હઝકિયેલ 23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)બે પતિતાઓનું રૂપક 1 ફરીથી યહોવાનું વચન મારી પાસે આવ્યું, 2 “હે મનુષ્યપુત્ર, બે સ્ત્રીઓ એક જ માની દીકરીઓ હતી: 3 તેઓએ મિસરમાં વ્યભિચાર કર્યો; તેઓએ પોતાની યુવાવસ્થામાં વ્યભિચાર કર્યો. ત્યાં તેઓનાં સ્તન દાબવામાં આવ્યાં. ત્યાં તેઓની કુંવારી અવસ્થાની ડીંટડીઓ છોલાઈ. 4 તેઓમાંની મોટીનું નામ ઓહોલા હતું, ને તેની નાની બહેનનું નામ ઓહોલિબા હતું. તેઓ મારી થઈ, ને તેમને પુત્રો તથા પુત્રીઓ થયાં. તેઓના નામ આ છે. સમરૂન [નું નામ] ઓહોલા. ને યરુશાલેમ [નું નામ] ઓહોલિબા છે. 5 ઓહોલા મારી થઈ, એમ છતાં તેણે વેશ્યાનો ધંધો આદર્યો. તે પોતાના યારો ઉપર, એટલે પોતાના પડોશી આશૂરીઓ કે, 6 જેઓ જાંબૂડિયાં વસ્ત્ર પહેરનારા, સૂબાઓ તથા અમલદારો હતા, ને જેઓ સર્વ મનમોહક જુવાનો તથા ઘોડેસવારો હતા તેમના પર આશક થઈ. 7 તેણે પોતાની આબરૂ તેમને સોંપી દીધી, તેઓ સર્વ તો આશૂરના સર્વોત્તમ દિલપસંદ પુરુષો હતા. જે સર્વની ઉપર તે આશક થઈ, તેમની સર્વ મૂર્તિઓ વડે તેણે પોતાને ભ્રષ્ટ કરી. 8 મિસર [માંથી નીકળી] ત્યારથી તેણે પોતાના વ્યભિચારનો ત્યાગ કર્યો નથી; કેમ કે તેની યુવાવસ્થામાં તેઓએ તેની સાથે શયન કરીને તેમની કુંવારી અવસ્થાની ડીંટડીઓ છોલી; તેઓએ તેની સાથે મનમાન્યો વ્યભિચાર કર્યો. 9 તેથી મેં તેના પ્રીતમોના હાથમાં, એટલે આશૂરીઓ કે જેમના પર તે આશક હતી તેમના હાથમાં તેને સોંપી દીધી. 10 તેઓએ તેની નગ્નતા ઉઘાડી કરી. તેઓએ તેના પુત્રો તથા પુત્રીઓને પકડી લીધા, ને તેને તો તેઓએ તરવારથી મારી નાખી. અને તે સ્ત્રીઓમાં કહેવતરૂપ થઈ પડી, કેમ કે તેઓએ તેનો ન્યાય કરીને તેને શિક્ષા કરી. 11 તેની બહેન ઓહોલિબાએ એ જોયું, તોપણ એ પોતાના ઈશકમાં તેના કરતા વધારે ભ્રષ્ટ હતી; તે પોતાની બહેન કરતાં વધારે વ્યભિચારો કરીને ભ્રષ્ટ થઈ. 12 તે પોતાના પડોશી આશૂરીઓ કે જેઓ સૂબા તથા અમલદારો હતા, ને જેઓ સર્વ અતિ ભપકાદાર પોશાક પહેરનારા મનમોહક જુવાનો તથા ઘોડેસવારો હતા, તેમના પર આશક થઈ. 13 મેં જોયું કે તે ભ્રષ્ટ થઈ; તે બન્નેએ એક જ માર્ગ પકડ્યો. 14 તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો, કેમ કે તેણે ભીંત પર ચીતરેલા માણસોની, એટલે ખાલદીઓની, સિંદૂરથી ચીતરેલી છબીઓ જોઈ કે, 15 જેમની કમરો પર કમરબંધ બાંધેલા હતા, ને તેમનાં માથાં પર રંગિત શિરપેચ હતા. દેખાવમાં તેઓ સર્વ રાજવંશીઓ જેવા હતા, એટલે જેમની જન્મભૂમિ ખાલદી દેશ છે, તે બાબિલવાસીઓ જેવા હતા. 16 તેણે તેમને જોયા કે તરત તે તેમના પર આશક થઈ, ને તેમની પાસે ખાલદી દેશમાં સંદેશિયા મોકલ્યા. 17 બાબિલવાસીઓ આવીને તેની પાસે ઇશકની પ્રેમશય્યામાં સૂતા, તેઓએ તેની સાથે વ્યભિચાર કરીને તેને ભ્રષ્ટ કરી; તે તેમની સાથે ભ્રષ્ટ થઈ, ને તેનું મન તેમના પરથી ઊઠી ગયું. 18 એમ તેણે ખુલ્લી રીતે વ્યભિચાર કર્યો, ને પોતાની નગ્નતા ઉઘાડી કરી; ત્યારે જેમ મારું મન તેની બહેન પરથી ઊઠી ગયું તેમ તેના પરથી ઊઠી ગયું. 