Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રભુની તરવાર

1 યહોવાનું વચન મારી પાસે આવ્યું,

2 “હે મનુષ્યપુત્ર, તારું મુખ યરુશાલેમ તરફ રાખીને તારી વાણી પવિત્રસ્થાનો તરફ ઉચ્ચાર, ને ઇઝરાયલ દેશની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને કહે;

3 અને ઇઝરાયલ દેશને કહે કે, યહોવા કહે છે કે, જો હું તારી વિરુદ્ધ છું, ને મારી તરવાર મ્યાનમાંથી તાણીને તારામાંથી ને માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરીશ.

4 તારામાંથી નેક માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરવા માટે માઈ તરવાર મ્યાનમાથી નીકળીને દક્ષિણથી તે ઉત્તર સુધી સર્વ માણસો ઉપર ઘસી આવશે.

5 અને સર્વ માણસો જાણશે કે મેં યહોવાએ મારી તરવાર મ્યાનમાંથી બહાર કાઢી છે; તે કદી પાછી પેસશે નહિ.

6 તે માટે, હે મનુષ્યપુત્ર, નિસાસા નાખ, તારી કમર ભાગવાથી તથા દુ:ખથી [નાખતો હોય તેમ] તું તેમના જોતાં નિસાસા નાખ.

7 જ્યારે તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે તારે કહેવું કે, જે [આફત] આવે છે તેના સમાચારને લીધે [એ વખતે] દરેક હ્રદય પાણી પાણી થઈ જશે, ને સર્વ હાથ કમજોર થઈ જશે, ને દરેકના હોશ ઊડી જશે, ને સર્વ ઘૂંટણો પાણી જેવાં ઢીલાં થઈ જશે. પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, તે આવે છે, ને તે પ્રમાણે કરવામાં આવશે જ.”

8 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,

9 “હે મનુષ્યપુત્ર, ભવિષ્ય ભાખીને કહે કે, યહોવા કહે છે કે તરવાર તરવાર, તેને સરાણે ચઢાવેલી છે તથા ઓપ દીધેલો છે.

10 તે ઘાણ વાળે તે માટે તેને સરાણે ચઢાવેલી છે! તે વીજળી જેવી‍ ચળકતી થાય માટે તેને ઓપ દીધેલો છે! તો શું આપણે વિનોદ કરીશું? મારા પુત્રની છડી તો પ્રત્યેક વૃક્ષને તુચ્છ ગણે છે.

11 તેનો ઉપયોગ કરવામાં આવે માટે તેને ઓપ આપવા માટે આપી છે. તરવાર તો સંહારકના હાથમાં આપવા માટે સરાણે ચઢાવેલી છે, હા, તેને તો ઓપ ચઢાવેલો છે.

12 હે મનુષ્યપુત્ર, રડ તથા પોક મૂક; કેમ કે તે મારા લોક પર આવી પડી છે, તે ઇઝરાયલના સર્વ સરદારો પર આવી પડી છે. તેઓ તથા મારા લોકો તરવારને સ્વાધીન કરવામાં આવ્યા છે; માટે તારી જાંઘ પર થબડાકો માર.

13 કેમ કે આ તો કસોટી છે. પ્રભુ યહોવા કહે છે કે, તુચ્છ કરનાર છડીનો પણ અંત આવે તો શું?

14 એ માટે, હે મનુષ્યપુત્ર, તુ ભવિષ્ય કહે, ને તારા હાથથી તાળીઓ પાડ; અને પ્રાણઘાતક ઘા કરનારી તરવારને ત્રણગણી [તેજ] કર. એ તો મોટા માણસને પ્રાણઘાતક ઘા કરનારી તરવાર છે, એ તો તેમને ચોતરફથી ઘેરે છે.

15 મેં તેમના સર્વ દરવાજાઓ સામે તરવારનો ત્રાસ મુક્યો છે, જેથી તેમનું હૈયું પીગળી જાય ને તેમનાં લથડિયાં વધી જાય. અરે! તેને તો વીજળી જેવી કરી છે, સંહાર કરવા માટે તેને અણી કાઢેલી છે.

16 [બળ] એકત્ર કરીને જમણી તરફ જા. સજ્જ થઈને ડાબી તરફ જા! જે તરફ તારું મુખ રાખેલું હોય તે તરફ [જા].

17 હું પણ મારા હાથથી તાળી પાડીશ, ને મારા ક્રોધને શાંત પાડીશ. હું યહોવા એ બોલ્યો છું.”


