેં તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. મેં તને જમીનદોસ્ત કર્યો છે, રાજાઓ તને જુએ માટે મેં તેઓની આગળ તને ખડો કર્યો છે. 18 તારા પુષ્કળ અન્યાયથી, તારા વેપારમાં દગો કરીને, તેં તારાં શુદ્ધસ્થાનોને ભ્રષ્ટ કર્યાં છે. એ માટે મેં તારામાં અગ્નિ પ્રગટાવ્યો છે, તેણે તને ભસ્મ કર્યો છે, ને તારા સર્વ પ્રેક્ષકોની નજરમાં મેં પૃથ્વી પર તને ભસ્મ કરી નાખ્યો છે. 19 જે પ્રજાઓ તને ઓળખે છે તે સર્વ તારે વિષે વિસ્મય પામશે. તું ત્રાસરૂપ થયો છે. તું સદાને માટે નષ્ટ થશે.” સિદોન વિરુદ્ધ ભવિષ્યવાણી 20 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું, 21 “હે મનુષ્યપુત્ર, તારું મુખ સિદોન તરફ રાખીને તેની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને 22 કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે સિદોન, જો, હું તારી વિરુદ્ધ છું. હું તારામાં મહિમા પામીશ. અને હું તેનો ન્યાય કરીને શિક્ષા કરીશ, ને તેમાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. 23 કેમ કે હું તેની અંદર મરકી તથા તેની શેરીઓમાં ખૂનરેજી મોકલીશ, ઘાયલ થયેલાઓ તેમાં પડશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. ઇઝરાયલ પર ઈશ્વરનો આશીર્વાદ 24 ઇઝરાયલ લોકોની આસપાસના તેઓનો તિરસ્કાર કરનારા લોકોમાંથી કોઈ પણ માણસ તેમને ભોંકાતા ઝાંખરારૂપ કે દુ:ખકારક કાંટારૂપ હવે પછી તેમને નડશે નહિ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ યહોવા છું.” 25 પ્રભુ યહોવા કહે છે, “જે પ્રજાઓમાં તેઓ વિખેરાઈ ગયેલા છે તેઓમાંથી ઇઝરાયલના વંશજોને હું ભેગા કરીશ, ને વિદેશીઓની નજરમાં હું તેઓની મારફતે પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ પોતાના દેશમાં એટલે જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો, તેમાં રહેશે. 26 તેઓ તેમા સહીસલામત રહેશે. હા, તેઓ ઘરો બાંધશે, દ્રાક્ષાવાડીઓ રોપશે, ને સહીસલામત રહેશે. એટલે તેમની આસપાસના જે લોકો તેમની ઈર્ષા કરે છે તેઓ સર્વનો ન્યાય કરીને હું તેમને શિક્ષા કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા તેમનો ઈશ્વર છું.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India