19 તોપણ મિસર દેશમાં પોતાની જુવાનીના વખતમાં તેને વ્યભિચાર કર્યો હતો તેને યાદ કરીને તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો. 20 તેના પોતાના આશકો જેમની કાયા ગધેડાની કાયા જેવી છે, ને જેમનું બીજ ઘોડાના બીજ જેવું છે, તેમના પર તે મોહિત થઈ. 21 એમ, તારી યુવાવસ્થાનાં સ્તનોની ડીંટડીઓ મિસરીઓએ છોલી તે વખતની લંપટતાનું તેં પુનરાવર્તન કર્યું. નાની બહેન પર ઈશ્વરની શિક્ષા 22 તે માટે, હે ઓહોલિબા, પ્રભુ યહોવા કહે છે કે, તારા જે આશકો પરથી તારું મન ઊઠી ગયું છે તે સર્વને હું તારી સામે ખડા કરીશ, ને હું તેઓને ચારે તરફથી તારી સામે લાવીશ. 23 એટલે બાબિલવાસીઓને, સર્વ ખાલદીઓને, પકોદને, શોઆને તથા કોઆને, [ને] તેમની સાથે સર્વ આશૂરીઓને, એ સર્વ મનમોહક જુવાન સૂબાઓ તથા અમલદારો, એ સર્વ ઘોડેસવાર સરદારો તથા મંત્રીઓને [લાવીશ]. 24 તેઓ તારી વિરુદ્ધ શસ્ત્રો, રથો તથા ગાડાંઓ લઈને તથા જુદી જુદી પ્રજાઓનાં લશ્કરો લઈને આવશે; તેઓ તારી આસપાસ ઢાલડીઓ ને ઢાલો ધારણ કરીને તથા ટોપ પહેરીને ઘેરાવ કરશે. હું ન્યાય કરવાનું કામ તેમને સોંપીશ, ને તેઓ પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે તારો ઈનસાફ કરશે. 25 હું મારો કોપ તારા પર રેડી દઈશ, ને તેઓ તારા પર કેર વર્તાવશે. તેઓ તારા નાકકાન કાપી લેશે. તારા બાકી રહેલા તરવારથી પડશે. તેઓ તારાં દીકરા-દીકરીઓને પકડી લેશે; અને તારા બાકી રહેલા અગ્નિથી ભસ્મ થશે. 26 વળી તેઓ તારાં વસ્ત્ર પણ ઉતારી લેશે; ને તારાં સુશોભિત આભૂષણોનું હરણ કરશે. 27 એમ હું તારામાંથી તારી લંપટતાનો, ને મિસર દેશમાંથી લાવેલા તારા વ્યભિચારનો એવો અંત લાવીશ કે તું તારી નજર તેમના પર નાખશે નહિ ને મિસરનું સ્મરણ કદી કરશે નહિ. 28 કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જો, જેઓને તું ધિક્કારે છે તેઓના હાથમાં એટલે જેમના પરથી તારું મન ઊઠી ગયું છે તેઓના હાથમાં હું તને સોંપી દઈશ. 29 તેઓ તારા પર પોતાનું વૈર લેશે, ને તારી સર્વ મહેનતના ફળ નું હરણ કરશે, ને તેને નગ્ન તથા ઉઘાડી કરી મૂકશે. અને તારા વ્યભિચારની નગ્નતા, [એટલે] તારી લંપટતા તથા તારો વ્યભિચાર બન્ને ઉઘાડાં થશે. 30 તેં વંઠી જઈને વિદેશીઓનું અનુકરણ કર્યું છે તેને લીધે, ને તું તેઓની મૂર્તિઓથી ભ્રષ્ટ થઈ છે માટે એ દુ:ખો તારા પર ગુજારવામાં આવશે. 31 તું તારી [નાની] બહેનના માર્ગમાં ચાલી છે; માટે તેનો પ્યાલો હું તારા હાથમાં આપીશ. 32 પ્રભુ યહોવા કહે છે કે, તારી બહેનનો પ્યાલો જે ઊંડો તથા મોટો છે તે તારે પીવો પડશે; તિરસ્કારસહિત તારી હાંસી થશે. ને તુચ્છકારસહિત તારું હાસ્ય થશે. તે [પ્યાલા] માં બહું માય છે. 33 તું તારી બહેન સમરુનના પ્યાલાથી, એટલે કેફ તથા ખેદથી, અચંબા તથા વિનાશથી ભરપૂર થશે. 34 તું તે ચૂસીને પી જશે, ને તું તેનાં ઠીકરાં પણ ચાવી ખાશે, ને તારાં પોતાનાં સ્તન ચીરી નાખશે, કેમ કે હું તે બોલ્યો છું, એવું પ્રભુ યહોવા કહે છે.” 