બાબિલના રાજાની તરવાર

18 ફરીથી યહોવાનું વચન મારી પાસે આવ્યું,

19 “હે મનુષ્યપુત્ર, વળી તું પોતે બે માર્ગ મુકરર કર કે, [તે માર્ગે] બાબિલના રાજાની તરવાર આવે. તે બન્ને એક દેશમાંથી નીકળે; અને માર્ગના મથક આગળ [દરેક] નગરમાં જવાના [માર્ગનું] નિશાન મૂક.

20 તુ તરવારને માટે આમ્મોનીઓના રાબ્બાહમાં તથા યહૂદિયામાં, એટલે કોટવાળા યરુશાલેમમાં, આવવાનો માર્ગ મુકરર કર.

21 કેમ કે માર્ગમાં ફાંટા પડે છે તે જગાએ, બે માર્ગના મથક પર બાબિલનો રાજા શકુન જોવા ઊભો‌ છે: તે આમતેમ તીર હલાવે છે, તે તરાફીમની સલાહ લે છે, તે કલેજામાં અવલોકન કરે છે.

22 તેના જમણા હાથમાં યરુશાલેમ [સંબંધી] શકુન આવ્યા હતા, એટલે કોટભંજક યંત્રો ચોઢવા, સંહારાર્થે મોં ઉઘાડવા, મોટે ઘાંટે હોકારા પાડવા, દરવાજાઓ સામે દ્વારભંજક યંત્રો ગોઠવવા, મોરચા ઉઠાવવા, [તથા] કિલ્લાઓ બાંધવા સંબંધી [શકુન આવ્યા હતા].

23 જેઓએ તેમની આગળ સોગન ખાધા છે તેઓની નજરમાં તે શકુન વ્યર્થ જેવા લાગશે; પણ તેઓને સપડાવવા માટે તે [તેમનો] અન્યાય સ્મરણમાં લાવે છે.

24 માટે પ્રભુ યહોવા કહે છે કે, તમારા અપરાધ એવી ખુલ્લી રીતે જાહેર થઈ ગયા છે કે તમારાં સર્વ કામોમાં તમારાં પાપ દેખાઈ આવે છે, તેથી તમે તમારા અન્યાયનું સ્મરણ કરાવ્યું છે, અને તમે યાદ આવ્યા છો, તે માટે તમે હાથથી પકડાશો.

25 હે ઇઝરાયલના સરદાર, પ્રાણઘાતક ઘા વાગેલા દુષ્ટ માણસ, આખરની શિક્ષાનો સમય તારે માટે આવી પહોંચ્યો છે.

26 પ્રભુ યહોવા કહે છે કે, પાઘડી કાઢી નાખ ને મુગટ ઉતાર, આ [સ્થિતિ] એવી ને એવી રહેવાની નથી. અધમને ઊંચ સ્થિતિએ ચઢાવ, ને ઊંચને અધમ સ્થિતિમાં લાવ.

27 હું ઉલટાવી, ઉલટાવી, ઉલટાવી નાખીશ! જે હકદાર છે તે આવશે ત્યાં સુધી એ સ્થિતિ પણ રહેવાની નથી; અને હું તે [તને] આપીશ.


તરવાર અને આમ્મોનીઓ

28 હે મનુષ્યપુત્ર, તું ભવિષ્ય ભાખીને કહે કે, આમ્મોનીઓ વિષે તથા તેમણે મારલા મહેણા વિષે પ્રભુ હોવા આમ કહે છે. તું કહે કે, તરવાર, તરવાર ઘાત કરવાને તાણેલી છે, તે ખાઈ નાખે, તથા વીજળી જેવી થાય, માટે તેને ઓપ‍ ચઢાવેલો છે.

29 એટલે જે દુષ્ટોને પ્રાણઘાતક ઘા વાગેલા છે, ને જેઓનો કાળ, આખરની શિક્ષાનો સમય, આવી પહોંચ્યો છે તેઓની ગરદન ઉપર તને નાખવાને તેઓ તને વ્યર્થ સંદર્શનો કહે છે ને તને જૂઠા શકુન જોઈ આપે છે.

30 તેને પાછી તેનાં મ્યાનમાં નાખ. તારી ઉત્પત્તિની જગાએ, તારી જન્મભૂમિમાં, હું તારો ન્યાય કરીશ.

31 હું તારા પર મારો કોપ રેડીશ. મારો ક્રોધરૂપી અગ્નિ હું તારા પર ફૂંકીશ, અને પશુવત્ તથા નાશ કરવામાં બાહોશ એવા માણસોના હાથમાં હું તને સોંપી દઈશ.

32 તું અગ્નિમાં બાળવાનું બળતણ થશે. તારું રક્ત દેશમાં પડશે. કદી પણ તારું સ્મરણ કરવામાં આવશે નહિ. કેમ કે હું યહોવા એ બોલ્યો છું.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan