હઝકિયેલ 24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)કાટ ચઢેલી કઢાઈનું રૂપક 1 વળી નવમાં વર્ષના દશમા માસની દશમીએ, યહોવાનું વચન મારી પાસે આવ્યું, 2 “હે મનુષ્યપુત્ર, તું દિવસનું એટલે આજના દિવસનું નામ લખ; બાબિલનો રાજા આજે યરુશાલેમની નજદીક આવી પહોંચ્યો છે. 3 આ બંડખોર લોકોને એક ર્દ્દષ્ટાંત આપીને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, કઢાઈ ચઢાવો, તેને ચઢાવીને તેમાં પાણી પણ રેડો. 4 માંસ ના ટુકડા, એટલે સારા સારા સર્વ ટુકડા, જાંઘ, તથા બાવડું, તેમાં એકઠાં કરો, હાડકાંમાંથી સારાં સારાં લઈને તેમાં ભરો. 5 ટોળામાંથી એક ઉત્તમ ઘેટું લઈ પેલાં હાડકાં પણ તેની નીચે સિંચો. તેને સારી પેઠે ઉકાળો; હા, તેમાં તેનાં હાડકાંને બફાવા દો. 6 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, કઢાઈની જેમ જેની અંદર મેલ છે, ને જેનો મેલ તેમાંથી નીકળી ગયો નથી, એવા ખૂની નગરને અફસોસ! ટુકડે ટુકડે તેને બહાર કાઢો, તેના પર ચિઠ્ઠી નાખવાની નથી. 7 કેમ કે તેનું રકત તેની અંદર છે. તેણે તે ખુલ્લા ખડક પર પાડ્યું છે; તેણે તેને જમીન પર પાડ્યું નથી કે, તે ધૂળથી ઢંકાઈ જાય. 8 તે ઢંકાઈ નહિ એ માટે મેં તેનું રકત ખુલ્લા ખડક પર રાખ્યું છે, ને એથી ક્રોધને ઉશ્કેરીને વૈર લે. 9 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, ખૂની નગરને અફસોસ! હું પણ લાકડાંનો ઢગલો મોટો કરીશ. 10 લાકડાંનો ઢગલો વધારો, અગ્નિને ધિકાવો, માંસને બરાબર ઉકાળો, સેરવો જાડો કરો, ને હાડકાંને બળી જવા દો. 11 પછી તેને ખાલી કરીને અંગારા પર મૂકો, જેથી તે ગરમ થાય, તેનું પિત્તળ તપી જાય, ને તેની અંદરનો તેનો મેલ પીગળીને તેનો કાટ બળી જાય. 12 તેણે શ્રમથી [પોતાને] કાયર કરી છે. તોપણ તેનો કાટ બહું જ છે, તે તેમાંથી નીકળી જતો નથી; તે અગ્નિથી પણ [જતો નથી]. 13 તારી ભ્રષ્ટતામાં લંપટતા સમાયેલી છે. મેં તને શુદ્ધ કરવાને [પ્રયત્ન] કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ, એથી હું મારો કોપ તારા પર તૃપ્ત કરીશ ત્યાં સુધી તું કદી તારી મલિનતાથી શુદ્ધ થશે નહિ. 14 હું યહોવા તે બોલ્યો છું; તે પૂરું થશે, ને હું તે કરીશ; હું પાછો હઠીશ નહિ, દયા રાખીશ નહિ, ને હું અનુતાપ કરીશ નહિ; તારાં આચરણો પ્રમાણે ને તારાં કૃત્યો પ્રમાણે તેઓ તારો ન્યાય કરશે, એમ પ્રભુ યહોવા કહે છે.” પ્રબોધક-પત્નીનું મૃત્યુ 15 “વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું, 16 “હે મનુષ્યપુત્ર, જો, જે તારી આંખોને પ્રિય છે તે હું એકે સપાટે તારી પાસેથી લઈ લઉ છું; તોપણ તારે શોક કે વિલાપ કરવો નહિ, અને તારે આંસુઓ પાડવાં નહિ. 17 નિસાસા નાખજે, પણ મૂંગો રહીને, મૂએલાને માટે શોક ન કરતો, માથે તારો ફેંટો બાંધ, પગે તારાં પગરખાં પહેર, તારા હોઠો ઢાંકતો નહિ, ને [મરેલા] માણસની રોટલી ખાતો નહિ.” 18 આ પ્રમાણે મેં સવારમાં લોકોને કહ્યું, અને સાંજે મારી સ્ત્રી મરણ પામી.જેવી મને આજ્ઞા મળી હતી તે પ્રમાણે મેં બીજે દિવસે સવારે કર્યું. 19 ત્યારે લોકોએ મને પૂછયું, “તું એ પ્રમાણે કરે છે, એ બધી વાતોને અમારી સાથે શો સંબંધ છે, તે તું અમને નહિ કહે?” 20 ત્યારે મેં તેઓને કહ્યું, “યહોવાનું વચન મારી પાસે આવ્યું છે કે, 21 ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, મારા પવિત્રસ્થાનને, જે તમારા સામર્થ્યનું ગૌરવ છે, જે તમારી આંખોને પ્રિય છે, ને જેના પર તમારા મનમાં દયા આવે છે તેને હું ભ્રષ્ટ કરીશ; અને તમારા પુત્રો તથા તમારી પુત્રીઓ જેમને તમે તમારી પાછળ મૂકી ગયા છો તેઓ તરવારથી પડશે. 22 ત્યારે જેમ મેં કર્યું છે તેમ તમે કરશો:તમે તમારા હોઠ ઢાંકશો નહિ, તેમ [મરેલા] માણસની રોટલી ખાશો નહિ. 23 તમારા ફેંટા તમારાં માથાં પર, ને તમારાં પગરખાં તમારા પગમાં હશે. તમે શોક કે રુદન કરશો નહિ, પણ તમે તમારા દુરાચારમાં ઝૂરીઝૂરીને મરશો, ને એકબીજાની સામે [જોઈને] વિલાપ કરશો. 24 એમ હઝકિયેલ તમને ચિહ્નરૂપ થશે. જે સર્વ તેણે કર્યું છે તે પ્રમાણે તમે કરશો. જ્યારે એ થશે ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવા છું.” 25 વળી, હે મનુષ્યપુત્ર, જે દિવસે હું તેમનું સામર્થ્ય, તેમના વૈભવનો હર્ષ, તેમનાં નેત્રોને પ્રિય વસ્તુ તથા તેમના મનની ઇષ્ટ વસ્તુ, તથા તેમના પુત્રપુત્રીઓ, એ સર્વને તેમની પાસેથી લઈ લઈશ, 26 તે દિવસે શું એમ નહિ થશે કે, કોઈ બચી જનાર તારી પાસે આવીને તારા કાનમાં તે કહી સંભળાવશે? 27 તે દિવસે તારું મુખ ઊઘડી જશે, ને બચી ગયેલા સાથે તું વાત કરશે, ને ત્યાર પછી તું મૂંગો રહેશે નહિ; એમ તું તેમને ચિહ્નરૂપ થશે. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India