35 વળી પ્રભુ યહોવા કહે છે, “તેં મને વીસરી જઈને તારી પીઠ પાછળ નાખ્યો છે, તે માટે તું પણ તારી લંપટતા તથા વ્યભિચાર [નું ફળ] ભોગવ.” બંને બહેનો સામે ઈશ્વરનો ચૂકાદો 36 વળી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તું ઓહિલા તથા ઓહોલિબાનો ન્યાય કરશે? એમ હોય તો તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો તેઓને કહી બતાવ. 37 કેમ કે તેઓએ વ્યભિચાર કર્યો છે, તેઓના હાથમાં રકત છે, તેઓએ પોતાની મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે; અને તેઓએ મારાથી થયેલા તેમના પુત્રોને [અગ્નિ] મા બલિદાન આપીને તેમની પાસે ભક્ષ થવા માટે સોંપ્યા છે. 38 વળી તેઓએ મારી વિરુદ્ધ આ પણ કર્યું છે કે, તે જ દિવસે તેઓએ મારું પવિત્રસ્થાન અશુદ્ધ કર્યું છે, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા છે. 39 કેમ કે પોતાનાં છોકરાંનો પોતાની મૂર્તિઓને ભોગ આપ્યા પછી તે જ દિવસે તેઓએ મારા પવિત્રસ્થાનમાંથી આવીને તેને અશુદ્ધ કર્યું, અને જો, તેઓએ મારા મંદિરમાં એ પ્રમાણે કર્યું છે. 40 વળી તે ઉપરાંત તમે દૂરથી માણસોને તેડી મંગાવ્યા છે. તેમની પાસે સંદેશિયાને મોકલ્યો, એટલે જુઓ, તેઓ આવ્યા, તેઓને માટે તેં સ્નાન કરીને પોતાની આંખોમાં અંજન આંજીને શૃંગાર સજ્યો. 41 તું ભપકાદાર ગદેલા પર બેઠી, ને તેની આગળ મેજ બિછાવી હતી, ને તે પર તેં મારો ધૂપ તથા મારું તેલ મૂક્યાં હતાં. 42 મોજીલા લોકની ટોળીની સાથેના વિનોદનો અવાજ થતો હતો, અને તેઓએ સાધારણ પંક્તિના માણસો ઉપરાંત અરણ્યમાંથી છાકટાઓને બોલાવ્યા હતા, તેઓએ તે બન્ને ને હાથે બંગડીઓ, તથા તેઓને માથે સુંદર મુગટ પહેરાવ્યાં. 43 ત્યારે જે વ્યભિચાર કરીને વૃદ્ધ થઈ ગઈ હતી તેને વિષે મેં કહ્યું કે, હવે તેઓ તેની સાથે, હા, તેની સાથે વ્યભિચાર કરશે. 44 પછી જેમ લોક વેશ્યાની પાસે જાય છે તેમ તેઓ તેની પાસે ગયા, એવી રીતે તેઓએ તે છિનાળ સ્ત્રીઓ ઓહોલા તથા ઓહોલિબા સાથે શયન કર્યું. 45 નેક પુરુષો તેમનો ન્યાય કરીને તેમને છિનાળોની તથા ખૂની સ્ત્રીઓની શિક્ષા ફરમાવશે; કેમ કે તેઓ છિનાળો છે ને તેઓના હાથમાં રકત છે. 46 માટે પ્રભુ યહોવા કહે છે કે, હું તેમના ઉપર ચઢાઈ કરવા એક લશ્કરી ટુકડીને બોલાવીશ, ને તેમને આમતેમ ફેંકી દેવા તથા લૂંટી લેવા માટે સોંપી દઈશ. 47 તે લશ્કરની ટુકડી તેમને પથ્થરે મારશે, ને તરવારોથી તેમને પૂરી કરશે:તેઓ તેમનાં પુત્રોનો તથા પુત્રીઓનો સંહાર કરશે, ને તેમનાં ઘરો આગ લગાડીને બાળી નાખશે. 48 એવી રીતે હું દેશમાંથી લંપટતાનો અંત લાવીશ, જેથી સર્વ સ્ત્રીઓને તમારી લંપટતાનું અનુકરણ ન કરવાની શિખામણ મળે. 49 તેઓ તમારી લંપટતાનો બદલો તમને આપશે, ને તમારી મૂર્તિપૂજા નાં ફળ તમારે ભોગવવાં પડશે; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવા છું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India