Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


આમ્મોન વિરુદ્ધ ભવિષ્યવાણી

1 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,

2 “હે મનુષ્યપુત્ર, તારું મુખ આમ્મોનીઓ તરફ રાખીને તેમની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને કહે;

3 તેઓને કહે કે, પ્રભુ યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા કહે છે કે, જ્યારે મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કરવામાં આવ્યું, જ્યારે ઇઝરાયલનો દેશ વેરાન થયો, જ્યારે યહૂદિયાન લોકો બંદીવાસમાં ગયા, ત્યારે તેમની વિરુદ્ધ તેં વાહ વાહ કર્યું.

4 એ માટે જો, હું તને પૂર્વના લોકોના તાબામાં [તેમના] વારસા તરીકે સોંપી દઈશ, ને તેઓ તારા [દેશ] માં પોતાની છાવણીઓ નાખશે, ને તારા [દેશ] માં પોતાનાં મકાનો બાંધશે, તેઓ તારી ઊપજ ખાશે, ને તારું દૂધ પીશે.

5 હું રાબ્બાહને ઊંટોને તબેલો, ને આમ્મોનીઓ [ના દેશ] ને ઘેટાંબકરાંને બેસવાની જગા કરી નાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

6 કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, તેં ઇઝરાયલના દેશની સામે તાળીઓ પાડી છે, ને ખુશી થઈને નાચી છે, ને તેના પરની તારી સંપૂર્ણ ઈર્ષાને લીધે તું મનમાં ખુશી થઈ છે.

7 તે માટે જો, મેં તારા પર મારો હાથ ઉગામ્યો છે, ને હું લૂંટ કરવા માટે તને વિદેશીઓના હાથમાં સોંપી દઈશ. અને હું તને પ્રજાઓમાંથી નાબૂદ કરીશ, ને રાષ્ટ્રોમાંથી હું તારો વિનાશ કરીશ. હું તારો નાશ કરીશ. ત્યારે તું જાણશે કે હું યહોવા છું.”


મોઆબ વિરુદ્ધ ભવિષ્યવાણી

8 પ્રભુ યહોવા કહે છે, “મોઆબ તથા સેઈર કહે છે કે, જો, યહૂદિયાના લોક બીજી સર્વ પ્રજાઓના જેવા છે;

9 એથી જો, તેની સરહદ પરનાં નગરો, એટલે બેથ-યશીમોથ, બાલ-મેઓન તથા કિર્યાથાઈમ, જે તે દેશની શોભા છે,

10 તે નગરોથી માંડીને હું મોઆબના પડખામાં, આમ્મોનીઓની વિરુદ્ધ પૂર્વના પુત્રોને માટે [માર્ગ] ખોલી આપીશ, ને હું તેમને વારસા તરીકે આપી દઈશ, જેથી આમ્મોનીઓનું નામનિશાન પ્રજાઓમાં રહે નહિ.

11 હું મોઆબનો ન્યાય કરીને તેને શિક્ષા કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


અદોમ વિરુદ્ધ ભવિષ્યવાણી

12 પ્રભુ યહોવા કહે છે કે, અદોમે યહૂદાના વંશજો પર વૈર વાળીને તેનું નુકસાન કર્યું છે, ને તેના પર વૈર વાળીને મોટો ગુનો કર્યો છે.

13 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હું અદોમ પર મારો હાથ ઉગામીને તેમાંથી મનુષ્ય તથા પશુનો સંહાર કરીશ. હું તેમાનથી માંડીને તેને વેરાન કરી નાખીશ. હા, દેદાન સુધી લોકો તરવારથી માર્યા જશે.

14 હું મારા ઇઝરાયલ લોકોની મારફતે મારું વૈર અદોમ પર વાળીશ; અને મારા કોપ તથા મારા ક્રોધ પ્રમાણે તેઓ અદોમ પ્રત્યે વર્તશે; અને તેઓને મારા વૈરનો અનુભવ થશે, એમ પ્રભુ યહોવા કહે છે.”


પલિસ્તીઓ વિરુદ્ધ ભવિષ્યવાણી

15 પ્રભુ યહોવા કહે છે કે, પલિસ્તીઓએ મનમાં વૈર રાખીને નિરંતરના વૈરભાવને લીધે તેનો વિનાશ કરવાને [તેના પર] વૈર વાળ્યું છે.

16 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, જો, હું પલિસ્તીઓ પર મારો હાથ લંબાવીને કરેથીઓને નષ્ટ કરીશ, ને સમુદ્રકિનારાના બચેલા ભાગનો વિનાશ કરીશ.

17 હું સખત ધમકીઓ સહિત તેમના પર મહાભારે વૈર વાળીશ અને જ્યારે હું મારું વૈર તેઓ પર વાળીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan